નડિયાદ: નડિયાદ નજીકથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી ઈકો કારના ચાલકે એકાએક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી બેકાબુ બનેલી કાર રોડની સાઈડમાં પાર્ક કરેલી એક ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. એક મહિલાના ગળાના ભાગે કારનું પતરૂ વાગવાથી તેણીનું માથુ ધડથી અલગ થઈ ગયું હતું. કારમાં સવાર અન્ય સાતને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
મુળ રાજસ્થાનના પાલી જિલ્લાના તખતગઢ ગામના વતની અને છેલ્લાં ઘણાં સમયથી નડિયાદ તાલુકાના મહોળેલ ગામમાં સ્થાયી થયેલા સોની પરિવારના સભ્યો ગત તા.૧૬-૫-૨૧ ના રોજ બાળકની બાધા પ્રસંગ અર્થે ઈકો ગાડી લઈને રાજસ્થાન ગયાં હતાં. જ્યાં બાધા પૂર્ણ કર્યાં બાદ તેઓ પરત મહોળેલ આવી રહ્યાં હતાં, તે વખતે નડિયાદ નજીક અકસ્માત સર્જાયો હતો. કારમાં એક વૃધ્ધા સહિત ચાર મહિલાઓ, ત્રણ બાળકો અને ત્રણ પુરૂષો સવાર હતાં. જેમાં ટીનાબેન હરીશભાઈ સોની (ઉં.વ ૪૧), જીગીશાબેન હરીશભાઈ સોની (ઉં.વ ૧૫), નયનાબેન નારાયણભાઈ સોની (ઉં.વ ૧૭)ના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં.
આ અકસ્માતની જાણ થતાં હાઈવે પેટ્રોલીંગની ટીમ ઉપરાંત એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી કારમાં ફસાયેલાં મૃતકો તેમજ ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ કારમાં ફસાયેલાં ઈજાગ્રસ્તોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જે પૈકી બે ઈજાગ્રસ્તોની હાલત ખુબ જ ગંભીર હોઈ વધુ સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
3 બાળકો સહિત 5 ઈજાગ્રસ્તો નડિયાદ સિવિલમાં સારવાર હેઠળ : બેની હાલત નાજુક અકસ્માતમાં ઈજા પામનાર સાત વ્યક્તિઓ પૈકી બે ની હાલત ખુબ જ નાજુક હોવાથી તેઓને સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યારે બાકી રહેલાં પાંચ ઈજાગ્રસ્તો નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં એક વૃધ્ધ મહિલા, એક આધેડ પુરૂષ તેમજ ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.