માંડવીના રેસ્ટ હાઉસ ખાતે એક્સપ્રેસ હાઈવેની સંપાદિત જમીનનો કબજો મેળવવા જમીન સંપાદન અધિકારી મિતેશ પટેલની અધ્યક્ષતામાં માંડવી અને માંગરોળના અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતોએ સહયોગ આપવા જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી મુંબઈ એક્સપ્રેસ હાઇવે માટે સંપાદિત જમીનનો કબજો મેળવવા માટે કલેક્ટરના આદેશથી માંડવી પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોર, મામલતદાર મનીષ પટેલ તથા પદાધિકારીઓ સાથે તાલુકા કક્ષાની બેઠકમાં માંડવી તાલુકાનાં ત્રણ ગામ વિરપોર, રોસવાડ, કરંજ અને માંગરોળ તાલુકાનાં વાલેસા, કોઠવા, સમુસર, લીમોદરા આમ સાત ગામના ખેડૂતોની બેઠકમાં 70થી વધુ ખેડૂત હાજર રહ્યા હતા.
જે તમામ ગામના એવોર્ડ જાહેર કર્યો હતો. તેમજ પ્રતિ ચોરસ મીટરના ભાવવધારો આપવા હુકમ પણ કરવામાં આવ્યો છે. જે મુજબના વળતરની ચૂકવણી ટૂંક સમયમાં શરૂ થનાર છે. આ જમીન સંપાદન અધિકારીએ ખેડૂતોને જમીન વળતર બાબતે તેમજ જમીનમાંથી રસ્તો પસાર થાય છે, તે જમીનને નુકસાન થયું હોય અથવા પાણીના વહેણ કે રસ્તાની કોઈ સમસ્યા હોય તેવા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે ખેડૂતો સાથે ચર્ચા કરાઈ હતી. આમ, જમીન સંપાદન બાબતે ખેડૂતોએ પૂરતો સહયોગ આપ્યો હતો.