ગાંધીનગર: (Gandhinagar) વિસાવદરના લેરિયા ગામે બુધવારે આપની રેલી પસાર થઈ રહી તે દરમ્યાન સુરતના આપના (AAP) નેતા મહેશ સવાણી અને ઈશુદાન ગઢવી સહિતના કાર્યકરો પર ધાતક હુમલો કરવાની ઘટનામાં ગઈ આખી રાત વિસાવદર પોલીસ મથકની બહાર આપના કાર્યકરો દ્વારા ધરણા અને પ્રદર્શન (Protest) કરવામાં આવ્યું હતું. બીજી તરફ સુરત સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં આપના કાર્યકરો વિસાવદર પોલીસ મથકની બહાર દોડી આવ્યા હતા. જેના પગલે સરકાર પર ફરિયાદ (Police complaint) દાખલ કરવા માટે દબાણ વધ્યું હતું.
બુધવારે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણી સાથે ફોન પર વાત કરીને ત્વરીત ફરિયાદ દાખલ કરીને જવાબદારો સામે પગલા ભરવા જણાવ્યું હતું. કેજરીવાલે ટવીટ્ટ કર્યુ હતું કે જો મહેશ સવાણી કે ઈશુદાન સલામત ના રહી શકતા હોય તો આખા ગુજરાતની સ્થિતિ કેવી હશે તે વિચારવા જેવી છે. બીજી તરફ આપ દ્વારા જેમની પર હુમલાનો આક્ષેપ કરાયો છે, તે શખ્સો દ્વારા આપના નેતા સામે પણ વળતી ફરિયાદ દાખલ કરાઈ છે. જેમાં આપ દ્વારા હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે.
આપની ફરિયાદના આધારે વિસાવદર પોલીસ મથકે 13 આરોપીઓના નામ જોગ ફરિયાદ દાખલ કરાઈ છે. સુરતના હરેશ સાવલીયા દ્વારા ફરિયાદ દાખલ કરાઈ છે કે અમારી આપ પાર્ટીમાં સારા લોકો જોડાઈ રહ્યા છે તેની અદાવત રાખીને અમારા પર હુમલો કરાયો છે એટલુ જ નહીં બે કાર્યકરોની હત્યાનો પણ પ્રયાસ કરાયો છે. સામે પક્ષે આપના નેતા ગોપાલ ઈટાલીયા સામે વળતી ફરિયાદ દાખલ કરાઈ છે. જેમાં ફરિયાદી સતીષ ચાવડાંગર દ્વારા એવો આક્ષેપ કરાયો છે કે આપના ગોપાલ ઈટાલીયા દ્વારા અગાઉ ભૂતકાળમાં હિન્દુ દેવી દેવતાઓ અને ભ્રહ્મ સમાજની સામે વાંધાજનક ટિપ્પણી કરાઈ છે.
આ કારણોસર લેરિયામાં આપના નેતાઓનો વિરોધ કરવા અમે હર હર મહાદેવ તેવું બોલ્યા હતા. એટલે આપના નેતાઓ તલવાર સાથે કારમાંથી નીચે ઉતર્યા હતા એટલું જ નહીં ‘તમે અમારો કેમ વિરોધ કરો છો ?’ તેવું કહીને અમારી ઉપર હુમલો કર્યો હતો. અમારી ઉપર ગાડીઓ ચડાવી દીધી હતી. એટલું જ નહીં અમે જીવ બચાવવા ભાગ્યા તો અમારી ઉપર પથ્થર ફેંક્યા હતા. સામ સામે ફરિયાદ બાદ આપની જન સંવેદના યાત્રા આગળ નીકળી ગઈ હતી.