હાલ ઘણાખરા જાહેર સુખાકારીનાં કામો મોટા ભાગે આંદોલન વગર થતાં જ નથી. તેથી સરકારી અધિકારીઓને બાબુ અને જાડી ચામડીનાં વિશેષણોથી નવાજવામાં આવતાં હોય છે અને આવું જ કઇ ભરૂચમાં બન્યું છે. શહેરના ફાટા તળાવથી ગાંધી બજાર સુધીના રસ્તા તથા ગટરની કામગીરી શરૂ કરવામાં નહીં આવતાં સ્થાનિકોએ અધિકારીઓને જાડી ચામડીના અધિકારીઓ કહી ચક્કાજામ કરી દીધો હતો. ભરૂચ શહેરના ફાટા તળાવથી ફૂરજા વિસ્તારમાં અનાજ-કરિયાણા સહિત અનેક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો આવેલી છે.
ભરૂચ શહેર ઉપરાંત આજુબાજુનાં ગામડાંમાંથી લોકો ખરીદી માટે ગાંધીબજાર, ફાટા તળાવ અને કતોપોર બજારમાં ખરીદી માટે આવે છે. આ વિસ્તારમાં હજારો લોકોની અવરજવર રહેતી હોવાથી તથા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો રૂટ હોવાથી નવો રસ્તો તથા ગટર બનાવવા માટે 3.28 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. રસ્તા અને ગટરનું કામ મંજૂર થઇ ગયું હોવા છતાં કોન્ટ્રાક્ટરે કામગીરી શરૂ નહીં કરતાં વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે આ વિસ્તારમાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે.
સ્થાનિક રહીશોએ થોડા દિવસો અગાઉ નગરપાલિકાના સત્તાધીશોને રસ્તાની કામગીરી શરૂ નહીં થાય તો ચક્કાજામની ચીમકી આપી હતી. નગરપાલિકા સત્તાધીશોએ સ્થાનિકોની માંગણી તરફ ધ્યાન નહીં આપતાં આખરે શુક્રવારના રોજ ચક્કાજામ કરી દીધો હતો.
બી ડિવિઝન પોલીસે સ્થાનિકોની સમજાવટ કરી મામલો તો થાળે પાડી દીધો હતો. પણ લોકોમાં પાલિકા પ્રત્યે ભારોભાર રોષ જોવા મળ્યો છે. આ વિસ્તાર નગરપાલિકાના વોર્ડ નં.10માં આવે છે. આ વોર્ડમાંથી ચુંટાયેલા એઆઇએમઆઇએમના નગરસેવક ફરીમદીન શેખે જણાવ્યું હતું કે, વોર્ડ નં.10માંથી પાલિકામાં આશરે 2.55 કરોડ રૂપિયા ઉપરાંતની રકમ વેરા પેટે આપવામાં આવે છે. કરોડો રૂપિયાનો વેરો ભરવા છતાં પાલિકાના જાડી ચામડીના અધિકારીઓ રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓ પણ પૂરી પાડતા નથી. નગરપાલિકામાં રસ્તા અને ગટર બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પણ કોઇ કાર્યવાહી નહીં કરાતાં આજે ચક્કાજામ કરાયો છે. હવે આગામી દિવસોમાં પાલિકા કચેરીને તાળાબંધી કરાશે.