ભરૂચ: (Bharuch) ભરૂચમાં સિટી બસ સેવા (city Bus Service) શરૂ કરવામાં આવી છે પણ રિક્ષાચાલકો તેનો વિરોધ કરી રહ્યા છે. રિક્ષાચાલકોએ આક્ષેપ કર્યો છે કે, પાર્કિંગમાં ઊભી રાખવામાં આવતી રિક્ષાઓ (Rickshaw) પાસેથી પોલીસ દંડની વસૂલાત કરે છે પણ સિટી બસો ગમે ત્યાં ઊભી રહેતી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસ આવું જ વલણ અપનાવતી રહેશે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
ભરૂચના લોકો સસ્તા દરે એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરી શકે તે માટે શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. હાલ કુલ 9 રૂટ પર 11 સિટી બસ દોડાવવામાં આવી રહી છે. સિટી બસ સેવાને ભરૂચના રિક્ષાચાલકોએ આવકારી છે, પણ સિટી બસ શરૂ થયા બાદ પોલીસના વલણ સામે સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. રિક્ષાચાલકોના જણાવ્યા મુજબ રિક્ષા સ્ટેન્ડ પાસે મૂકેલી રિક્ષાઓને ડિટેઇન કરી પોલીસ દંડ વસૂલે છે. જેની સામે સિટી બસો મુખ્ય માર્ગો પર કલાકો સુધી ઊભી રહેતી હોવા છતાં તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
પોલીસના આ વલણનો વિરોધ કરવા માટે સોમવારના રોજ મોટી સંખ્યામાં રિક્ષાચાલકો કલેક્ટર કચેરીની બહાર એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. રિક્ષાચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી જે પ્રકારે રિક્ષાચાલકોને સેટેન્ડ પરથી જ પેસેન્જરો લેવા માટે દબાણ કરવામાં આવે છે તેમજ સિટી બસ પણ સ્ટેન્ડ ટુ સ્ટેન્ડ ઊભી રાખી મુસાફરો બસમાં બેસાડે તેવી માંગ કરવામાં આવી છે. સિટી બસ સેવા બાદ અનેક રિક્ષાચાલકો બેકાર બની ગયા હોવાની વાત પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે. જો તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.