Vadodara

રણોલી બ્રિજ પાસે વાહનની અડફેટે સમાના ASIનું મોત

વડોદરા: રણોલી બ્રિજ નીચે સર્વિસ રોડ પર રોંગસાઈડ આવતા ટેમ્પા ચાલકની બેદરકારીથી સામે આવી રહેલા સમા પોલીસ મથકના જમાદારને બાજુમાંથી પસાર થતાં ટેન્કરે ધડાકાભેર અડફેટમાં લીધા હતા. ટેન્કરના તોતિંગ વ્હિલ ગણતરીની પળોમાં જમાદારના માથા પર ફરી વળતા લોહીના ખાબોચીયામાં ઘટનાસ્થળે  કમકમાટીભર્યું મોત નિપજતા પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. શહેરના સમા પોલીસ મથકમાં એ. એસ. આઈ. પદે ફરજ બજાવતા રાજેન્દ્ર જયસ્વાલ ઉ.વ.56 રણોલી સ્થિત લક્ષ્મીનગર સોસયટીના પોતાના ઘરેથી દસ વાગે ફરજ પર જવા નીકળ્યા હતા.

રણોલી બ્રિજની બાજુના સર્વિસ રોડ પરથી બાઈક પર પસાર થતા હતા. સામેથી રોંગસાઈડે પુરઝડપે આઈસર ટેમ્પો આવતા બાઈક સાઈડમાં કરતા જ બાજુમાં પૂરઝડપે પસાર થતા ટેન્કરના ચાલકે ધડાકાભેર અડફેટમાં લીધા હતા. આંખના પલકારામાં જ કાળના દૂત જેવા ટેન્કરના પાછળના તોતિંગ ટાયર જમાદારના માથા પર ફરી વળતા છુંદાઈ ગયું હતું.  લોહીના ખાબોચીયામાં પડેલા રાજેન્દ્રભાઈને સારવાર મળે તે પહેલા પૂર્વે જ દમ તોડ દેતા કમકમાટીભર્યા મોતને ભેટયા હતા. ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ સમ, જવાહરનગર અને નંદેસરી પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. બનાવ બાદ ટેન્કર ચાલક તુરંત ટેન્કર છોડીને નાસી છૂટયો હતો. પોલીસે ટેન્કર કબજે કર્યું હતું. સીસીટીવી કેમેરાની ફુટેજના આધારે આઈસર ચાલકની પણ શોધખોળ આદરી હતી. મૃતકના પુત્ર સચિન જયસ્વાલે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધાયો હતો.

Most Popular

To Top