અષાઢી બીજ એટલે રથયાત્રાનો તહેવાર. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળે છે. હવે રથયાત્રાના સાતેક દિવસ જ બાકી છે તેથી રથયાત્રાના આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી હશે અને તેમને આશા પણ હશે કે આ વર્ષે રથયાત્રાની તંત્ર દ્વારા પરવાનગી મળે. કારણ કે હાલ કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે, પરંતુ હજી કોરોનાની ત્રીજી લહેરની આશંકા હોવાથી અત્યારે આવા કોઈ પણ ધાર્મિક મેળાવડાની તંત્રે હાલ પૂરતી પરવાનગી ન આપવી જોઈએ કારણ કે રથયાત્રા નીકળશે.
તો ભક્તો તેમાં જોડાયા વગર રહી શકશે નહીં. કુંભમેળો તો બધાને યાદ હશે જ ને ! તેથી અત્યારે આવા આયોજન દ્વારા આપણે કોરોનાને ફરી માથું ઉંચકવાની તક આપવી જોઈએ નહીં. ગત વર્ષની જેમ મંદિરના પટાંગણમાં જ રથયાત્રા કાઢવી જોઈએ. લોકવાયકા મુજબ રથયાત્રાના 15 દિવસ પહેલાં ભગવાનને એકાંતમાં રાખવાની પરંપરા છે.
કહેવાય છે કે આ દિવસોમાં તે બીમાર હોય છે. તેના કારણે ભગવાનને ભોગને બદલે મગની દાળના લાડુ જેવું સાત્ત્વિક ભોજન, તુલસીના પાન વગેરે જેવી વિવિધ ઔષધિઓ ભોજનમાં આપવામાં આવે છે. આની પાછળ આરોગ્ય વિજ્ઞાન રહેલું છે. ચોમાસાના આ ગરમ ભેજવાળા વાતાવરણમાં રોગચાળો વધુ ફેલાય છે તે આપણે સૌ જાણીએ છીએ. તેથી જ કદાચ આરોગ્ય જાળવવાના ભાગરૂપે સંદેશ આપવા માટે ભગવાન સાથે આવી પ્રથા જોડવામાં આવી હશે ! જો ભગવાન આવા સમયે એકાંતમાં રહેતા હોય ત્યારે અને ધર્મ તરફથી મળેલા આ સંદેશાને ધ્યાનમાં રાખી કોરોનાથી બચવા શું આપણે ઘરમાં ના રહી શકીએ ?
ઘર બેઠા રથયાત્રામાં ન જોડાઈ શકીએ ?ટી.વી. જેવા માધ્યમ દ્વારા રથયાત્રાનું આપણે લાઈવ પ્રસારણ જોઈને તેમાં જોડાવાનો તથા ભગવાનના દર્શન કરવાનો લ્હાવો જરૂર લઇ શકીએ છીએ. તો પછી કોરોનાની ત્રીજી લહેર માટે ફરી આમંત્રણ આપવું શું જરૂરી છે ?માટે મારું માનવું છે કે ,આ વર્ષે પણ મંદિરના પટાંગણમાં જ રથયાત્રા ફેરવવી જોઈએ અથવા મંદિરના પૂજારી તથા આયોજકો જ રથયાત્રાનો હિસ્સો બને, લોકો નહીં, તેવું કંઈક આયોજન કરવું જોઈએ. વાચક મિત્રો, તમારું આ અંગે શું માનવું છે?
સુરત -ભાવના ઉપાધ્યાય-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.