વિકાસની રાજનીતિની શરૂઆત કરનારની ઓળખ ધરાવતું મારું,તમારું,આપણા સૌનું ગુજરાત.જે રાજ્યે છેલ્લા બે દાયકામાં વિકાસની હરણફાળ ભરીને દેશ અને દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે.જેની વાયબ્રન્ટ સમિટ અને નવરાત્રીએ આખા વિશ્વમાં ખ્યાતિ મેળવી છે.જે ઉદ્યોગ સાહસિકો માટે રોકાણનું મોસ્ટ ફેવરીટ ડેસ્ટિનેશન બન્યું છે.આજે બહુ દુઃખ અને શરમ સાથે કહેવું પડે છે કે કહેવાતા કેટલાક લોકોએ પોતાનો સ્વાર્થ સાધવા માટે આપણા ગુજરાતને બાનમાં લીધું છે.જે ગુજરાત પૂજ્ય બાપુની જન્મભૂમિ છે અને જેણે અહિંસાનો સંદેશ સમગ્ર વિશ્વની પ્રજાને આપ્યો એના ગુજરાતમાં જ આજે હિંસા,લૂંટફાટ,ચોરી,બળાત્કાર અને હત્યા જેવા ગુનાઓમાં પણ ધરખમ વધારો થયો છે. ગુજરાતનાં વડીલો,ભાઈઓ-બહેનો,માતાઓ,યુવાનો,સૌને મારી એક જ નમ્ર વિનંતી છે કે ગુજરાત આપણું ગુજરાત જ રહે તેવા પ્રયત્નો આપણે સૌએ ભેગા મળીને કરવા જ પડશે.આપણે સૌ ઈશ્વરમાં સાચી શ્રદ્ધા અને વિશ્વાસ રાખનારાં લોકો છીએ.ગુજરાતના ગૌરવની વાતો આજથી નહિ, સદીઓથી ચાલતી આવી છે.આપણે સૌએ તમામ ક્ષેત્રમાં અઢળક પ્રગતિ કરી છે.આજે કેટલાંક સંગઠન અને કેટલાક રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ માટે આપણને અંદર-અંદર લડાવી રહ્યા છે.આજે એક પક્ષના કાર્યકર બીજા પક્ષના કાર્યકરને શાબ્દિક કે શારીરિક હિંસા કરતાં કે નુકસાન પહોંચાડવામાં ગૌરવ અનુભવે છે.આજે સમાજ-સમાજ વચ્ચેના ભેદભાવ વધારવાના પ્રયત્નો થઇ રહ્યા છે.યાદ રાખજો મિત્રો, આ ખોટી માનસિકતા અને ખોટા રસ્તા પર જઈને કદાચ 5-25 લોકોનું ભલું થઇ જાય પણ ગુજરાતની જનતા અને ગુજરાતની જે છબી છે એને તો નુકસાન જ થશે.રાજનીતિ હોય કે ગમે તે ક્ષેત્ર હોય, આપણે લોકશાહીને વરેલી સમજણ અને લાગણી ધરાવતી પ્રજા છીએ.હિંસાને અને ગુનાઓને ગુજરાતીના દિલમાં કે ગુજરાતમાં કોઈ સ્થાન હોઈ જ ન શકે.જો ગુજરાતને મુકિત જ આપવી હોય તો ગુનામુક્ત ગુજરાત,વ્યસનમુક્ત ગુજરાત કે પછી બેરોજગારમુક્ત ગુજરાત બનાવીએ.આ કાર્ય માત્ર સરકાર,પ્રશાસન,કોઈ રાજકીય પક્ષ કે પછી કોઈ એક સંગઠન કે સમાજનું નથી.આ જવાબદારી આપણા 7 કરોડ ગુજરાતીઓની સંયુકત જવાબદારી છે.મિત્રો, થોડા ઘણા રૂપિયા કે ભૌતિક સુખ-સુવિધા ઓછી હશે તો ચાલશે, પણ સારો સ્વભાવ,સારી સમજણ,સારા સંસ્કાર,સારી વાણી,વર્તન અને વિચાર નહિ હોય તો આપણે ગુજરાતને નર્કમાં ધકેલી દઇશું અને એના જવાબદાર આપણે સૌ કહેવાશું.આપણી નવી પેઢીને આપણે કેવું ગુજરાત આપવા માંગીએ છીએ એ આપણા સૌના હાથમાં છે.આવો મિત્રો, આપણા ગુજરાતને ગુજરાત જ બનાવીએ.જય જય ગરવી ગુજરાત.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.