પ્રસિદ્ધ અને દુનિયાની જાણીતી બ્રોકરેજ ફર્મ ચાર્લ્સ સ્વાબના માલિકની ગણના આજે વિશ્વના અબજોપતિમાં થાય છે. જ્યારે વિશ્વના ટોપ અબજોપતિની ગણનામાં તેમના સ્થાન અને મહત્ત્વ વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું : ‘મારી સફળતાનો આધાર મારી ટીમ અને મારા શાંત સ્વભાવને કારણે છે. મારો ઉત્તમ ગુણ કયો છે એ વિશે મને ખ્યાલ છે. મારા માણસોમાં હું ઉત્સાહ જગાવી શકું છું, તેને ફેલાવી શકું છું. તમે કપરા સંજોગોમાં પણ માનસિક સંતુલન જાળવી રાખો. મગજ શાંત રાખો અને હકારાત્મક એનર્જીનો ફેલાવો કરો, જેથી આખી કંપનીમાં ઊર્જાવાળું વાતાવરણ ફેલાશે. સ્ટાફનાં વખાણ કરો, એની પીઠ થાબડીને બે સારા વેણ કહો તો તે સારામાં સારું કામ કરશે. મેં મારી જિંદગીમાં એક પણ વ્યક્તિ એવી નથી જોઈ કે પોતાની ટીકા કર્યાં પછી સારું કામ કરી શકે. ભૂલ થઈ હોય તો પણ બે સારા શબ્દ કહેશો તો માણસ ઉત્સાહથી કામ કરશે.’
લોકોનો ઉત્સાહ વધારો, કપરી પરિસ્થિતિમાં પણ તક શોધો. માનસિક સંતુલન કદાપી ન ગુમાવો. એનાથી તમને નુકસાન જ થશે. સદાય હસતા રહો અને લોકો સદાય હસતા રહે તેવો પ્રયાસ કરો. એવી સ્થિતિનું નિર્માણ કરો કે વાતાવરણમાં ઉત્સાહ જ ફેલાય અને લોકો બમણા જોરથી અને એક ટીમથી કામ કરે. કહેવાનું તાત્પર્ય એ જ કે લીડર એવો જ હોવો જોઈએ કે તેનાથી લોકોને સતત પ્રેરણા અને ઊર્જા મળતી રહે.’
લીડરશીપ એ એક પ્રકારનું એગ્રેશન છે. જે લોકો તેમના વ્યવહાર, વાણી અને વર્તનમાં અગ્રેસિવ હોય તેવા લોકો જ લીડર બને છે. હા, તેઓ સારા લીડર બની શકે છે, પરંતુ તેમની માનસિક શાંતિના ભોગે આવા લોકો સફળ કહેવાતા હોય છે. પરંતુ તેમનું અંગત જીવન બહુ વ્યગ્ર અને તણાવવાળું હોય છે. તેઓ સારો હોદ્દો સાથે કમ્ફર્ટેબલ જીવનશૈલીવાળું જીવન જીવે છે. પરંતુ જીવનમાં આનંદ અને શાંતિ તેમનાથી દૂર જ હોય છે. લીડરશીપની સફળતાનો આધાર માણસના અગ્રેસિવ સ્વભાવને કારણે નહીં પરંતુ તેની માનસિક દૃઢતાને આભારી છે. એવા પણ મનુષ્યો છે કે તેઓ કામ કરવામાં ખૂબ નિપુણ હોય પરંતુ, જે માનસિક મજબૂતીથી ટીમને સાચી દોરવણી કરવી હોય તે કરી શકતા નથી. લીડર પોતે માનસિક તાણમાં કોઈપણ સંજોગોમાં આવવો ન જોઈએ.
ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ પોતાને અનુકૂળ માર્ગ શોધી શકે તે જ સાચો બિઝનેસમેન કહેવાય. સ્વભાવે શાંત, માનસિક મજબૂતાઈ અને નિર્ણયમાં દૃઢતા એ શ્રેષ્ઠ લીડરની નિશાની છે. લીડરે ટીમને કન્ટ્રોલ કરવાના પ્રયત્ન કરવા કરતાં કર્મચારીઓ કેવી રીતે સુંદર કામ કરી શકે તેના ઉપર વધારે ભાર મૂકવો જોઈએ. લોકોને બદલવા અથવા તો તેમને કન્ટ્રોલ કરવાના પ્રયત્નો કરવા કરતાં કંપનીમાં સારું વાતાવરણ પૂરું પાડવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી કર્મચારીઓ મુક્ત મને તેમનો આગવો દેખાવ કરી શકે.