SURAT : સરથાણામાં એક વેપારીએ મકાન ખરીદ્યા બાદ જૂના માલિકને ભાડે આપવાનું ભારે પડ્યું હતું. જૂના માલિકે પોતાની માતાના નામ ઉપર જ મકાન ટ્રાન્સફર કરીને ખાલી કર્યું ન હતું જે અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ સરથાણા જકાતનાકા પાસે ઋષિકેષ ટાઉનશીપમાં રહેતા ચંદ્રેશભાઇ દેવરાજભાઇ માંગુકીયાએ પૂણાગામમાં ઇશ્વરકૃપા સોસાયટીમાં રહેતા જયેશભાઇ જયંતિભાઇ રીબડીયાની પાસેથી મકાન ખરીદ્યું હતું. જયેશભાઇને આર્થિક ભીંસ હોવાથી તેઓએ પોતાનું મકાન ચંદ્રેશભાઇને રૂા. 60 લાખમાં વેચી દીધુ હતુ.
આ પૈકી ચંદ્રેશભાઇએ 1.25 લાખ ફાઇલના આપ્યા હતા. જ્યારે બાકીના રોકડા રૂપિયા આપી દીધા હતા. બીજી તરફ જયેશભાઇએ મકાન વેચીને ચંદ્રેશભાઇની પાસેથી જ ભાડાપટ્ટે લીધુ હતું. બીજી તરફ ચંદ્રેશભાઇ જ્યારે સોસાયટીમાં ટ્રાન્સફર ફી ભરવા માટે ગયા ત્યારે ખબર પડી કે, જયેશભાઇએ સોસાયટીમાંથી રૂા. 1.25 લાખ ઉપાડ લીધો છે. આ તમામ રૂપિયા ભરીને ચંદ્રેશભાઇએ પોતાના નામ ઉપર મકાન કરી લીધું હતું. દિવાળીના સમયે જયેશભાઇએ ભાડાનું મકાન ખાલી કર્યું ન હતું.
ત્યારે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે સિવિલ મેટર હોવાનું કહીને ફરિયાદ નોંધી ન હતી. બાદમાં ચંદ્રેશભાઇએ વકીલ મારફતે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, ત્યારે મકાનના વેરાબીલની જરૂર પડી હતી. ચંદ્રેશભાઇએ મનપામાં તપાસ કરી ત્યારે ખબર પડી કે, જયેશભાઇએ પોતાની માતાના નામે જ મકાન ટ્રાન્સફર કરી નાંખ્યું હતું. આ દસ્તાવેજમાં જયેશભાઇએ ચંદ્રેશભાઇની બોગસ સહીઓ કરી હતી. બનાવ અંગે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે