Business

તમે ચુસ્ત અને તંદુરસ્ત હશો તો તમે સારી સેક્સ લાઈફ અવશ્ય માણી શકશો

આપણે બધાં જાણીએ છીએ કે નિયમિત ચાલવાથી અને કસરત કરવાથી અનેક લાભ થાય છે. નિયમિત ચાલવાથી વજન ઘટાડવાની સાથે સાથે જ તમે તમારું વજન આરોગ્યની દ્રષ્ટિએ સપ્રમાણ રાખી શકો છો. વજન ઓછું થવાથી તમે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકવાની સાથે સાથે ટાઈપ-2 ડાયબિટિસ અને હૃદયને લગતાં રોગો સામે ઓછી દવા સાથે પણ લડી શકો છો. આ ઉપરાંત તમારામાં ઊર્જાનો સંચાર વધે છે અને તમે સારી ઊંઘ લઈ શકો છો. કસરત કરવાથી માનસિક આરોગ્ય પણ સારું રહેતું હોવાથી તમારામાં આત્મવિશ્વાસ વધે છે અને ડિપ્રેશન જેવી સ્થિતિને પહોંચી વળવાની ક્ષમતામાં વધારો થાય છે. જો આ બધી બાબતો પણ તમને સેક્સ માટે પ્રોત્સાહિત ના કરી શકે તો અહીં દર્શાવેલાં સૂચનને અનુસરોઃ

નિયમિત ચાલવાથી જાતીય જીવનમાં નોંધપાત્ર ફાયદો થાય છે નિયમિત ચાલવાથી લાંબા ગાળે તંદુરસ્તી અને ચુસ્ત શરીર જેવા ફાયદા તો થશે જ પરંતુ તેની સાથે સાથે બેડરૂમમાં તમારી ક્ષમતા, સ્થિતિસ્થાપક્તા અને જોમમાં વધારો થશે. આનાથી વિશેષ તમારે કયા પ્રોત્સાહન કે પ્રેરણાની જરૂર છે?

નિયમિત ચાલવાથી થતાં લાભોથી તો તમે અગાઉથી જ પરિચિત હોવાના પરંતુ અહીં તેના અન્ય કેટલાક આગવા લાભો દર્શાવાયા છે. નિયમિત ચાલવાને કારણે નપુંસકતાની સમસ્યાને દૂર રાખવામાં મદદ મળે છે. એક અભ્યાસ અનુસાર નિયમિત બે માઈલ ચાલતા પુરુષોમાં નપુંસકતાની સમસ્યા થવાનું જોખમ 30 ટકા ઓછું હોય છે એટલે જ હું કહું છું કે જેના પગ ચાલે છે તેની ઈંદ્રિયો પણ ચાલે છે. આ સિવાય નિયમિત કસરત કરતાં લોકોનું શરીર સૌષ્ઠવ, કસરત નહીં કરનારા કરતાં બહેતર હોય છે. જે તેમની સેક્સ અપીલમાં પણ વધારો કરે છે. એક અભ્યાસ અનુસાર સપ્તાહમાં બે કે ત્રણ વખત કસરત કરતા ૮૦ ટકા પુરુષો અને ૬૦ ટકા સ્ત્રીઓએ તેમની કામેચ્છાઓ સરેરાશ કરતાં વધારે હોવાનું અનુભવ્યું છે.

શું તમે ૨૦ વર્ષ પહેલાં જેવું સેક્સ માણતાં હતાં તેવું જોમભર્યું સેક્સ વર્તમાન વયે માણવા ઈચ્છો છો?

અભ્યાસ દર્શાવે છે કે નિયમિત દરરોજ બે માઈલ ચાલતાં લોકો ૫૦ વર્ષની વયે પણ ૩૦ વર્ષનાં લોકો જેવું જ જાતીય જીવન માણે છે. આ ઉપરાંત બેઠાડુ કે નિષ્ક્રિય જીવન જીવતા યુવાનોની સરખામણીએ ૪૫ કે તેથી વધુની વય ધરાવતાં અને શારીરિક રીતે ચુસ્ત સ્ત્રી-પુરુષો જાતીય રીતે વધુ સક્રિય હોય છે. ચાલવાથી તમારા જાતીય જીવનને સૌથી મોટો ફાયદો એ થાય છે કે તેનાથી નપુંસકતાની સમસ્યા સર્જાવાનું જોખમ ઘટી જાય છે. નિયમિત ચાલવાથી તમારા પેલ્વિક વિસ્તારની લોહી લાવતી નળીઓનો માર્ગ ખૂલે છે અને તેનાથી શિશ્નમાં લોહીનો પ્રવાહ વધે છે.

હાવર્ડ દ્વારા ૩૩,૦૦૦થી વધુ પુરુષો પર કરાયેલા એક અભ્યાસ અનુસાર ૫૦થી વધુ વય ધરાવતાં સક્રિય પુરુષોને નિષ્ક્રિય પુરુષોની સરખામણીએ નપુંસકતાનું જોખમ ઘણું ઓછું રહે છે. નિયમિત દરરોજ ચાલતા અને કસરત કરનારા વધુ બહેતર શિશ્નોત્થાન અનુભવે છે અને વધુ સક્રિય લોકોને વધુ લાભ થાય છે. રોજના અડધો – પોણો કલાક જેટલું ચાલવા જેવી હળવી કસરત કરવાથી પણ શિશ્નોત્થાનની સમસ્યાનું જોખમ ઓછું કરી શકાય છે. અન્ય સંશોધનો અનુસાર શિશ્નોત્થાનની સમસ્યા ધરાવતા ઘણાં પુરુષોએ તંદુરસ્તી પ્રાપ્ત કરી શિશ્નોત્થાનની સમસ્યામાંથી મુક્તી મેળવી હતી.

કસરતથી તમે વધુ ચુસ્ત રહી શકો છો જેનાથી તમને બેડરૂમમાં ફાયદો થાય છે. જો તમે આત્મવિશ્વાસથી ભરપૂર હો અને તમારો જીવનસાથી તમારી ફિટનેસ વિશે શું વિચારે છે તેનાથી વાકેફ હો તો તમે વધુ હળવાશ અનુભવી શકો છો. ડૉક્ટર સમક્ષ પોતાની સેક્સ લાઈફ અંગે ચર્ચા કરવી ક્યારેક કોઈકને માટે દ્વિધાભર્યું બની રહે છે પરંતુ સારવાર મેળવવા માટેનો એ સર્વોત્તમ ઉપાય છે. ડૉક્ટર સમસ્યાના મૂળનું નિદાન કરી તમને જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવાની સલાહ આપશે. જેમાં ધૂમ્રપાન, તમાકુ, આલ્કોહોલ, માંસાહારનો ત્યાગ અને તો વજન ઘટાડવાનો સમાવેશ થાય છે. ઉપરાંત હાલ બજારમાં અનેક નવી સારવાર ઉપલબ્ધ છે જે નપુંસકતાની સમસ્યા ઉપરાંત શીઘ્ર સ્ખલન જેવી સમસ્યાઓને દૂર કરી તમને ફરીથી સેક્સનો મહત્તમ આનંદ માણવામાં મદદરૂપ બને છે. જો કે કસરત અને જાતીય ક્રિયાઓનાં અનેક પાસાં છે. આમ છતાં તેનો સાર એ છે કે મજબૂત અને તંદુરસ્ત શરીર અને આત્મવિશ્વાસ તમારા જાતીય જીવનને વધુ બહેતર અને સંતોષપ્રદ બનાવે છે. જો તમે ચુસ્ત અને તંદુરસ્ત હશો તો તમે સારી સેક્સલાઈફ અવશ્ય માણી શકશો.

આ અઠવાડિયાની સેકસ ટીપ

  • * વ્યંધ્યત્વનો શિકાર પુરુષ નપુંસક હોય તે જરૂરી નથી.
  • * માત્ર સ્તનોની નિપલ્સને જ ઉત્તેજિત કરવાથી પણ અમુક સ્ત્રીઓ ચરમસીમા હાંસલ કરી શકતી હોય છે, તો અમુક સ્ત્રીને તે સહેજ પણ ગમતું નથી.
  • * વિર્યનો સંગ્રહ શક્ય નથી.
  • *          જો તમને જાતીય સંબંધ દરમ્યાન કે સમાગમ બાદ દસ-પંદર મિનિટ સુધી શ્વાસ ચડતો હોય કે હૃદયના ધબકારા વધી જતાં હોય અથવા અનિયમિત થતાં હોય, અસહ્ય થાક અનુભવાતો હોય કે છાતીમાં દુખાવો થતો હોય તો ડોક્ટરની સલાહ તાત્કાલિક લેવી જોઇએ.

Most Popular

To Top