Sports

આખરે આર્જેન્ટીના ફાઇનલમાં: 1993માં કોપા અમેરિકાની ફાઇનલ પછી કોઇ મોટી ટૂર્નામેન્ટ નથી જીત્યું

બ્રાસીલિયા (બ્રાઝિલ) : કોપા અમેરિકા (COPA AMERICA)ની સેમી ફાઇનલ (SEMI FINAL)માં કોલંબિયા (COLOMBIA)ને પેનલ્ટી (PENALTY) શૂટઆઉટમાં હરાવીને ફાઇનલમાં પ્રવેશેલા આર્જેન્ટીના (ARGENTINA)નો ટાઇટલ જંગ રિયો ડિ જાનેરોના ઐતિહાસિક મારાકાના સ્ટેડિયમમાં શનિવારે બ્રાઝિલ સામે થશે.

મંગળવારે રાત્રે રમાયેલી સેમી ફાઇનલમાં આર્જેન્ટીનાએ કોલંબિયાને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી હરાવ્યું હતું. મેચનો હીરો આર્જેન્ટીનાનો ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝ રહ્યો હતો, જેણે કોલંબિયાની ત્રણ પેનલ્ટી બચાવી લીધી હતી. બ્રાસિલીયાના માને ગારિંચા સ્ટેડિયમમાં નિર્ધારિત સમય પુરો થયો ત્યારે સ્કોર 1-1ની બરોબરી પર રહ્યો હતો. મેચમાં આર્જેન્ટીનાને લોટેરો માર્ટિનેઝે સાતમી મિનીટમાં જ સરસાઇ અપાવી દીધી હતી, જો કે બીજા હાફમાં કોલંબિયાના લુઇ ડિયાઝે 61મી મિનીટમાં ગોલ કરીને સ્કોર 1-1ની બરોબરી પર મુક્યો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં માર્ટિનેઝે કોલંબિયાના સાન્ચેઝ, યેરી માઇના અને એડવિન કારડોનાના શોટ રોક્યા હતા અને માત્ર કુઆડ્રેડો તેમજ મિગુએલ બોર્જા જ ગોલ કરી શક્યા હતા. આર્જેન્ટીના વતી રોડ્રિગો ડિ પોલ ગોલ કરી શક્યો નહોતો પણ મેસી, લિએન્ડ્રો પારેડેઝ અને લોટેરો માર્ટિનેઝે ગોલ કર્યા હતા.

આર્જેન્ટીના 1993માં કોપા અમેરિકાની ફાઇનલ પછી કોઇ મોટી ટૂર્નામેન્ટ નથી જીત્યું
કોપા અમેરિકાની મંગળવારે રમાયેલી સેમી ફાઇનલમાં કોલંબિયાને હરાવીને ફાઇનલમાં પહોંચેલી આર્જેન્ટીનાની ટીમ ફરી એકવાર ખિતાબ જીતવા પુરતા પ્રયાસ કરશે. ખાસ વાત એ છે કે આર્જેન્ટીનાની ટીમ 1993ના કોપા અમેરિકાનું ટાઇટલ જીત્યા પછી કોઇ મોટી ટૂર્નામેન્ટ જીતી શકી નથી, ત્યારે શનિવારની ફાઇનલમાં ટીમને જીતાડવા મેસી પુરતો પ્રયાસ કરશે.

1993માં પણ કોલિંબિયા સામે આર્જેન્ટીના સેમી ફાઇનલ પેનલ્ટી શૂટઆઉટમાં જીત્યું હતું
આર્જેન્ટીનાની ટીમ છેલ્લા ઘણાં સમયથી કોઇ મોટી ટૂર્નામેન્ટ જીતી શકી નથી. લિયોનલ મેસીની કેપ્ટનશિપ હેઠળ આર્જેન્ટીના કોઇ મોટી ટૂર્નામેન્ટ જીતી શક્યું નથી. 1993માં જ્યારે તેઓ ટાઇટલ જીત્યા હતા ત્યારે પણ આર્જેન્ટીનાએ સેમી ફાઇનલમાં નિર્ધારિત સમયમાં સ્કોર બરોબરી પર રહ્યા પછી કોલંબિયાને પેનલ્ટી શૂટઆઉટમાં 6-5થી હરાવ્યું હતું.

બ્રાઝિલની ટીમ ઘરઆંગણે કદી કોપા અમેરિકાની ફાઇનલ હારી નથી
સોમવારે કોપા અમેરિકાની પહેલી સેમી ફાઇનલમાં પેરુને હરાવીને બ્રાઝિલની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. કોપા અમેરિકાની ફાઇનલ રિયો ડિ જાનેરોના ઐતિહાસિક મારાકાના સ્ટેડિયમમાં રમાવાની છે. હવે એક તથ્ય એ છે કે બ્રાઝિલની ટીમે પોતાના ઘરઆંગણે કોપા અમેરિકાની ફાઇનલ મેચ હારી નથી અને હાલની ટૂર્નામેન્ટમાં પણ તે છમાંથી પાંચ મેચ જીતી ચુકી છે.

કોલંબિયા સામેની મેચમાં ઘુંટીમાંથી લોહી નીકળતું હોવા છતાં મેસી રમતો રહ્યો
લિયોનલ મેસી આર્જેન્ટીનાને કોપા અમેરિકાનું ટાઇટલ જીતાડવા કેટલી હદે ઇચ્છુક છે તેનો એક નમુનો કોલંબિયા સામે મંગળવારે રમાયેલી સેમી ફાઇનલમાં જોવા મળ્યો હતો. કોલંબિયા સામેની મેચની 55મી મિનીટમાં કોલંબિયાનો ફ્રેક ફબ્રા મેસી સાથે ભટકાયો હતો તેના કારણે ગબડી પડેલા મેસીને ઘુંટીમાં ઇજા થઇ હતી. મેસીને પાટાપિન્ડી કરવામાં આવી હતી પણ તેની ઘુંટીમાંથી લોહી નીકળવાનું બંધ થયું નહોતુ અને એ ઇજા સાથે જ તે છેક સુધી રમ્યો હતો. લગભગ 30 મિનીટ કરતાં વધુ સમય સુધી તે રમતો રહ્યો હતો. મેસીએ તે પછી પોતાની ઇજા સાથે જ પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ કર્યો હતો.

કોલંબિયાની ટીમને મેચ દરમિયાન છ યલો કાર્ડ મળ્યા
આર્જેન્ટીના અને કોલંબિયા વચ્ચે રમાયેલી કોપા અમેરિકાની સેમી ફાઇનલમાં કોલંબિયાના છ ખેલાડીઓને યલો કાર્ડ બતાવાયા હતા અને એ તમામ ખેલાડીઓને આ યલો કાર્ડ લિયોનલ મેસીને ફાઉલ કરવા માટે અપાયા હતા. મેસીને ફાઉલ કરવામાં કોલંબિયાના ખેલાડીઓએ તેની ઘુંટીને પણ લોહીલુહાણ કરી હતી.

Most Popular

To Top