Dakshin Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગ્રુપ બુકિંગ થતું નથી, કોમ્બો ટિકિટની વ્યવસ્થા કરો

સુરત: (Surat) કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેરમાં સૌથી વધુ નુકસાન દક્ષિણ ગુજરાતના ટૂર એન્ડ ટ્રાવેલર્સ એજન્ટોને થયું છે. ઘણા એજન્ટો ટુરિઝમ (Tourism) ઉદ્યોગ બેસી જતાં અન્ય વ્યવસાયમાં શિફટ થયા છે. આ મામલે ટાઇના અગ્રણી માલ્કમ પંડોળે રાજ્યના મુખ્યમંત્રી, વડાપ્રધાનને પત્ર લખી આ સેક્ટરને રાહત આપવા માંગ કરી હતી. તે પછી મંગળવારે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ગુજરાત ટુરિઝમના કોમર્શિયલ મેનેજર નીરવ મુન્શીની અધ્યક્ષતામાં ટ્રોવેલર્સ એજન્ટ એસોસિએશન અને અગ્રણી ટૂર ઓપરેટર સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ટૂર અને ટ્રાવેલર્સ ઓપરેટરો ગુજરાત ટુરિઝમ સાથે જોડાઇને કઇ રીતે ડોમેસ્ટિક ટુરિઝમને પ્રોત્સાહન આપી શકે એ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ખાસ કરીને એજન્ટોને એવી ફરિયાદ હતી કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં (Statue Of Unity) એકસાથે ૬થી વધુ ટિકિટ બુક થતી નથી. તો ટ્રાવેલ એજન્ટને ગ્રુપ બુકિંગમાં મુશ્કેલી પડે છે, એ માટે ગ્રુપ બુકિંગની અલગથી વ્યવસ્થા ઊભી કરવી, કેવડિયા કે અન્ય એક જ પ્રિમાઇસિસમાં અલગ-અલગ થિમ પાર્કની અલગ-અલગ ટિકિટની જગ્યાએ કોમ્બો ટિકિટની સુવિધા કરવી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત ટુરિઝમના કોમર્શિયલ એકોમોડેશનમાં બુકિંગ અલગ અલગ વિભાગમાંથી થાય છે તેની જગ્યાએ ઓફલાઈન અને ઓનલાઇન બંને રીતે સિંગલ બુકિંગ પ્લેટફોર્મ બનાવવું.

ઉપરાંત ગુજરાત ટુરિઝમ હસ્તગતના એકોમોડેશન કે મોન્યુમેન્ટની એન્ટ્રી ફીમાં ટ્રાવેલ એજન્ટ માટે ખાસ પોલિસી બનાવવી. આ મીટિંગમાં ગુજરાત ટુરિઝમ સુરત બ્રાન્ચના ઇનચાર્જ ટુરિસ્ટ ઓફિસર તુલસી હાંસોટી, ચેમ્બરની ટૂર્સ એન્ડ ટ્રાવેલ કમિટીના કો-ચેરમેન વિનસ શાહ, ટાઈના સાઉથ ગુજરાત ચેપ્ટરના મુખ્ય હોદ્દેદાર માલ્કમ પંડોળ, કાંતિ સોહાગિયા, સાઉથ ગુજરાત ટ્રાવેલ કન્સલ્ટન્ટ એસોસિએશનના પ્રમુખ રાજીવ શાહ તથા અન્ય અગ્રણી ટ્રાવેલ એજન્ટ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ટુરિઝમ સુરતનાં જોવાલાયક સ્થળોએ ટુરિઝમ પોલિસીમાં પ્રમોટ કરે
માલ્કમ પંડોળે જણાવ્યું હતું કે, રાજ્ય બહારથી ગુજરાતનાં પ્રવાસન સ્થળોની શુભેચ્છા મુલાકાત લેવા આવતા ટ્રાવેલ એજન્ટોને સુરતને પ્રાધાન્ય આપી સુરત તથા તેની આજુબાજુનાં જોવાલાયક સ્થળોની મુલાકાત કરાવવી, સુરતના પ્રવાસનને વેગ મળે, સુરતનાં ઐતિહાસિક સ્થળોની જાળવણી અને ઈમારતોનું નવીનીકરણ કરી ટુરિસ્ટમાં આકર્ષણ પેદા થાય તેવા બનાવવા, સુરતને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા એવીએશન મિનિસ્ટર સાથે વાત કરી બીજાં ઘણાં શહેરો સાથે ડાયરેક્ટ કનેક્ટિવિટીની ફ્લાઇટ શરૂ થાય એ માટે પ્રયાસો કરવા અને ગુજરાત ટુરિઝમમાં ટ્રાવેલ એજન્ટનાં રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા સરળ બનાવવી.

Most Popular

To Top