Business

જીમી ‘શેર’ ગિલ તો છે જ ક્યાં સુધી શાંત રહેશે?

જે નક્કી કરેલુ શેડ્યુલ જળવાશે તો 9મી જુલાઇએ હોટસ્ટાર પર કોલાર બોમ્બ ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થશે. આ એક ક્રાઇમ થ્રીલર ફિલ્મ છે. જેમાં જિમી શેરગીલ અને આશા નેગી મુખ્ય ભૂમિકામાં છે. જિમી શેરગીલ પોલીસ ઓફીસર બન્યો છે. હિન્દી ફિલ્મોમાં જિમી ભુલાતું જતું નામ છે અને ત્યારે જ તે પાછો વળ્યો છે. વિત્યા બે વર્ષમાં તે ‘રંગબાઝ’ અને ‘યોર ઓનર વેબસિરીઝ’માં જરૂર દેખાયો બાકી ફિલ્મોમાં ખાસ નથી આવ્યો. ‘જજમેન્ટલ હે કયા’, ‘દે દે પ્યાર દે’ વગેરેમાં હતો પણ તેની ખાસ ચર્ચા નથી થઇ. અરે ગયા વર્ષે ‘લયલા મજનુ’ માં આવ્યો હતો પણ પ્રેક્ષકો મજનુ નહોતા બન્યા. એટલે ‘કોલાર બોમ્બ’ પાસે તે આશા રાખે છે. ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થતી ફિલ્મો પર આશા રાખી શકાય?

જિમીને હિન્દીમાં ફિલ્મો મળે છે પણ મોટા પાત્રો નથી મળતા. 5-7 દૃશ્યોમાં દેખાય અને વાત ખતમે પંજાબમાં તે હીરો છે એટલે તેનો ઇગો પણ સંતોષાય છે. હિન્દીમાં તેની ‘ટોમ ડીક એન્ડ હેરી-2’, ‘રાધા ક્યું ગોરી મુ કયું કાલા’, અને ‘ડમ ડમ ડીગા ડીગા’ આવી રહી છે. આ બધી આમ તો તૈયાર થઇને પડી છે પણ રિલીઝ નથી થતી. ગુલઝારની ‘માચીસ’ થી શરૂઆત કરનાર જિમીને ‘મહોબ્બતેં’ માં સફળતા મળેલી. મુન્નાભાઇ એમ.બી.બી.એસ.માં મોટી નહોતી પણ મહત્ત્વની ભૂમિકા હતી. એ રીતે એ ‘વેનસડે’, ‘તેનુ વેડ્સ મનુ’, ‘સ્પેશીયલ 26’, ‘હેપ્પી ભાગ જાયેગી’ અને ‘માય નેમ ઇઝ ખાન’ જેવી ફિલ્મો ય આવી. બધામાં સારો હતો પણ સહાયક ભૂમિકામાં હતો.

હવે એકાવન વર્ષનો થઇ ચુકેલો જિમી શેરગીલ જેવી ફિલ્મો મળે છે તેનાથી વધુ આશા રાખી શકે તેમ નથી. પંજાબમાં તે કામ કરતો થઇ ગયો હતો તે આ જ કારણે. પંજાબમાં તેની ચૌદ ફિલ્મો રજૂ થઇ ચુકી છે. તેમાંની ચાર ફિલ્મનો તો નિર્માતા પણ તે સ્વયં છે. ફિલ્મના જ ધંધામાં પડ્યા હોય તો ટકી જવાના રસ્તા તો શોધતા રહેતા પડે. હવે ‘કોલાર બોમ્બ’ જો ખરેખર બરાબર ફાટે તો વાત જુદી પણ આ એક નાની ફિલ્મ છે જેમાં તેની સાથે આશા નેગી, રાજશ્રી દેશપાંડે વગેરે છે. ઓ.ટી.ટી. પ્લેટફોર્મ ભલે મોટી સફળતા ન અપાવે પણ લોકોની વચ્ચે તો રાખે! પ્રિયંકા પુરીને પરણેલો જિમી એક સુખી લગ્નજીવન જીવે છે અને પોતાની રીતે સફળતા શોધી લે છે. પત્ની પણ પંજાબી જ છે એટલે સરસોં કા સાગ અને મક્કી કી રોટીથી ખુશ છે. ફેફારી અને રેન્જ રોવર કાર છે અને હાર્લી ડેવિડસન બાઇક પણ રાખે છે. મતલબ સબ ચંગા હૈ.

Most Popular

To Top