ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે નવા શૈક્ષણિક વર્ષ 2021-22માં ધો.10ના વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં ગણિત વિષયના પેપરમાં મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટિક્સ બેઝિક એમ બે અલગ અલગ પ્રશ્નપત્રના વિકલ્પ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ પોતાની પસંદગી પ્રમાણે કોઈપણ એક પેપરનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જે વિદ્યાર્થીએ તે વિકલ્પની પસંદગી બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે કરવાની રહેશે. જે વિકલ્પ આખરી રહેશે. ધોરણ 9માં ગણિત વિષયમાં આ પ્રકારનો વિકલ્પ આપવામાં આવશે નહીં.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામકના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સુચવ્યા મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 10નું ગણિત વિષયનું પાઠ્યપુસ્તક એક જ સરખું રહેશે. શાળાકક્ષાએ કે વર્ગખંડ કક્ષાએ આ અંગેની શૈક્ષણિક પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્ર પરિરૂપ અલગ-અલગ રહેશે. બંને પ્રકારના પરિરૂપમાં પ્રકરણવાર, ગુણભાર, પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણભાર અલગ અલગ રાખવામાં આવશે. જે વિદ્યાર્થી ધોરણ 10માં ગણિત સ્ટાન્ડર્ડ રાખશે તે ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે. જે વિદ્યાર્થી ધોરણ 10માં ગણિત બેઝિક રાખશે તે ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે નહીં.
ધોરણ 10માં ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં જવા માંગતો હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે. ધોરણ 10માં ગણિત સ્ટાન્ડર્ડમાં નાપાસ થનાર વિદ્યાર્થી પૂરક પરીક્ષાના નિયમોને આધીન ફરી ગણિત સ્ટાન્ડર્ડ અથવા ગણિત બેઝિક વિકલ્પ આપી પુરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. શાળાકક્ષાએ આચાર્યએ તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને આ અંગેની પૂરેપૂરી સમજ આપવાની રહેશે, તેમજ વિદ્યાર્થીએ જે વિકલ્પ પસંદ કરેલો હોય, તે અંગેની વિદ્યાર્થી તેમજ વાલીની લેખિત સહમતી લેવાની રહેશે.