અત્યારે પરિસ્થિતિ એવી છે કે પેટ્રોલના ભાવ અંકુશમાં નથી તો તેને લીધે સૌ પ્રથમ અમુલ દૂધમાં ભાવવધારો જોવા મળ્યો ત્યાર બાદ રોજિંદી વપરાતી જીવનજરૂરિયાતની વસ્તુઓ જેવી ખાદ્યતેલ, શાકભાજી, કઠોળ વિગેરે. તો આ બધું કયાં સુધી ચાલશે. મધ્યમ વર્ગનો માનવી કયાં સુધી ઝઝૂમશે. સરકાર મોટા મોટા રાહતના પેકેજો બહાર પાડે છે તે ફકત પેપરના પાના ઉપર જ જોવા મળે છે. અસલમાં માનવીને ખાવા પીવાની વસ્તુઓ ખરીદવા માટે જ જો તકલીફ પડતી હોય તો રાહતના પેકેજો શું કરવાનું. શહેર સ્માર્ટ સીટી બનાવવા માટે, મેટ્રો રેલ લાવવી, નવા નવા પુલોનું બાંધકામ કરવું આ બધું ઓછું હોય તો પાછું ડાયમંડ બુશ બનાવવું તો આ બધા માટે જો પૈસા હોય તો પછી મોંઘવારી કયાં નડી. એ ફકત જીવન જરૂરિયાતની વસ્તુ પર જ મોંઘવારી છે.
સરકાર જેની પણ હોય, પરંતુ માનવીને ખાવા પીવાની વસ્તુઓ લાવવા માટે ફાંફા પડતા હોય તો તે સરકાર શું કામની? સૌથી અગત્યની વસ્તુ એ કે જીવન જરૂરિયાતની વસ્તુના ભાવને આસમાને લાવીને શહેરને દેશને ગતિશીલ બનાવવું એ તો કોઇના પેટ પર પગ મૂકીને આગળ વધવા જેવું થયું. ગરીબ વર્ગને કે મધ્યમ વર્ગને જ ફકત મોંઘવારી નડે છે. અમીરોના સ્ટેટસમાં વપરાતી વસ્તુઓનો ભાવમાં વધારો બહુ ઓછો જોવા મળે છે. જયારે મધ્યમ વર્ગીય વ્યકિતઓના વપરાશની વસ્તુઓનો ભાવ કૂદકે ને ભૂસકે વધે છે. હવે તો પેટ્રોલનો ભાવ પણ સ્થિર ન હોવાથી ભાવ દિવસે ને દિવસે વધતા જ જાય છે એ કયાં અટકશે? સરકાર ગમે તે આવે, પણ એ હકીકત છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ અને ખાદ્ય પદાર્થની વસ્તુઓના ભાવો હંમેશા વધ્યા જ છે. સુરત – કલ્પના વૈદ્ય – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.