ઉમરગામ: ભીલાડની આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકમા (Bank) બનાવટી સોનાના દાગીના મોર્ગેજમાં મૂકી ગોલ્ડ લોન (Gold Loan) મેળવી બેંક સાથે છેતરપિંડી કરનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. ભીલાડની આઈસીઆઈસીઆઈ બેંકના બ્રાન્ચ મેનેજર જ્ઞાનેન્દ્ર ક્રિષ્નાધર શુક્લાએ ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે આઈસીઆઈસીઆઈ બેંકમાં ૧૭ ગ્રાહકોએ ૨૦ ગોલ્ડ લોન બેંક એકાઉન્ટ ખોલાવી બનાવટી સોનાના દાગીના વજન ૮૦૩ ગ્રામ મોર્ગેજમાં મૂકી ગોલ્ડ પેટે ૨૦,૮૫,૫૭૦ રૂપિયાની લોન લીધી હતી. જે લોન લીધા બાદ આ ગ્રાહકોએ વ્યાજ સહિતની રકમ બેંકને નહીં ચૂકવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ કરાવતાં પીએસઆઇ રાઠોડે તપાસ હાથ ધરી હતી.
અધિક પોલીસ મહાનિદેશક ડો. એસ.પી રાજકુમાર, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા તથા વાપી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જાડેજાના માર્ગદર્શન મુજબ પોલીસે તપાસ ચાલુ કરતા આ ગુનામાં સંડોવાયેલી ટોળકીના આરોપીઓ તથા મુખ્ય સૂત્રધાર પૈકીના ૧૧ ગ્રાહકો શાહિદ જાહિદ ખાન, આજદ જાહિદ ખાન, બસીર નૂર મોહમ્મદ ખાન, મહેશસિંઘ ઠાકુર, શકીલ મોહંમદ મુલતાની, અમરત હળપતિ, ઇમરાન ખાન, યોગેશકુમાર અશોકભાઈ હળપતિ, મોહમ્મદ સિદ્દીકી રાયન, ફરમાન લિયાકત ફરમાન, મતલુબ ખાન તમામ (રહે, ભીલાડ) તથા તેની પાછળના સૂત્રધારો પૈકીના ત્રણ મુખ્ય સૂત્રધારો રફીક હુસેન શેખ, શશી ઉદય મોરયા, (બંને રહે, ભીલાડ) તથા સુરજ નંદકિશોર શાહુ (રહે, વિરાર મહારાષ્ટ્ર)ને પોલીસે ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ સોનાની કારીગરીના જાણકાર
આરોપીઓ સોનાની કારીગરીના સારી રીતે જાણકાર હોવાથી અને બેંકમાં સોનાના દાગીનાનું સ્ટોન રબીંગ ટેસ્ટ તથા નાઈટ્રિક એસિડ મારફતે ટેસ્ટ થતો હોવાનું જાણતા હોવાથી અન્ય ધાતુના દાગીના ઉપર જાડો સોનાનો ઢોળ ચઢાવવામાં આવે તો તે દાગીના ટેસ્ટ દરમિયાન ખરું સોનુ હોવાનું પુરવાર થાય તેનાથી વાકેફ હોવાથી આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી આર્થિક ફાયદો મેળવવા બનાવટી સોના પીળી ધાતુના સોનાનો ઢોળ ચડાવેલા દાગીના આરોપી સુરજ સાહુનાઓ પાસેથી મેળવી આરોપી શશી મોરયાનાઓ મારફતે ગ્રાહકોની સિન્ડિકેટ ઊભી કરી ભિલાડ આઇસીઆઇસીઆઇ બેંકમાં જમા કરાવી છેતરપિંડી કરી હતી. જેમાં પકડાયેલા આરોપી સુરજ સાહુનાએ રાજસ્થાન અને વિરારમાં રહેતા મિત્ર પાસેથી સોનાના ઢોળ ચડાવેલા દાગીના મેળવેલાનું તપાસમાં જણાયું હતું અને તે આરોપીને તથા બાકી રહેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
મુખ્ય સૂત્રધારનો ગુનાહિત ઇતિહાસ
પોલીસની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે મુખ્ય સૂત્રધાર રફીક હુસેન શેખ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ વિરાર પોલીસ સ્ટેશનમાં ૧૯૯૯માં બળાત્કારના કેસમાં પકડાયો હતો. અને થાણા જેલમાં ૨૨ માસ રહ્યો હતો. અગાઉ વાપી આરપીએફ પોલીસ સ્ટેશનમાં ૨૦૦૮માં ભંગારની ચોરીના કેસમાં પકડાયેલો છે તથા રેલવે ટીકીટ બ્લેકમાં વેચવાના ત્રણ કેસમાં પણ પકડાયો હતો.