પશ્ચિમ બંગાળ (west Bengal) વિધાનસભાની ચૂંટણી (Election) બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં ઉગ્ર હિંસા થઈ હતી. સેંકડો લોકોને પલાયન કરવાની ફરજ પડી હતી. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી) ની ટીમે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને કોલકાતા હાઈકોર્ટમાં તેનો અહેવાલ આપ્યો હતો. ગુરુવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહાર કર્યા છે. કોલકાતામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ કહ્યું- ‘પીએમ મોદી સારી રીતે જાણે છે કે યુપીમાં કાયદાનું શાસન નથી. ત્યાં તપાસ માટે તેઓએ કેટલા કમિશન મોકલ્યા છે? હાથરસથી ઉન્નાવ સુધીની અનેક ઘટનાઓ બની છે. પત્રકારોને પણ બક્ષવામાં આવ્યા ન હતા. તેઓ બંગાળને બદનામ કરે છે. બંગાળમાં મોટાભાગની હિંસા ચૂંટણી પહેલા થઈ હતી.
બંગાળમાં ચૂંટણી બાદ હિંસા પર રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) તરફથી કોલકત્તા હાઈકોર્ટને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં ચૂંટણી બાદ હિંસાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની ભલામણ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે ઘટનાની સુનાવણી રાજ્યની બહાર ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરીને થાય. તો એનએચઆરસીના રિપોર્ટ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, આ બંગાળને બદનામ કરવાનું ષડયંત્ર છે. સોંપવામાં આવેલ અંતિમ રિપોર્ટમાં રાજ્ય તંત્ર પર આકરી ટિપ્પણી કરવામાં આવી છે. 50 પેજના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય પ્રશાસને જનતામાં પોતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. કવિગુરૂ રવીન્દ્રનાથ ટાગોરની ધરતી બંગાળમાં ‘કાયદાનું રાજ’ નથી, પરંતુ અહીં ‘શાસકનો કાયદો’ ચાલી રહ્યો છે.
કમિટીએ કહ્યું કે, રાજ્યમાં ચૂંટણી બાદ થયેલી હિંસા દરમિયાન હત્યા અને દુષ્કર્મ સહિત અનેક કેસ સામે આવ્યા છે. આ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવામાં આવે અને તેની સુનાવણી રાજ્યની બહાર થાય. આ સિવાય અન્ય ગંભીર ગુનાઓ માટે એસઆઈટીની રચના કરવામાં આવે. એસઆઈટીનું મોનિટરિંગ કોર્ટ કરે.
મમતા બેનર્જીએ ગુરુવારે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી) ની ટીકા કરી હતી. તેમણે બંગાળ સરકારના મંતવ્યો જાણ્યા વિના એનએચઆરસીના નિષ્કર્ષ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. અહીં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું કે ભાજપ હવે રાજ્યની છબીને દૂષિત કરવા અને રાજકીય બદલો લેવા તટસ્થ એજન્સીઓનો આશરો લઈ રહી છે. મમતા બેનર્જીએ કહ્યું કે જો સમય આપવામાં આવે તો તે આવતા અઠવાડિયે દિલ્હીની મુલાકાત દરમિયાન વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને મળવા માંગશે.