Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતના આ 9 ઉદ્યોગકારોનું ડેલિગેશન ત્રિપુરા રવાના, ઉદ્યોગ–ધંધાના વિકાસનો અભ્યાસ કરશે

સુરત: (Surat) ભારત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર તથા કેમિકલ ફર્ટિલાઇઝર્સ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતના નવ ઉદ્યોગકારોનું (Industrialist) એક ડેલિગેશન આજે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયાની આગેવાનીમાં ત્રિપુરા ખાતે ચાર દિવસના પ્રવાસ માટે રવાના થયું છે. ચેમ્બરની આગેવાની હેઠળ ચાર દિવસના પ્રવાસે ગયેલું ડેલિગેશન ત્રિપુરામાં એગ્રીકલ્ચર, ફાર્માસ્યુટિકલ અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં રોકાણની નવી તકો શોધશે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર તથા કેમિકલ ફર્ટિલાઇઝર્સ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે ત્રિપુરાની મુલાકાતે ગયા હતા ત્યારે તેઓએ ત્યાં એગ્રિકલ્ચર, ફાર્માસ્યુટિકલ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં થયેલું પરિવર્તન જોયું હતું. આથી ભારતના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને ત્રિપુરામાં થયેલા ઉદ્યોગ–ધંધાના ડેવલપમેન્ટનો અભ્યાસ કરવા અર્થે માર્ગદર્શન આપ્યું હતું. આ બાબતને ધ્યાને લઇને ચેમ્બર દ્વારા નવ ઉદ્યોગકારોનું એક ડેલિગેશન ત્રિપુરાના પ્રવાસે રવાના થયું છે.

ત્રિપુરામાં નવું રોકાણ આવવાથી ઉદ્યોગ-ધંધાઓનું ચિત્ર બદલાઇ રહ્યું છે. વોલ્યુમની દૃષ્ટિએ ત્રિપુરામાંથી નિકાસમાં પાંચ ગણો વધારો થયો છે. ખાસ કરીને ત્રિપુરામાં એગ્રિકલ્ચર, ફાર્માસ્યુટિકલ અને પ્રોસેસિંગ ફૂડ સંબંધિત ઉદ્યોગ ઘણો વિકાસ પામ્યો છે. આથી ડેલિગેશન દ્વારા ચાર દિવસના પ્રવાસ દરમ્યાન ત્રિપુરામાં ઉદ્યોગ–ધંધાની દૃષ્ટિએ તેમાં રોકાણની નવી તકો શોધવામાં આવશે. સાથે જ ઉદ્યોગ–ધંધાના ડેવલપમેન્ટનો અભ્યાસ પણ કરવામાં આવશે. જેથી કરીને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ–ધંધાઓને વિકાસની દિશામાં ઝડપભેર પરિવર્તિત કરી શકાય.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયા ઉપરાંત આ ડેલિગેશનમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા શિવમ નાવડિયા, મનહર સાંસપરા અને જેનીલ મનપરા તથા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા દિપક શેટા, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કેતનકુમાર ઝોટા, બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા બિલ્ડર વેલજી શેટા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સિદ્ધાર્થ સિંઘી અને જિલ્પા શેઠનો સમાવેશ થાય છે.

Most Popular

To Top