National

સુરતીઓનું બે દાયકાથી રેલ્વે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવાનું સપનું પૂરું થશે ?

SURAT : સુરતનાં સાંસદ દર્શનાબેન જરદોશને ( darshana jardosh) કેન્દ્રમાં રાજ્યમંત્રી ટેક્સટાઇલ ( textile) ઉપરાંત રેલવે રાજ્યમંત્રીનો હવાલો સોંપાયો છે. દર્શનાબેનને આ બે હવાલા સોંપાતાં સુરતીઓની મરી પડેલી આશાઓ ફરી જાગી છે. બે દાયકાથી વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનના ( world class railway station) બતાવવામાં આવતાં સપનાં હવે સાકાર થશે કે કેમ, રેલવેના પ્રશ્નોનું નિરાકરણ આવશે કે કેમ તે જોવું રહ્યું.

સુરતના ઇતિહાસમાં પહેલી વખત સુરતનાં સાંસદને કેન્દ્રીય રાજ્યમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે. દર્શનાબેનને આ હવાલો સોંપતાની સાથે સુરત રેલવે સ્ટેશનને વર્ષોથી થઈ રહેલા અન્યાયનો કાળ જાણે સમાપ્ત થયો હોય તેમ અનેક આશાઓ જાગી છે. ઝેડઆરયુસીસી મેમ્બર હબીબ વોરાએ જણાવ્યું હતું કે, સુરત રેલવે સ્ટેશનને 20 વર્ષથી વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવા માટેની વાતો માત્ર કાગળ ઉપર થઈ રહી છે. દર્શનાબેનને હવે કેન્દ્રમાં રેલવે રાજ્યમંત્રીનો હવાલો મળ્યો છે, ત્યારે તેઓ આ બાબતોને ગંભીરતાથી લઈ નિર્ણય લે એ જરૂરી છે. આ સિવાય ઉધનાથી ઉત્તરપ્રદેશ, બિહાર સહિત ઉત્તર ભારતની ટ્રેનો થોભાવાની વાતો પર પણ વહેલા ઇમ્પ્લિમેન્ટેશન થાય એ જરૂરી છે. સુરતને અલગ ડિવિઝન આપવાની વાતો પણ દાયકાઓથી કાગળ ઉપર છે.

ઝેડઆરયુસીસી મેમ્બર સનીલ પટેલે જણાવ્યું હતું કે, સુરતને છેલ્લાં 20 વર્ષથી ઇમરજન્સી બુકિંગ કોટા વધારાયો નથી. વીસ વર્ષમાં સુરતની વસતી અને સ્ટેશનની સ્થિતિ ક્યાંથી ક્યાં પહોંચી છે. છતાં કોટા આજે પણ 20 વર્ષથી ત્યાંનો ત્યાં છે. જે વધારવામાં આવે. ડીઆરએમ ઓફિસ મુંબઈથી ખસેડી સુરતને પણ ફાળવવામાં આવે. જેથી વારંવાર મુંબઈ ન જવું પડે અને રાહત મળી શકે. આરપીએફના મહેકમમાં પણ વધારો કરવામાં આવે. દુરંતો, સંપર્કક્રાંતિ ટ્રેનનાં સ્ટોપેજ સુરતમાં આપવામાં આવે. તથા વેસ્ટર્ન રેલવેનું વડું મથક મુંબઈથી અમદાવાદ ખસેડવામાં આવે એ જરૂરી છે. દર્શનાબેન રેલવે રાજ્યમંત્રી બનતાની સાથે ફરી વર્ષોથી મરી પરવારેલી અનેક માંગણીઓ સજાગ થઈ છે અને આગામી દિવસોમાં તેની ઉપર ગંભીરતાથી નિર્ણયો લેવાય તેવી આશા બંધાઈ છે.

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન પાસે સુરતને શું શું આશા

  • સુરત વર્લ્ડ ક્લાસ સ્ટેશનની વાતોને હકીકતમાં પૂરી કરાય
  • ઉત્તર ભારતની કેટલીક સુપર ફાસ્ટ ટ્રેનોને ઉધનામાં સ્ટોપેજ મળે
  • સુરતને અલગ ડિવિઝનની મળે
  • ઇમરજન્સી બુકિંગ કોટામાં વધારો થાય
  • ડીઆરએમ ઓફિસ સુરતમાં ફાળવવામાં આવે
  • આરપીએફ મહેકમ વધારવામાં આવે
  • વેસ્ટર્ન રેલવેનું વડું મથક અમદાવાદ ખસેડવામાં આવે

Most Popular

To Top