Dakshin Gujarat

વલસાડમાં મેઘતાંડવ: 3 કલાકમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર

વલસાડ-વાપી: (Valsad Vapi) વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ રવિવારે મેઘાએ તેના રૌદ્ર સ્વરૂપના દર્શન કરાવી દીધા હતા. અનરાધાર વરસાદ વરસતા સમગ્ર વલસાડ જિલ્લો (Valsad District) પાણી પાણી થઈ ગયો હતો. શનિવારે મોડી રાતથી જિલ્લાભરમાં મેઘરાજાએ ધમધમાટી શરૂ કરી દીધી હતી. જોકે, વહેલી પરોઢથી ભારે પવન અને સૂસવાટાથી વરસાદ (Rain) વરસતાં સમગ્ર જિલ્લો પાણીથી તરબોળ બની ગયો હતો. વલસાડમાં માત્ર 3 કલાકમાં જ 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉમરગામમાં વહેલી પરોઢથી બપોરે 12 સુધીમાં તો 10 અને વાપીમાં 9 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈ નીચાણવા્ળા વિસ્તારો જળ બંબાકાર થઈ ગયા હતા. ક્યાંક તો ભારે વૃક્ષો (Tree) અને વીજપોલ ધરાશાઈ થયા હોવાની પણ વિગતો મળી છે.

છેલ્લા કેટલાય સમયથી હાથતાળી આપી રહેલા વરસાદે ખેડૂતોના જીવ અધ્ધર કરી દીધા હતા. સખત ગરમી અને ઉકળાટથી લોકો પણ ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા હતા. આકાશે મંડરાતા વાદળો નહીં વરસતાં ખેડૂતો ચિંતામાં મુકાતા હતા. જોકે, શનિવારે મધ્યરાત્રિથી રવિવારે સવારે 10 વાગ્યા સુધીમાં મેઘાએ સમગ્ર વલસાડ જિલ્લામાં ઘબરાટી બોલવતાં વલસાડ જિલ્લો પાણી પાણી થઈ ગયો હતો. ભારે પવન અને સૂસવાટા વચ્ચે વરસાદ વરસતાં ઠેર ઠેર વૃક્ષો પડી ગયા હતા. જેને લઈ વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઉપરાંત વીજપોલ પણ ધરાશાઈ થતાં વીજ પૂરવઠો બંધ થતાં લોકોને ભારે મુશીબતોનો સામનો કરવો પડ્યો હતો. જો કે, બપોર બાદ મેઘાએ વિરામ લેતાં થોડો ઉઘાડ પણ નીકળ્યો હતો.

વલસાડ શહેરમાં ઠેર ઠેર પાણી જ પાણી
વલસાડ શહેરના તિથલરોડ મુખ્ય માર્ગ, શાકભાજી માર્કેટ, વલસાડ પારડી, ધોબી તળાવ, દાણાબજાર, છીપવાડ, ભાગડાવડા વિસ્તારના ગ્રીનપાર્ક સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વલસાડની શાકભાજી માર્કેટમાં પણ પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

ધરમપુર રોડ પર ભારે વૃક્ષો ધરાશાઈ થયા
ભારે પવનને લઈ વલસાડ શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાઈ થયા હતા. જોકે કોઈ જાનહાની નોંધાઈ ન હતી. વલસાડ-ધરમપુર માર્ગ પર જુજવા પાથરી પાસે, અબ્રામા વિસ્તારમાં શાફી હોસ્પિટલ પાસે, કોંસબા રોડ પર જિન્નતનગર પાસે અને ડુંગરી વિસ્તારમાં પણ વૃક્ષો પડતા સળંગ વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. જેના પગલે લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. રૂરલ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી કામગીરી કરી હતી.

ગોદાવરી બાગથી તિથલ બીચ સુધીનો તિથલરોડ બેટમાં ફેરવાયો
તિથલ રોડને સુંદર અને ટ્રાફિક મુક્ત બનાવવાની કામગીરી થોડા સમય પહેલાં જ માર્ગ-મકાન વિભાગે પૂરી કરી હતી. ડીએસપી કચેરીથી તિથલ બીચ સુધીના રોડની વચ્ચે ડિવાઈડ બનાવી લાઈટિંગ કરી શોભામાં ચાર ચાંદ લગાવ્યા હતા, પરંતુ આરએન્ડબીના અધિકારીઓ અને ઈજનેરોની લાપરવાહીથી સિઝનના પહેલા જ ભારે વરસાદમાં તિથલરોડ બેટમાં ફેરવાઈ ગયો હતો. તંત્રની પોલ ઉઘાડી પડી ગઈ હતી. રોડ પરનું વરસાદી પાણી જવા માટે કોઈ જ પ્રકારનું આયોજન ન કરાતા ઠેર ઠેર કેડ સમા પાણી ભરાઈ ગયા હતા.

તિથલરોડ પર બસ પાણીમાં ફસાઈ
તિથલરોડ પર સતીષભાઈ કાપડીયાના બંગલા પાસે જ્યાં ચાર રસ્તા પડે છે, ત્યાં વરસાદી પાણી જવાની ગટરલાઈ બ્લોક થઈ જતાં રસ્તા પર કેડ સમા પાણી ભરાઈ ગયા હતા. માર્ગ પરથી પસાર થતી તિથલ-ભાવનગર એસટી બસ પણ પાણીમાં ફસાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તિથલરોડ પર બંને બાજુ પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર પડી હતી.

તિથલરોડ પર વહેલી સવારથી જ અંધારપટ
વીજ તંત્રએ ચોમાસા પહેલાંની પ્રિમોન્સુન કામગીરી સૂચારૂ રૂપે પૂર્ણ નહીં કરતાં રવિવારે પડેલા ભારે વરસાદે તંત્રની પોલ ખોલી દીધી હતી. માત્ર કાગળ પર પ્રિમોન્સૂન કામગીરી કરતા વીજ તંત્રના ઉચ્ચ અધિકારીઓની લાપરવાહીથી રવિવારે પડેલા ભારે વરસાદને લઈ સમગ્ર તિથલરોડ પરનો વીજ પૂરવઠો 6 થી પણ વધુ કલાક બંધ રહેતાં શહેરીજનોનો રવિવાર બગાડી દીધો હતો. બપોર સુધી નાહવા-ધોવાના તમામ કામ બાકી રહેતા લોકો અકળાયા પણ હતા.

પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા
વલસાડમાં સવારથી જ ચાર ઇંચથી વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. છીપવાડ અને મોગરાવાડી ગરનાળુ, દાણાબજાર, તરીયાવાડ, વલસાડપારડી, કાશ્મીર નગર, કૈલાસ રોડ, તિથલ રોડ, કસ્તુરબા હોસ્પિટલ બહાર, ઘોબી તળાવ, હાલર ચારરસ્તા, અબ્રામા ધરમપુર ચોકડી, ધરમપુર રોડ, શાકભાજી માર્કેટ, નાની ખત્રીવાડ, એમ.જી.રોડ અને વલસાડ રેલવે યાર્ડ વગેરે વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને ખૂબ તકલીફ વેઠવી પડી હતી, લોકોની ગાડીઓ પણ બંધ થઈ ગઈ હતી. ઠેરઠેર પાણીના ભરાવાના કારણે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી ઉપર અનેકો સવાલ ઉઠ્યા છે.

વલસાડ જિલ્લાનો 24 કલાકનો વરસાદ
ઉમરગામ 252 મીમી
કપરાડા 101 મીમી
ધરમપુર 93 મીમી
પારડી 82 મીમી
વલસાડ 156 મીમી
વાપી 231 મીમી

Most Popular

To Top