આપણે ત્યાં યંગસ્ટર્સ હવે પોતાના લગ્નની વાત પેરન્ટ્સ સાથે મળીને ડિસ્ક્સ કરે છે. તેઓ પોતાની જીંદગીનો સૌથી મોટો નિર્ણય પેરન્ટ્સ સાથે મળીને લે છે. પહેલાના સમયમાં પેરન્ટ્સ જ્યાં નક્કી કરે ત્યાં જ છોકરા કે છોકરીએ લગ્ન કરવા પડતા હતા, પણ હવે પેરન્ટ્સ પણ તેમને પોતાના જીવનસાથી પસંદ કરવાની તક આપવા માંડ્યા છે. પ્રેમમાં હોઇએ ત્યારે તો બધું રુડું રૂપાળું અને સારું સારું જ લાગે છે. એક ઘરમાં એક રૂમ, એક બેડ અને બીજું બધું જ શેર કરીને રહેવું એ સાવ સહેલું તો નથી જ. સાથે રહેતા થાય ત્યારે જ ખબર પડે કે ખરેખર વ્યક્તિ કેવી છે? લગ્ન પછી આ બધી સમસ્યા ન સર્જાય તે માટે યંગસ્ટર્સ હવે લગ્ન પહેલા જ છ મહીનાથી એક વર્ષ સુધીનો સમય એકબીજાને જાણવા પાછળ લે છે અને ત્યારબાદ પરિવારની મંજૂરીથી લગ્ન કરે છે. સમાજ કે લોકો ભલે ગમે તે કહેતા હોય પણ આજના યુવાન સમજુ, ડાહ્યો અને મહેનતુ છે. એને એ પણ ખબર છે કે, અમારા નિર્ણયો લેવાનો અમને અધિકાર છે. સંબંધો બહુ નાજુક ચીજ હોય છે. એક કહેવત બહુ જાણીતી છે કે, મીંયા બીબી રાજી તો ક્યા કરેગા કાઝી. હવે તેમાં થોડોક બદલાવ કરીને એવું કહેવુ પડે એમ છે કે, છોકરો-છોકરી રાજી તો પછી જેને જે કરવું હોય એ કરે, જે કહેવું હોય એ કહે, કંઇ ફેર પડતો નથી! શહેરનું જનરેશન હવે સમજણ તરફ વળ્યું છે. પરિવાર અને મોટી ઓળખાણ હોવા છતા પણ યંગસ્ટર્સ મેરેજ બ્યુરોનો પણ સહારો લેતા થયા છે. ગુજરાતમિત્ર સિટીપલ્સે શહેરના યંગસ્ટર્સ, તેમના પેરન્ટ્સ અને મેરેજ બ્યુરોના મેમ્બર સાથે વાત કરીને જાણ્યું કે યંગસ્ટર્સ સાથે હવે તેમની ફેમિલી પણ પોતાના અને બાળકોના બેટર ફ્યૂચર માટે પોતાના પાત્રોને ઓળખવાની સ્પેસ આપી રહ્યા છે
- પાંચ વર્ષ સુધી એકબીજા પર પી.એચડી કર્યા બાદ અમે પરણ્યા
આપણા દેશમાં લગ્ન કર્યા વગર પણ રહેવાની મંજૂરી છે, પણ તે જોઈએ તેટલી સફળ સાબિત થઈ નથી. સંગીતા મારી સિનિયર હતી અને મારાથી ત્રણ વર્ષ મોટી હતી. તેણે કોલેજ પુરી કરી ત્યારે મેં હજી એડમિશન લીધું હતું. તે મને ઘણી વાર મારા અભ્યાસમાં ગાઈડ કરતી અને અમારી સારી ફ્રેન્ડશીપ પણ હતી. અમારે ફેમિલી રિલેશન પણ બંધાઈ ગયા અને અમારી વચ્ચે પ્રેમ થઈ ગયો. ફેમિલીનું કહેવું હતું કે છોકરી મોટી છે તો લગ્ન ન કરાય. પણ અમારી ઉંમર કરતા અમારી વચ્ચેની સમજણ વધારે મોટી હતી. પરિવારની સાથે વાતચીત કરીને ચાર વર્ષ ફ્રેન્ડશીપમાં રહ્યા બાદ અમે પરિવારની મંજૂરીથી લગ્ન કર્યા. એકબીજાની પસંદ-નાપસંદ અને શોખમાં પી.એચડી કર્યા બાદ અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો.
- બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અમે લગ્ન કર્યા
મને લગ્ન માટે મારા ફેમિલીએ ઘણા છોકરાઓ બતાવ્યા પણ મને કોઈ પસંદ આવ્યું નહીં. મારે પરિવારની સંમતિથી અરેન્જ્ડ મેરેજ જ કરવા હતા. પણ એવી રીતે નહીં કે સગાઈ કરીને ફટાફટ બે મહીનામાં લગ્ન. આપણે બજારમાં કોઈ ફર્નિચર લેવા જઈએ તો પણ તેને 10 વખત જોતા હોઈએ છીએ. તો આ તો આખી લાઈફની વાત છે. લાઈફ પાર્ટનરને જાણ્યા વગર લગ્ન કરી પછી ફરીયાદો કરવી યોગ્ય નથી. આથી મેં મેરેજ બ્યુરોમાં રીજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી મને નિર્મલની પ્રોફાઈલ પસંદ આવી. પરિવારની મંજૂરીથી અમે કોફી શોપમાં મળ્યા. નંબર એક્સચેન્જ કર્યા અને ચેટીંગ શરૂ કર્યું. કોઈ વ્યક્તિ સાથે રહેતા પહેલા તમારે તેની પાસેથી શું જોઈએ છે તે વસ્તુ તેની સાથે ક્લિયર કરી લેવી ખૂબ જરૂરી છે. તે મારી નાની નાની વાતનું ખૂબ ધ્યાન રાખતો હતો. મને સેલિબ્રેશન અને સરપ્રાઈઝનો ખૂબ શોખ હતો જે વિશે મેં તેને પહેલા જ કહી દીધું હતું. અમે 2 વર્ષ સુધી એકબીજાના નેચરને જાણ્યો ત્યારબાદ અમે પરિવારની મંજૂરીથી લગ્ન કર્યા. આજે પણ આખા દિવસમાં નિર્મલનું મારા માટે કોઈને કોઈ સરપ્રાઈઝ હોય જ છે.
- યંગસ્ટર્સને જીવનસાથીની પસંદગીની સ્વતંત્રતા સાથે સ્પેસ પણ આપવી પડશે : વલ્લભભાઈ
યંગસ્ટર્સની મેન્ટાલિટી જે રીતે બદલાઈ રહી છે તે રીતે તેમને રિલેશનશીપમાં સ્પેસ આપવી જરૂરી બની ગઈ છે. તેઓ હવે ચલાવી લેવામાં માનતા નથી. જેટલા ઝડપથી સબંધો જોડાય છે તેટલા ઝડપથી તૂટી પણ જાય છે. આથી જ તેમને પોતાના જીવનસાથીની પસંદગી કરવા માટેની સ્વતંત્રતા અને સમય બંને આપવાની જરૂર છે. તેમની વચ્ચે વિચારોની આપ-લે થશે તો તેમનું ભવિષ્ય સિક્યોર થશે અને તેઓ એકબીજાને એડજસ્ટ થતા શીખશે. મારો દિકરો ડોક્ટર છે. તેણે લવ વીથ અરેન્જડ મેરેજ કર્યા છે. અમારા બંને પરિવારની કાસ્ટ જુદી છે. હવે લગ્ન પરિવારોને જોઈને નહીં એકબીજા પાત્રો જોઈને થાય છે. તે બંનેએ સાથે એમબીબીએસમાં પાંચ વર્ષ સુધી ભણ્યા અને એકબીજાને સમજ્યા તેમજ જાણ્યા બાદ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. જો તેમને સ્પેસ આપશું તે તેઓ આગળ જતા મા-બાપ પર દોષનો ટોપલો ઢોળશે નહીં.
- લગ્ન પછી સબંધો તૂટે તેના કરતા પહેલા જ અટકી જાય તે યોગ્ય છે : વિશાલ શાહ
હમણાં જ એક પેપરમાં વાંચ્યું હતું કે સગાઈ પછી છોકરીને કીસ કરતા ન આવડી તેથી છોકરાએ લગ્ન તોડી નાખ્યા. આ સમાચારો આપણને બોલ્ડ અને બકવાસ લાગે છે પણ જ્યારે આવા પ્રશ્નો ઉભા થાય છે ત્યારે તે ગંભીર રૂપ ધારણ કરી લે છે. દિકરો હોય તે દીકરી હોય, લવ મેરેજ કરે તે જરૂરી નથી પણ તેમને પોતાના પાત્રને ઓળખવાનો પુરતો સમય આપવો જરૂરી છે. મારી દિકરીનો સબંધ અમે એક કુંટુંબમાં નક્કી કર્યો હતો. એક વર્ષ સુધી સાથે રહ્યા બાદ બંને પાત્રોના અને ફેમિલીના વિચારો એક ન થયા. અમે અમારી દિકરીને લગ્ન માટે પ્રેશર ક્યારેય પણ કર્યું નહોતું. કેમ કે આ સબંધો લગ્ન પછી તૂટે તેના કરતા પહેલા જ અટકી જાય તે જ વધારે યોગ્ય છે.
- આજનું યંગસ્ટર્સ પરિવારની મંજૂરીથી એકબીજાને સ્પેશ અને સમય આપીને પરણે છે : હીતેષ રાઠી
પહેલાના સમયમાં પેરન્ટ્સ જ મેરેજ બ્યુરોમાં આવીને પોતાના દિકરાઓ અને દીકરીઓ માટે જીવનસાથી પસંદ કરી લેતા હતા. પરંતું હવે યંગસ્ટર્સ પરિવારની મંજૂરી લઈને માતા-પિતાને જણાવી મેરેજ બ્યુરોમાંથી પાર્ટનરની પસંદગી કરીને એકબીજાને સ્પેસ આપીને ત્યારબાદ લગ્નના તાંતણે બંધાય છે. યંગસ્ટર્સ એકબીજાને પસંદ કરવામાં હવે એકથી બે વર્ષ કાઢી નાખે છે અને ત્યારબાદ પરિવારની મંજૂરીથી લગ્ન કરે છે. હાલ અમારે 27 થી 30 વર્ષ ઉંમર વચ્ચેના યંગસ્ટર્સના બાયોડેટા આવે છે. પહેલાના સમયમાં માતા-પિતા બાળકોને વહેલા પરણાવી દેતા હતા. હવે બાળકો જ સામેથી લગ્ન કરવા માટે અને એકબીજાને સમજવા માટે સમય માંગી રહ્યા છે.