અમદાવાદ: (Ahmedabad) આવતીકાલે એટલેકે સોમવારે અષાઢી બીજ પર જગન્નાથ પૂરી બાદ દેશના બીજા નંબરની ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં (Ahmedabad) નીકળશે. આ માટે આજ રાતથી જ રથયાત્રાના રૂટ પર કરફ્યૂ જાહેર કરવામાં આવશે. રથયાત્રા (Rathyatra) ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર સીસીટીવીથી (CCTV) નજર રાખવામાં આવશે. 94 CCTV કેમેરાથી પોલીસની બાજ નજર રહેશે. આ પહેલા રવિવારે મુખ્યમંત્રી રુપાણીની જગન્નાથ મંદિરની મુલાકાતને લઈને સુરક્ષા બંદોબસ્ત વધુ ચુસ્ત કરી દેવાઈ છે. દર વર્ષે સીએમ રથયાત્રાના એક દિવસ પહેલા મંદિરની મુલાકાત લેતા હોય છે. મંદિરમાં સીએમના આગમન પૂર્વે રથની આજુબાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મુખ્યમંત્રી રૂપાણી (CM Rupani) આજે સાંજે 6.30 વાગ્યે જમાલપુર મંદિરમાં ભગવાન જગન્નાથની સંધ્યા આરતીમાં ભાગ લેશે. તેમજ રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ૧૪૪મી જગન્નાથ રથ યાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભકિત ભાવ પૂર્વક આરતી અને દર્શન અર્ચન કર્યા હતા. તેમણે મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરીને યાત્રાની વિગતો મેળવી હતી. ગુજરાત કોરોનાથી ત્વરાએ મુક્ત થાય અને સૌ સ્વસ્થ રહે તેવી પ્રાર્થના મુખ્યમંત્રીએ પ્રભુના ચરણોમાં કરી હતી.
રવિવારે જગન્નાથ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. મંદિર પરિસરમાં ગજરાજની પૂજન વિધિ સંપન્ન થઈ હતી. બાદમાં મંદિરમાં રથપૂજનની વિધિ કરાઈ હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ મંદિર તમામ ખલાસી ભાઈઓ બહારથી ખેંચી અને મંદિર પરિસરમાં લાવ્યા હતા. બપોર બાદ ભજન મંડળીથી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. મંદિરમાં સીએમના આગમન પૂર્વે રથની આજુબાજુ RAF કર્મીઓને તહેનાત કરાયા છે.
બીજી તરફ સુરક્ષાને લઈને પણ શહેર પોલીસ સજ્જ છે. પોલીસ અધિકારીઓ CCTVના માધ્યમથી રથયાત્રા પર ચાંપતી નજર રાખવામાં આવશે. રથયાત્રાના સમગ્ર રુટ પર સીસીટીવીથી નજર રાખવામાં આવશે. જેમાં સંવેદનશીલ એવા દરિયાપુર વિસ્તારમાં સૌથી વધુ સીસીટીવીથી નજર રાખવામાં આવશે. આ માટે તંબુ ચોકીમાં કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. નિજ મંદિરથી સરસપુર અને સરસપુરથી નિજ મંદિરના રૂટ પર 94 CCTV કેમરા લગાવવામાં આવ્યા છે. રથયાત્રા નિમિત્તે ગાયકવાડ હવેલી, ખાડીયા, કાલુપુર, શહેરકોટડા, માધુપુરા, દરીયાપુર, શાહપુર તથા કારંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર કરફ્યુગ્રસ્ત જાહેર કરાયો છે.
પોલીસ દ્વારા રથયાત્રા પર ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે. અગાશી તેમજ રથયાત્રાના રૂટની આજુબાજુમાં લોકોની ભીડ ભેગી ના થાય તે માટે ડ્રોનથી નજર રખાશે. ભીડ કરતા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે. લોકો પર નજર રાખવાની સાથે સાથે સુરક્ષા માટે પણ ડ્રોનથી મોનિટરીંગ કરાશે. આ તરફ મંદિરના પ્રાંગણમાં 11 હાથી અને 3 નાના હાથી લાવવામાં આવ્યા છે. ભક્તો ગજરાજના દર્શન કરી અને સેલ્ફી લઈ રહ્યાં છે. સોનાવેશ બાદ મંદિરના પ્રાગણમાં ગજરાજોની પૂજા કરવામાં આવી હતી. મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમજ યજમાનોએ ગજરાજની પૂજા કરી હતી.