દમણ, સેલવાસ: (Daman) સંઘ પ્રદેશ દાનહ-દમણ-દીવમાં કોરોનાના કેસમાં થઈ રહેલા ઘટાડાને જોતા પ્રદેશનાં હરવા ફરવાના સ્થળોની સાથે સિનેમા થિએટર, મલ્ટીપ્લેક્ષ, જીમ, સ્વિમિંગ પૂલ સહિતનાં એકમોને કોવિડ-19 ની ગાઈડલાઈન મુજબ ખોલવાની પરવાનગી પ્રશાસન દ્વારા આપવામાં આવી છે. પ્રદેશમાં ફરી બાગ બગીચાઓ, દરિયા કિનારાઓ (Beach) અને હરવા ફરવા લાયક સ્થળો ખૂલતા પ્રવાસીઓની (Tourist) સંખ્યા વધશે જેને લઈ ફરી લોકોને રોજગાર મળશે જેને લઈને પ્રદેશના લોકોએ ખુશી વ્યક્ત કરી છે. બીજી તરફ લાંબા સમયથી પર્યટન સ્થળો ખુલવાની રાહ જોઈ રહેલા સુરતીઓ માટે પણ આ આનંદના સમાચાર છે.
કોરોનાના પહેલા વેવ બાદ બીજા વેવ દરમ્યાન પ્રદેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં હરવા ફરવા લાયક સ્થળોની સાથે જીમ, સ્પા, સિનેમા ઘરો, હોટલો, બાર એન્ડ રેસ્ટોરન્ટની સાથે અન્ય એકમોને પ્રશાસને બંધ કરવાનો આદેશ કર્યો હતો. જે બાદ કોરોનાના કેસમાં જેમ જેમ ઘટાડો નોંધાયો તેમ પ્રશાસને કોવિડ-19 ની જરૂરી ગાઈડ લાઈન મુજબ હોટલ, બાર એન્ડ રેસ્ટોરન્ટ તથા અન્ય એકમોને ખોલવાની મંજૂરી આપી હતી.
છેલ્લા થોડા દિવસોથી દાનહ-દમણ-દીવમાં કોરોનાના કેસોમાં ઘટોડો જોવા મળતા અને એક્ટિવ કેસની સંખ્યા પણ એકદમ ઘટી જતાં પ્રશાસને એક ગાઈડલાઈન જારી કરી જરૂરી છૂટછાટ આપી છે. જેમાં પ્રદેશનાં તમામ હરવા ફરવા લાયક સ્થળો જેવા કે, ઉદ્યાન, પાર્ક, બાગ બગીચાઓ, દરિયા કિનારાઓ, દમણના નવા સી-લીંક રોડ ઉપર વગર રોકટોક પર્યટકો અને સ્થાનિક લોકો હરી ફરી શકશે. જો કે, શનિ-રવિ અને જાહેર રજાઓના દિવસે હરવા ફરવાના સ્થળો સંપૂર્ણ પણે બંધ રહેશે. આ સિવાય પ્રદેશનાં જીમ, સ્પા અને સ્વિમિંગ પૂલને પણ કોવિડની જરૂરી ગાઈડ લાઈન સાથે ખોલવાની અનુમતી આપવામાં આવી છે.
50 ટકાની બેઠક વ્યવસ્થાની ક્ષમતા સાથે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષને અનુમતિ
છેલ્લા 2 વર્ષથી બંધનો માર ઝીલી રહેલા સિનેમા થીયેટરો, મલ્ટીપ્લેક્ષને પણ 50 ટકાની બેઠક વ્યવસ્થા સાથે ખોલવા મંજૂરી આપી છે. આ માટે જિલ્લા અને સ્થાનિક પ્રશાસન કોવિડ-19 ના જરૂરી પ્રોટોકોલનું ખાસ ધ્યાન રાખશે અને પ્રદેશમાં કોવિડ-19ના પોઝિટિવ કેસ ફરી નહીં વધે એની તકેદારી રાખવા હેતુ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાનું ફરજીયાત પાલન કરાવશે. પ્રદેશમાં ફરી બાગ બગીચાઓ, દરિયા કિનારાઓ અને હરવા ફરવા લાયક સ્થળો ખૂલતા પ્રવાસીઓની સંખ્યા વધશે જેને લઈ ફરી પુનઃ ધંધા રોજગારમાં તેજી આવવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે.