તાપસી પન્નુ સાથે ‘હસીન દિલરુબા’ હજુ બીજી જૂલાઇએ જ રજૂ થઇ અને તરત ચર્ચામાં આવી ગઇ, આનો લાભ તાપસીને તો થશે પણ તેનાથી વધુ વિક્રાંત મેસ્સીને થઇ રહ્યો છે. દિપીકા પાદુકોણ સાથે ‘છપ્યાક’ અને યામી ગૌતમ સાથે ‘જિની વેડ્સ સની’ પછી તેની ‘14 ફેરે’ રજૂ થઇ રહી છે. અને તે પણ આ 23મી જૂલાઇએ જ. એક મહિનામાં બબ્બે ફિલ્મ રજૂ થાય તેવું કોરોના ઉત્તરાધેમાં કોઇ સાથે બન્યું હોયતો વિક્રાંત સાથે બન્યું છે. ‘હસીન દિલરુબા’માં તાપસી છે તો ‘14 ફેરે’માં ક્રિતી ખરબંદા, વિક્રાંતને અત્યારે હીરોઇન કેન્ટ્ટી ફિલ્મ મળી રહી છે પણ એ હીરોઇનો જો દિપીકા, તાપસી, યામી, ક્રિતી હોય તો શું વાંધો ?
વિક્રાંત મેસ્સી 2007થી ટી.વી. શ્રેણીનાં કામ કરતો હતો અને સાતેક જેટલી શોર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું. પરંતુ વિત્યા ચારેક વર્ષમાં તેણે ‘રાઇઝ’, ‘મિર્ઝાપૂર’, ‘બ્રોકન બટ બ્યુટીફૂલ’, ‘મેડ ઇન હેવન’, ક્રિમીનલ જસ્સિસ જેવી વેબ સિરીઝમાં કામ કરવા સાથે જ ફિલ્મોમાં તે ચર્ચાવા માંડયો. અલબત્ત 2013થી તે ફિલ્મોમાં છે પણ ‘છપ્પાક’ અને તે પહેલાં ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ પછી તે વધારે ચર્ચાતો થયો. હમણાં તેની ‘રામપ્રસાદકી તેરવી’ પણ આવી હતી. ગયા વર્ષે તેની ત્રણ ફિલ્મો નેટફલિક્સ પર રજૂ થયેલી અને ‘હસીન દિલરુબા’ પણ એજ પ્લેટફોર્મ પર રજૂ થઇ પણ ‘14 ફેરે’ ઝીફાઇવ પર રજૂ થશે. જૂલાઇ મહિના પર વિક્રાંત ખુશ છે.
તેને તેની આવનારી ફિલ્મો પર પણ મોટી આશા છે અને ‘મુંબઇકર’ પર તો ખાસ છે કારણ કે ‘રંગરેઝ’ પછી આઠ વર્ષે સંતોષ શિવન તેનું દિગ્દર્શન કરે છે. એ ફિલ્મ તમિલની ‘માંગરમ’ની રિમેક છે. વિક્રાંત મેસ્સી આ એકશન થ્રીલરમાં કામ કરવાથી રોમાંચિત છે. હજુ આ વર્ષે જ તેનું શૂટિંગ શરૂ થયું છે પણ સંતોષ શિવન સમયે ફિલ્મ પૂરી કરવામાં માને છે. વિક્રાંત તો ‘લવ હોસ્ટેલ’ પર પણ ખુશ છે કારણ કે તે ઉત્તર ભારતમાં ફિલ્માવાય રહી છે ને પ્રેમકહાણી છે પણ ક્રાઇમ થ્રીલર છે. તેની સાથે સાન્યા મલ્હોત્રા અને બોબી દેઓલ છે. એ ડિઝનીપ્લસ હોટસ્ટાર પર રજૂ થવાની છે. વિક્રાંત શહેરી ઇન્ટેલિજન્ટ યુવાનનું લુક ધરાવે છે. ફિલ્મોની વ્યસ્તતા પછી વેબસિરીઝ સ્વીકારવાનું તેણે બંધ કર્યું છે. તે અત્યારે મલ્ટીસ્ટારર ફિલ્મોનો ય હિસ્સો નથી એટલે સફળતા કે નિષ્ફળતા તેની પોતાની જ રહેશે. તેનો આ આત્મવિશ્વાસ તેને ટી.વી.થી વેબ સિરીઝને હવે ફિલ્મોમાં સફળ બનાવી રહ્યો છે.