સેલવાસ : દાદરા પંચાયતના સરપંચ અને ઉપસરપંચને પદ પરથી દૂર કરવા માટે પ્રસાશનની શો-કોઝ નોટિસ ચર્ચાનો વિષય બની છે.
દાદરા ગ્રામ પંચાયત સરપંચ સુમિત્રાબેન પટેલને સરપંચ પદ પરથી દૂર કરવા પંચાયતી રાજ સચિવ ગૌરવસિહ રાજાવતે શો-કોઝ નોટિસ મોકલી 24 જૂન સુધીમાં સચિવ સમક્ષ જવાબ રજૂ કરવા જણાવાયું છે.
દાદરા પંચાયતના સરપંચ સુમિત્રા પટેલે 5/11/2015 થી સરપંચનો પદભાર સંભાળ્યો હતો. વર્ષ 2017-18મા એમણે પંચાયત ફંડમાંથી સીસીટીવી કેમેરા અને વાઇફાઇ સેટઅપની ખરીદી કરી હતી. જેમા સીસીટીવી કેમેરાની ખરીદીમાં 23 લાખ 96 હજાર રૂપિયા અને વાઇફાઇ સેટઅપમાં દસ લાખ બે હજાર રૂપિયાની ગોબાચારી સામે આવી હતી. જે સંદર્ભે ખાનવેલ આરડીસી નિલેશ ગુરવે 15 જુન 2018ના રોજ તપાસ રિપોર્ટ સોપી દીધો હતો.
જેમાં દાદરા પંચાયત દ્વારા જીએફઆર અને સીવીસી ગાઇડલાઇનનો ઉલ્લંઘન કર્યો હોવાની વાત સામે આવી હતી. આરડીસીએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ગ્રામસભામાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધા બાદ કામ શરૂ કરાયું હતુ. રિપોર્ટ મુજબ બે લાખ નવ્વાણુ હજાર છસ્સો રૂપિયાની એક સમાન રાશિના કુલ 11 ઓર્ડર ઈ-ટેન્ડરના સ્થાને કોટેશન બેઝથી અપાયા હતા. જેમા સપ્લાયર વેટ/જીએસટીમાં રજીસ્ટર જ ન હતો. સાથે વેન્ડર દ્વારા આપવામાં આવેલા એડ્રેસ સ્થળ પર કોઈ ટ્રેડર્સ ન હતુ. ઉપરાંત ફિલ્ડ ઇન્સ્પેક્શન દરમ્યાન ખરીદાયેલો સામાન અને નક્કી કરાયેલા સ્થાનો પર લગાવવામા આવેલા સામાનમાં ઘણી અસમાનતા સામે આવી હતી.
પંચાયતે બનાવેલી 35 દુકાનોનું ભાડું પણ વસુલાયું ન હતું
2017-18મા દાદરા નજીક તિઘરા બોર્ડ પર આયોજીત થનાર લવાછા મેળામાં ટેક્સની ઉઘરાણીનું કામ પણ નિયમોની અવહેલના કરી નવીન જુગલ પટેલ અને જીગ્નેશ ઉક્ક્ડ પટેલને આપવામાં આવ્યું હતુ. દાદરા પંચાયત દ્વારા બનાવાયેલી 35 દુકાનોનું ભાડું સમય પર નહીં વસુલવાને કારણે બાકી 45.89 લાખ સુધી પહોંચી ગયુ હતુ. ઉપરોક્ત બધી ગરબડ જોતા દાદરા નગર હવેલી અને દમણ દીવ પંચાયત રેગ્યુલેશન એક્ટ 2012 મુજબ પંચાયત સચિવે સરપંચ, ઉપસરપંચ અને સભ્યને હટાવવા સચિવ ગૌરવસિંહ રાજાવતે સરપંચ સુમિત્રાબેન પટેલને પદ પરથી દૂર કરવાની કારણદર્શક નોટિસ પાઠવી છે.
જ્યારે દાદરા ઉપસરપંચ કમલેશ દેસાઈ વિરુદ્ધ એસટીએસસી એક્ટ મુજબ થયેલી ફરિયાદ બાદ કોર્ટ દ્વારા પોલીસ કસ્ટડી રીમાન્ડ મળ્યા હતા. એને આધાર બનાવી ઉપસરપંચ અને સભ્યપદ પરથી દુર કરવા માટે અધિકારી એચ.એમ.ચાવડાએ શો-કોઝ નોટિસ મોકલી છે. 22 જુન બપોર સુધીમાં કમલેશ દેસાઈને પોતાનો પક્ષ રજુ કરવા માટે સમય આપવામાં આવ્યો છે