ભરૂચના ગોલ્ડનબ્રિજને સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજ નવા આકાર સાથે તૈયાર થઇ જતા આગામી અષાઢી બીજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે 141 વર્ષથી અડીખમ ગોલ્ડનબ્રિજને ભરૂચ સિનિયર સિટિઝન કાઉન્સિલે ભારત દેશનું રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે કલેક્ટરને રજૂઆત કરી છે. તેમજ ગોલ્ડન બ્રિજ ઉપર વોકિંગ બ્રિજ બનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો છે.
નર્મદા નદી ઉપર નિર્માણ પામી રહેલ નર્મદામૈયા બ્રિજ પૂર્ણ થઇ ગયો છે અને ટૂંક જ સમયમાં તેનું લોકાર્પણ થવા જઈ રહ્યુ છે. ભરૂચ સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા ગોલ્ડન બ્રિજને સમાંતર નવો બ્રિજ બને તે માટે વર્ષ-2011થી રજૂઆતો કરવામાં આવતી હતી. ત્યારે ટૂંક જ સમયમાં તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ભરૂચ સિનિયર સિટીઝન કાઉન્સિલે રજૂઆતમાં કહ્યું છે કે, હાલ ભરૂચ તેમજ અંકલેશ્વર વચ્ચે અંગ્રેજોના જમાનાથી સતત 141 વર્ષથી સેવા આપી રહ્યો છે.
નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ થાય ત્યાર બાદ ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવે તેવી રજૂઆત ભરૂચ સિટિઝન કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે. ભરૂચમાં અનેક હેરિટેજ સ્થળો આવેલાં છે. ત્યારે તેમાં વધુ એક મોરપીંછ ઉમેરાશે. ગોલ્ડન બ્રિજ પરથી વાહનોની આવન-જાવન બંધ કરી તેને વોકિંગ બ્રિજ તરીકે જાહેર કરાય. જેથી ભરૂચ તેમજ અંકલેશ્વરની જનતા તેનો મહત્તમ ઉપયોગ મોર્નિંગ વોક માટે કરી શકે. ઉપરાંત આ બ્રિજ ઉપર બંને તરફ સલામતી માટે રેલિંગ પણ ઊભી કરાય.
જેથી અકસ્માત ન સર્જાય. આ ઉપરાંત બ્રિજની બંને તરફ વાહનોનાં પાર્કિંગ માટે પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી રજૂઆત ભરૂચ સિટિઝન કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે.