આણંદ : આણંદના નાવલી ગામે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાના એટીએમ મશીન તોડી તેમાંથી રોકડ ચોરવાના આશયથી તસ્કરો ત્રાટક્યાં હતાં. જોકે, રોકડ હાથમાં ન આવતાં ત્રણ કેમેરા તોડી ભાગી ગયાં હતાં. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે સેન્ટ્રલ બેન્કની નાવલી શાખાના મેનેજર વિકાસ રાકેશભાઈ શરને જણાવ્યું હતું કે, બેંકની નાવલી શાખાની નજીક એટીએમ મશીનની કેબીન આવેલી છે.
જેમાં 24 કલાક પૈસા ઉપાડવાની જોગવાઇ છે. જેથી કેબીનનો દરવાજો ખુલ્લો રાખવામાં આવે છે. આ મશીનમાં આગલા દિવસે જ રોકડા રૂ.14 લાખ જમા કરવામાં આવ્યાં હતાં. 3જી જુલાઇ, 2021ના રોજ આખો દિવસ એટીએમ ચાલુ રહ્યું હતું. બેંકનું કામકાજ પુરૂ થતાં સાંજે બેંક બંધ કરી ઘરે ગયાં હતં. બીજા દિવસે સવારના આઠ વાગે જાણ થઇ હતી કે સેન્ટ્રલ બેંકનું એટીએમ ચોરે તોડ્યું છે. જેથી નાવલી પહોંચી તપાસ કરતાં બેંકમાં આવેલા ત્રણ સીસીટીવી કેમેરા તોડી નાંખ્યાં હતાં. સાયરન ન વાગે તે હેતુથી મશીનથી જોડાયેલા સાયરનનો વાયર પણ કાપી નાંખ્યો હતો.
લાઇટના વાયર કાપી નાંખ્યાં હતાં. જોકે, એટીએમને કોઇ નુકશાન થયું નહતું. આ અંગે ફુટેજ જોતા તેમાં એક શખસ કેમેરા તોડતો જોવા મળ્યો હતો. આથી, અજાણ્યા શખસે એટીએમમાંથી નાણાં ચોરવાના આશયથી ત્રણ કેમેરા તોડી આશરે રૂ.6 હજાર નુકસાન કર્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.