રાજ્ય સરકાર શાળા-કોલેજોમાં 50 % ફી માફી કરાવે તેવી માંગ સાથે હાથમાં લોલીપોપ લઇ NSUI એ મંગળવારે કલેક્ટર કચેરીએ હાથમાં લાલીપોપ સાથે વિરોધ નોંધાવી રોષ ઠાલવ્યો હતો કે, નવા સત્રમાં વાલીઓના અભિપ્રાય લીધા વગર ફી ઉઘરાણી શરૂ કરાઇ છે તે સરકારની લોકોને લાલીપોપસમાન છે. કોરોના મહામારી દરમિયાન લોકોના ધંધા રોજગાર ઠપ હતા તે દરમિયાન મધ્યમ અને ગરીબ પરિવારના લોકોને ઘર ચલાવવું ઘણું મુશ્કેલ બન્યું છે.
ત્યારે ગુજરાત સરકાર દ્વારા વાલીઓ તથા વાલી મંડળોના અભિપ્રાય લીધા વિના શિક્ષણ માફિયાઓના તાબા હેઠળ થઈને નવા શિક્ષણ સત્ર દરમિયાન વાલીઓ પાસેથી ફી ઉગરાવીને વાલીઓને લોલીપોપ અપાયા હોવાનો આક્ષેપ ભરૂચ જિલ્લા NSUI દ્વારા કરવામાં આવ્યો હતો. એન.એસ.યુ.આઈ. એ 25% સરકાર દ્વારા અને 25% શાળાઓ દ્વારા એમ 50% વાલીઓની ફી માફ કરાય તેવી માંગણી સાથે હાથમાં લોલીપોપ લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન વધુ તેજ બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
NSUIએ કલેક્ટરને આપેલા આવેદનપત્ર મુજબ કોરોનાના કારણે બંધ રહેલ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને ઈલેક્ટ્રિસિટી, પાણી, ટ્રાન્સપોર્ટેશન, સફાઈ વગેરે જેવા દૈનિક ખર્ચાઓ થઈ રહ્યા નથી. સાથે સરકારે ખાનગી શાળાઓને લાખો રૂપિયા ઉઘરાવાના પરવાના અગાઉથી આપેલા જ છે, એટલે કે ખાનગી શાળાઓ જો ફીમાં વધારો નહીં કરે તો શાળાઓને કોઈ ફરક પડવાનો નથી.