માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તાલુકાની પાંચ જેટલી ગ્રુપ ગ્રામ પંચાયતોના વિભાજન સહિતના વિવિધ ઠરાવો સર્વાનુમતે પસાર કરાયા હતા. માંગરોળ તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા પ્રમુખ ચંદનબેન ગામીતના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. ઉપપ્રમુખ ભરતભાઇ પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી શિવાંગીનીબેન શાહ સહિત ચુંટાયેલા સભ્યો પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સભા શરૂ થઈ હતી.
નાયબ ટી.ડી.ઓ. દિલીપસિંહ છાસટીયા દ્વારા તા.12 એપ્રિલના રોજ યોજાયેલી તાલુકા પંચાયતની સામાન્ય સભાની કાર્યવાહી નોંધ વાંચનમાં લઈ સભા સમક્ષ બહાલી મેળવવામાં આવી હતી. તેમજ ઉપરોક્ત સભામાં થયેલા ઠરાવોનું અમલીકરણ અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે મહત્ત્વના મુદ્દામાં તાલુકાની પાંચ જેટલી ગ્રુપ ગ્રામ પંચાયતો શેઠી, કંટવા, લીડિયાત, માંગરોળ, વાંકલનું વિભાજન કરવા અંગે સામાન્ય સભામાં ઠરાવ પસાર થયો હતો. સભામાં તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા મોહનભાઈ કટારિયા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લક્ષ્યાંક વધારવા માટે પ્રશ્ન રજૂ કરાયો હતો.
તેમજ ભૂમિહીન ખેતમજૂરોને પ્લોટની ફાળવણી માટેની યોજનાનો અમલ કરી ગરીબોને રહેઠાણ માટેના પ્લોટ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. કોસંબાના ચુંટાયેલા કોંગ્રેસ પક્ષના સભ્ય સુશીલાબેન વસાવા દ્વારા પેવર બ્લોકના કામ અંગેનો પ્રશ્ન રજૂ કરાયો હતો. સભામાં તાલુકામાં જેવ વિવિધતા સમિતિની રચના કરવા અંગે આયોજન થયું હતું. પ્રમુખ સ્થાનેથી કેટલાક પ્રશ્નો રજૂ થયા તેની પણ ચર્ચા આ સભામાં કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરકારના રસીકરણ અભિયાનને સફળ બનાવવા ચુંટાયેલા સભ્યો સાથે ચર્ચા-વિચારણા કરી સંકલન કરવામાં આવ્યું હતું. આ સભામાં તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.