સુરત : સુરત મનપામાં ( surat smc) નવા શાસકો સાથે નવી કારની ખરીદી કરવાની દરખાસ્ત સ્થાયી સમિતીના એજન્ડામાં રજૂ કરવામાં આવી છે.મનપાના ( smc) શાસકપક્ષના નેતાની કાર ( car) 14 વર્ષ જૂની હોવાની સાથે 3 લાખ કિ.મી. ફરી ચૂકી હોવાથી તેને ખરીદવાની થતી હતી પરંતુ તેની સાથે મનપાના અન્ય પદાધિકારીઓએ પણ કાર ખરીદવાનો તખ્તો ગોઠવી દીધો છે.
મનપાના અન્ય પદાધિકારીઓની કાર 7 જ વર્ષ જૂની છે. પરંતુ રિપેરિંગ તેમજ ખર્ચ વધુ આવી રહ્યો હોવાના કારણ સાથે આ દરખાસ્ત રજૂ કરાઈ છે. કુલ 77 લાખના ખર્ચે પાંચ ઇનોવા કાર ખરીદવાની દરખાસ્ત આવતાં હવે સ્થાયી સમિતીમાં શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું. સુરત પાલિકામાં મેયર સહિતના 4 પદાધિકારી અને મ્યુ.કમિશનર માટે કુલ 5 ઇનોવા કાર ખરીદવા 77 લાખનો ધૂમાડો કરાશે. 6 વર્ષ 11 મહિના અગાઉ 14 જુલાઇ 2014થી રજિસ્ટ્રેશન થયેલી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને કમિશનર માટે ખરીદાયેલી 4 ઇનોવા છેલ્લા 5 વર્ષમાં વારંવાર રિપેરીંગ માટે જતાં ઘણો ખર્ચ થતો હોવાની ફરિયાદ ઉઠતાં નવી કાર લેવાનું કારણ જણાવાયું છે.
શાસકપક્ષના નેતાની કાર 2007માં ખરીદાય હતી. 14 વર્ષ જુની કાર 3 લાખ કિમીથી વધારે ફરી ગઇ છે. વારંવાર વાહન બગડવાના કારણે આ કારને કંડમ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે બાકીની મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, ડે.મેયર અને કમિશનરની કારને પાલિકાની મુલાકાતે આવનાર વીઆઇપી વિઝિટર્સ તથા ગુજરાત અને કેન્દ્ર સરકારના ઉચ્ચકક્ષાના અધિકારી તથા ડેલીગેટર્સની વિઝિટ દરમ્યાન કામચલાઉ ધોરણે ફાળવવા નિર્ણય લેવાયો છે.
નવી ઇનોવા કારની 5 મોડલની કિંમત એક્સ શોરૂમ 15.40 લાખથી શરૂ થઇ 23.39 લાખ સુધી છે. જેમાં 15.40 નું બેઝ મોડલ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં નિર્ણય લેવાશે.