Business

કયાં પ્રાણીઓ ‘હિમાલયના જૈવવૈવિધ્ય વિસ્તાર’નાં લાક્ષણિક પ્રાણીઓ બની રહ્યાં છે?

આપણી દુનિયાના ૩૪ જૈવવૈવિધ્ય વિસ્તારોમાંથી કેટલા જૈવવૈવિધ્ય વિસ્તારો ભારતમાં છે? આપણી દુનિયાના ૩૪ જૈવવૈવિધ્યના વિસ્તારોમાંથી ચાર વિસ્તારો હિમાલય, પશ્ચિમ ઘાટ – શ્રીલંકા, ઇશાન ભારત – મ્યાનમાર અને સુન્દા લેન્ડ વિસ્તારનો અાંદામાન – નીકોબારનો પ્રદેશ ભારતમાં છે. કયાં પ્રાણીઓ ‘હિમાલયના જૈવવૈવિધ્ય વિસ્તાર’નાં લાક્ષણિક પ્રાણીઓ બની રહ્યાં છે? સ્નો લેપર્ડસ, કસ્તુરી મૃગ અને ‘ચીર ફીઝન્ટ’ આ વિસ્તારનાં લાક્ષણિક પ્રાણીઓ બની રહ્યાં છે. પશ્ચિમ ઘાટનો વિસ્તાર પોતાનામાં અસ્તન પ્રાણીઓની, પક્ષીઓની, સરીસૃપ પ્રાણીઓની અને એમ્ફિબિઅન પ્રાણીઓની કેટલી પ્રજાતિઓ ધરાવે છે?

આ વિસ્તાર અસ્તન પ્રાણીઓની ૧૨૦, પક્ષીઓની ૫૦૦, સરીસૃપ (રેપ્ટાઈલ્સ) પ્રાણીઓની ૨૨૫ અને વૃક્ષ પર કે પાણીમાં રહેનારા એમ્ફીબીઅન પ્રાણીઓની ૨૨૦ પ્રજાતિઓ ધરાવે છે. પશ્ચિમ ઘાટનાં કેટલાં સ્થળોને ૨૦૧૨માં યુનેસ્કોની દુનિયાના વારસા સ્વરૂપ સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા? આ વિસ્તારના ૩૯ સ્થળોને ૨૦૧૨ની યુનેસ્કોની દુનિયાના વારસા સ્વરૂપ સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં. ભારતનો કયો વિસ્તાર ઇશાન ભારત – મ્યાનમાર જૈવવૈવિધ્ય હોટસ્પોટનો હિસ્સો રચે છે? ભારતનો ઇશાની વિસ્તાર કે જે મ્યાનમાર સુધી વિસ્તરેલો છે તે ઇશાન ભારત – મ્યાનમાર જૈવવૈવિધ્ય હોટસ્પોટનો એક હિસ્સો રચે છે. આ વિસ્તાર શાનાથી સમૃધ્ધ છે? આ ઇશાન ભારત જૈવવૈવિધ્ય હોટસ્ટપોટ વનસ્પતિઓ અને પ્રાણીઓ સંબંધી જૈવવૈવિધ્યથી સમૃધ્ધ છે. જેનાથી આપણી પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ખોરાક, આશ્રયસ્થાન, ઔષધિઓ વગેરે સંતોષાય છે. ‘મેન્ગ્રોવ’ વનસ્પતિઓ વધુમાં વધુ કેટલી ઊંચાઇ સુધી વૃધ્ધિ વિકાસ પામે? તેઓ વધુમાં વધુ ૨૫ મીટરની ઊંચાઇ સુધી વૃધ્ધિ- વિકાસ પામે છે. મેન્ગ્રોવ વનસ્પતિઓ કયાં વૃધ્ધિ, વિકાસ પામે છે? આ વનસ્પતિઓ જમીન સમુદ્રની આંતર સપાટી પર, અખાતી વિસ્તારોમાં અને સરોવરોમાં વૃધ્ધિ વિકાસ પામે છે. આ મેન્ગ્રોવ વનસ્પતિઓ કયા પરિપ્રેક્ષ્યમાં અગત્યની છે. તે વનસ્પતિઓ આપણી પૃથ્વી પરની અગત્યની મૂલ્યવાન નિવસન પ્રણાલીઓ છે. તો ચાલો, આ વિશેની રોમાંચક વાતોને જાણીએ!

AY3BX8 Catreus wallichii cheer pheasant

આપણી આ દુનિયામાં જૈવવૈવિધ્ય કુલ ૩૪ ‘હોટસ્પોટ’ વિસ્તારો છે, તેમાંથી ચાર વિસ્તારો ભારતમાં છે. આ વિસ્તારો હિમાલય, પશ્ચિમ ઘાટ – શ્રીલંકા, ઇશાન ભારત – મ્યાનમાર અને સુન્દા લેન્ડ વિસ્તારનો અાંદામાન નીકોબારનો પ્રદેશ છે.

‘હિમાલય વિસ્તાર’ જૈવવૈવિધ્યનો
કેવોક વિસ્તાર છે?

સમગ્ર દુનિયામાં જૈવવૈવિધ્ય માટેના કુલ ૩૪ હોટસ્પોટ વિસ્તારો છે, જેમાંના ચાર વિસ્તારો ભારતમાં છે. જૈવ વૈવિધ્યનો આ વિસ્તાર પશ્ચિમ હિમાલયના ૭ લાખ ૫૦ હજાર ચો.કિ.મી. વિસ્તારને પોતાનામાં સમાવે છે. જૈવવૈવિધ્યનો આ વિસ્તાર દુનિયાના વધારે ઊંચાઇએ રહેલા વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે. પૂર્વ હિમાલયનો વિસ્તાર વનસ્પતિઓ અને પ્રાણીઓના જૈવવૈવિધ્ય બાબતે અતિસમૃધ્ધ છે. છોડવાઓની ૯૦૦૦ પ્રજાતિઓમાં ૩૫૦૦ પ્રજાતિઓ એટલે કે આશરે ૩૯ % પ્રજાતિઓ એવી છે કે જેઓ ફકત આ જ વિસ્તારમાં જોવા મળે છે. બીજે કયાંયે નહિ! સ્નો લેપર્ડસ, કસ્તુરી મૃગ અને ‘ચીર ફીઝન્ટ’ કે જે મોટા કદનું લાંબી પુચ્છ ધરાવતું પક્ષી છે. તેઓ આ વિસ્તારનાં લાક્ષણિક પ્રાણીઓ બની રહ્યાં છે.

‘પશ્ચિમ ઘાટ’ વિસ્તાર એ જૈવવૈવિધ્યનો કેવોક વિસ્તાર છે?

આ પશ્ચિમઘાટ વિસ્તાર એ પશ્ચિમ ઘાટ – શ્રીલંકા જૈવવૈવિધ્યનો એક હિસ્સો છે. આ જૈવ ભૌગોલિક વિસ્તાર અરબી સમુદ્રને સમાંતર આગળ વધે છે અને ગુજરાતમાંથી ૧૫૦૦ કિ.મી. આગળ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરાલા થઇને તામિલનાડુ સુધી વિસ્તરેલો છે. વિવિધતાપૂર્ણ હવામાનની પરિસ્થિતિને કારણે દુનિયાના આ વિસ્તારમાં ચોમાસાનું વાતાવરણ રચાય છે. વર્ષ ૨૦૧૪ની એક મોજણી પ્રમાણે આ ભૂભૌગોલિક વિસ્તારમાં છોડવાઓની કુલ ૭૯૭૪ પ્રજાતિઓ છે જેમાં ફૂલો આપતા છોડવાઓની ૧૨૬૧ પ્રજાતિઓ એવી છે કે જેઓ ફકત આ વિસ્તારમાં જ જોવા મળે છે. દુનિયામાં બીજે કયાંયે નહિ.

જો કે ખેતી કરીને છોડવાઓની કુલ ૧૪૨૭ પ્રજાતિઓ છે. પ્રાણીઓનું જૈવવૈવિધ્ય ઉપરાંત અમુક પ્રાણીઓનું ફકત આ જ વિસ્તાર પૂરતું સીમિત હોવું, એ પરિસ્થિતિ પણ વ્યાપક પ્રમાણમાં છે.

આ પશ્ચિમ ઘાટ અસ્તન પ્રાણીઓની ૧૨૦ પ્રજાતિઓ, પક્ષીઓની ૫૦૦ પ્રજાતિઓ, પેટે સરીને ચાલનારા પ્રાણીઓની ૨૨૫ પ્રજાતિઓ, વૃક્ષ પર, જમીન પર કે પાણીમાં રહેનારા એમ્ફિબિઅન પ્રાણીઓની ૨૨૦ પ્રજાતિઓ ધરાવે છે. આ ઉપરાંત અહીં કેસીલીઅનની ૧૬૦૦ પ્રજાતિઓ અને મોલ્યુકસની (જેમાં કરોડરજજુ વગરનાં પ્રાણીઓ જેવાં કે ગોકળગાયનો સમાવેશ થાય છે.) ૨૬૯ પ્રજાતિઓ છે. પેટે સરીને ચાલનારા સરીસૃપ પ્રાણીઓના ૬૨ % પ્રાણીઓ દુનિયાના ફકત આ જ વિસ્તારમાં જોવા મળે છે, બીજે કયાંયે નહિ. એશિયન હાથીઓની સૌથી વધારે વસતિ આ જ હોટસ્પોટ વિસ્તારમાં જોવા મળે છે. આ પશ્ચિમ ઘાટનાં ૩૯ સ્થળોને ૨૦૧૨માં યુનેસ્કોની ‘દુનિયાના વારસા સ્વરૂપ સ્થળો’ની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં છે.

ઇશાન ભારતનો મ્યાનમાર સુધીનો વિસ્તાર વૈશ્વિક ઇશાન ભારત – મ્યાનમાર જૈવવૈવિધ્ય હોટસ્પોટનો એક હિસ્સો બની રહ્યો છે

ભારતનો ઇશાની વિસ્તાર કે જે મ્યાનમાર સુધી વિસ્તરેલો છે, તે વૈશ્વિક ઇશાન ભારત – જૈવવૈવિધ્ય હોટસ્પોટનો એક હિસ્સો રચે છે. આ વિસ્તારની ભૌગોલિક લાક્ષણિકતા એ છે કે તે હિમાલય હારમાળા અને તેના વાયવ્ય વિસ્તારમાંથી ઉતરી આવે છે.

આ ઇશાન ભારત જૈવવૈવિધ્ય હોટસ્પોટ વનસ્પતિઓ અને પ્રાણીઓ સંબંધી જૈવવૈવિધ્યથી સમૃધ્ધ છે. આ વિસ્તારમાં વહન નલિકાઓ ધરાવતા વાસ્કયુલર છોડવાઓની ૧૩,૫૦૦ પ્રજાતિઓ છે, જેમાં ૭૦૦૦ પ્રજાતિઓ એવી છે કે જેઓ ઇશાન ભારતમાં જ જોવા મળે છે. દુનિયામાં બીજે કયાંયે નહિ! આ વાસ્કયુલર છોડવાઓ પોતાનામાં અર્ક, પાણી અને પોષક દ્રવ્યોને લઇ જવા માટે નલિકાઓની પ્રણાલીઓ ધરાવે છે. આ વિસ્તાર પક્ષીઓની ૧૨૭૭ પ્રજાતિઓ, સસ્તન પ્રાણીઓની ૪૩૦ પ્રજાતિઓ, પેટે સરીને ચાલનારા સરીસૃપ પ્રાણીઓની ૫૧૯ પ્રજાતિઓ, એમ્ફિબિઅન પ્રાણીઓની ૨૧૨ પ્રજાતિઓ અને માછલીઓની ૧૨૬૨ પ્રજાતિઓ ધરાવે છે.

અંદામાન નીકોબાર ટાપુઓના જૈવવૈવિધ્યનો વિસ્તાર મેન્ગ્રોવ જંગલોને પોતાનામાં સમાવે છે

અંદામાન નીકોબાર ટાપુઓના જૈવવૈવિધ્યનો વિસ્તાર એ વૈશ્વિક સુન્દા લેન્ડ જૈવવૈવિધ્ય હોટસ્પોટનો એક હિસ્સો છે. આ ટાપુઓ હિંદી મહાસાગરના કોરલરીફ (પ્રવાળ ખડકો)ની ઝૂલથી ઘેરાયેલો એવો સમુદ્રનો વિસ્તાર છે.

આ ટાપુઓને વૈશ્વિક સંદર્ભમાં મહત્ત્વના ગણવામાં આવે છે. આ વિસ્તાર ‘મેન્ગ્રોવ’ જંગલોના વિસ્તારને પોતાનામાં સમાવે છે. આ નીકોબાર ટાપુઓના છોડવાઓની ૬૪૮ પ્રજાતિઓ એવી છે કે જેઓ ફકત અહીં જ જોવા મળે છે. બીજે કયાંયે નહિ. આ વિસ્તારમાં ફર્નની ૧૨૦ પ્રજાતિઓ અને ઓર્કીડની ૧૧૦ જીનેરાઓ હોવાની જાણકારી મળી છે, જેઓ ફકત આ વિસ્તારમાં જ જોવા મળે છે, બીજે કયાંયે નહિ! અહીં મોટા કદનાં સસ્તન પ્રાણીઓની ગેરહાજરી છે.

આ જૈવવૈવિધ્ય હોટસ્પોટ વિસ્તારો એ આપણી પૃથ્વીનું ખજાના ઘર છે. આપણી પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ખોરાક, આશ્રયસ્થાન, ઔષધિઓ આપણી આસપાસના સમૃધ્ધ જૈવવૈવિધ્યથી સંતોષાય છે. ભારત દેશ દુનિયાની જમીનનો ફકત ૨.૪ % હિસ્સો રચે છે. છતાં પણ તે પોતાનામાં દુનિયાનું ૭ થી ૮ % જૈવવૈવિધ્ય ધરાવે છે. ભારત દેશ પોતાનામાં છોડવાઓની ૪૫ % પ્રજાતિઓ અને પશુઓની ૯૧,૦૦૦ પ્રજાતિઓ ધરાવે છે. જીનસ્ત્રોતોની આ વિપુલતા ભવિષ્યના આહાર, ઔષધિઓ અને જૈવ બળતણ જેવા કે બાયોડીઝલ, બાયો પેટ્રોલ, બાયો કેરોસીનની આશા આપે છે.

અગાઉ જે મેન્ગ્રોવ વનસ્પતિનાં જંગલો ગુમાવવાનો અપેક્ષિત દર હતો, તે દર ઘટીને ફકત ૦.૩ % થી ૦.૬ % થયો

મેન્ગ્રોવ વનસ્પતિઓ પૃથ્વીના ટ્રોપિકલ અને ઉપટ્રોપિકલ વિસ્તારોમાં ૨૫ અંશ ઉત્તર અને ૨૫ અંશ દક્ષિણના વિસ્તારોની વચ્ચેના પ્રદેશોમાં જોવા મળે છે. આ વનસ્પતિઓ જમીન સમુદ્રની આંતર સપાટી પર, અખાતી વિસ્તારોમાં અને સરોવરોમાં વૃધ્ધિ વિકાસ પામે છે. તેઓ કાં તો ઝાડીઝાંખરા સ્વરૂપ હોય અથવા તો વૃક્ષો હોય. તેઓ ૨૫ મીટરની ઊંચાઇ સુધી વૃધ્ધિ વિકાસ પામી શકે. તેઓ છોડવાઓના ‘રહાઇઝોઓરાસીઆ’ સમૂહની વનસ્પતિઓ છે. આ મેન્ગ્રોવ વનસ્પતિના (જમીનની બહાર આવી જતા) મૂળિયાંઓ તેને આધાર આપવા ઉપરાંત શ્વસનક્રિયામાં પણ મદદરૂપ થાય છે. આ મેન્ગ્રોવ વૃક્ષોની નિવસન પ્રણાલીને ભરતીનાં જંગલો, કિનારા વિસ્તારના ઝાંડીઝાંખરાઓ અથવા તો સામુદ્રિક વરસાદી જંગલો પણ કહેવામાં આવે છે.

‘નેશનલ યુનવર્સિટી ઓફ સીંગાપોર’ (NSU)ના વિજ્ઞાનીઓની એક ટીમને હમણાંના પોતાના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે અગાઉ જે જણાવવામાં આવ્યું હતું તેના કરતાં મેન્ગ્રોવ વૃક્ષોનું પોત પાતળું પડવાનો દર ઘણો ઓછો છે! મતલબ કે અગાઉ જે જણાવવામાં આવ્યું હતું, તેના કરતાં આ મેન્ગ્રોવ વનસ્પતિઓની પરિસ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. આ મેન્ગ્રોવ વનસ્પતિઓ આપણી પૃથ્વી પરની અતિ મૂલ્યવાન નિવસન પ્રણાલીઓ છે. આ ટીમના વિજ્ઞાની ડો. ડેનીઅલ એ. ફ્રીએઝના જણાવ્યા પ્રમાણે ૨૦ મી સદીમાં ‘મેન્ગ્રોવ’ જંગલો ગુમાવવાનો દર ૧ %થી ૩ % જેટલો હતો. પણ હાલમાં મેન્ગ્રોવ જંગલો ઓછા થવાનો દર ઘટીને ૦.૩ %થી ૦.૬ % થઇ ગયો છે. આમ મેન્ગ્રોવ જંગલો ઘટવાનો દર પહેલાં કરતાં ઓછો થયો છે. આમ માનવી દ્વારા આ વનસ્પતિની જાળવણી માટેના જે પ્રયત્નો કરવામાં આવ્યા, તે પ્રયત્નોમાં તેને સફળતા મળી છે.

Most Popular

To Top