Business

ફેમિલીના હેડ, બાળકો માટે બન્યાં સુપર ડેડ

સામાન્ય રીતે સમાજનાં દરેક ઘરમાં પુરુષ કમાવવા જાય અને સ્ત્રી ઘર સાચવે! આવું જ આપણે જોતાં આવ્યાં છીએ. પણ હવે જમાનો બદલાયો છે. લોકોની વિચારધારા બદલાઇ છે. લોકોની લાઇફસ્ટાઇલ બદલાઇ છે. આજે સ્ત્રી પુરુષ એકસમાન બન્યાં છે. ઘર કે બાળકની જ્વાબદારી આજે એકલી સ્ત્રીના માથે જ આવે એવું હવે નથી રહ્યું. ઘણાય એવા પુરુષો હોય છે જેમને પાર્ટ ટાઈમ જોબ કરવી કે વર્ક ફ્રોમ હોમ કરવું પરવડી શકતું હોય છે. ત્યારે હવે જમાનો એ નથી રહ્યો કે ફકત સ્ત્રી જ ઘરના કામો કરે. આજે પુરુષો પરિસ્થિતિને આધીન એડજસ્ટ થતાં શીખ્યા છે, ત્યારે આ ફાધર્સ ડે પર આપણે મળીશું એવા ફાધર્સને કે જેઓ પોતાના કામના સમયને એડજસ્ટ કરીને સાથે તેમની પત્નીની રિસપોન્સબ્લીટીને સુપેરે શેરવી રહ્યાં છે. અને આમ બાળકોની જ્વાબદારી ઉઠાવવી એ એમાના માટે કોઈ મજબુરી નથી પણ તેઓ પોતાની ફરજ સમજી ખુશીથી કરી રહ્યાં છે. ચાલો જાણીએ તેમની પાસેથી કે તેમના આવા વલણની સામે લોકોના શું રીએકશન આવે છે? કઈ રીતનું ઘરમાં તેમનું ઇનવોલ્વમેન્ટ હોય છે? શું ચેલેંજિસ ફેસ કરવી પડી રહી છે? ચાલો જાણીએ…

વાઈફને 24 કલાકનું કામ હોય તો તેને ઘરની જ્વાબદારીમાં ડિસ્ટર્બ નથી કરતો: નિતિન વાજપાઈ

43 વર્ષીય નિતિન વાજપાઇ માર્કેટિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. નિતિનભાઈ જણાવે છે કે, ‘’મારી વાઈફ ઇન્ટર્નેશનલ એક્સપોર્ટમાં જોબ કરે છે આથી તેનું 24 ક્લાકનું કામ હોય છે. જેથી ઘરની જ્વાબદારી કે કોઈ બીજા કામોમાં વાઈફને ડિસ્ટર્બ નથી કરતો. હું ઘરમાં એક સોય પરોવવાથી માંડીને દૂધ લેવા જવા સુધીના દરેક કામો કરું છુ. વાઈફ સવારે નાસ્તો બનાવે અને સાંજે ડિનર સર્વ કરવા લાગે છે. બાકીના દરેક કામો જેમ કે મારે બે દીકરીઓ છે તેમના ઓનલાઈન ક્લાસમાં પણ હું સાથે બેસું છુ અને ઑફિસવર્ક પણ મેનેજ કરું છુ. કેમ કે મારી પાસે સમય હોય છે પણ ક્યારેક ક્યારેક એવું બને કે મારે પણ ઑફિસ કામ માટે એજન્ટ સાથે જવુ પડે તો મારે છોકરીઓને ટ્યુશન મૂકવાનું મિસ થઈ જાય. સાચું કહું તો મારી દીકરીઓની મમ્મી પણ હું છુ અને પપ્પા પણ હું છું, કેમ કે મારી દીકરી 6 મહિનાની હતી ત્યારે મારી વાઈફને કામ માટે ફોરેન પણ જવુ પડેલુ ત્યારે પણ મેં મારી દીકરીને સાચવી હતી. શરૂઆતમાં લોકો અમને જોઈને વાતો કરતાં કે એક પુરુષ થઈને કેવું કામ કરે છે પણ મે ક્યારેય મન પર લીધું જ નહીં હતું, એકબીજાના સપોર્ટ વિના કશું ના થઈ શકે. મારી વાઈફ મારાથી 3 ગણું વધુ ક્માય છે અને મને ગર્વ છે તેના પર. પહેલા જે લોકો મજાક બનાવતા એ જ લોકો આજે સારું પણ કહે છે.’’

બાળકોને સવારે ઉઠાડવાથી માંડી હોમવર્ક સુધીની દરેક જ્વાબદારી હું ઉઠાવું : નીરજ પંડ્યા

47 વર્ષીય નીરજ પંડયા હજીરામાં જોબ કરે છે. નીરજભાઈ જણાવે છે કે, ‘’મારા વાઈફ ટીચર હતા એમની મોર્નિંગ સ્કૂલ હતી આથી તે સવારે સ્કૂલે નીકળી જાય છે અને એના નોકરીના સમય બાદ છોકરાઓની સ્કૂલ હોય આથી હું મારા છોકરાઓની દરેક જ્વાબદારી નિભાવું છુ, જેમ કે હું મારા બાળકોને ઉઠાડું, તેમને સ્કૂલને જવા માટે તૈયાર કરું, લંચ ભરી આપતો અને ટાઈમટેબલ મુજબ બેગ પેક કરી વેનમાં બેસાડી આપું, સાંજે પણ ઘરે આવે ત્યારે છોકરાઓ સાથે ગેમ્સ રમીએ. તેમનું હોમવર્ક કરવા બેસાડીએ, પ્રોજેક્ટ્સ બનાવવામાં મદદ પણ કરું,  કેમ કે જરૂરી નથી વાઈફે જ છોકરાઓની જ્વાબદારી ઉઠાવવી જોઈએ. વાઈફ પણ જોબ કરે તો એ પણ આખો દિવસ પુરુષની જેમ થાકીને જ આવતી હોય તો બાળકો સાંભળીએ એમાં ખોટું શું છે. અને મને જોઈને આજપાસના પાડોશી પણ વાઈફને એમ કહેતા કે તું નસીબદાર છે કે તારા હસબન્ડ તારી કેટલી જ્વાબદારી ઉઠાવે છે અને તને હેલ્પ કરે છે.’’

લોકો શું બોલે એનાથી મને કોઈ ફર્ક નથી પડતો: કાર્તિક અતુલ દેસાઇ

કાર્તિક દેસાઇ ટ્રેનિંગ મેનેજર છે. કાર્તિકભાઈ જણાવે છે કે, ‘’છેલ્લા દોઢ વર્ષથી મારે ઘરે જ કામ કરવું પડે છે. કેમ કે મારું કામ કંપનીમાં ટ્રેનિંગ આપવાનું છે પણ કોરોનામાં લોકોમાં ભેગા કરવું અઘરું છે આથી ઓનલાઇન ઘરેથી કામ કરું છુ. મારી વાઈફ હેલ્થ ઇન્શ્યોરન્સમાં આઈ. ટી મેનેજર છે. આથી તે ફોન પર કે લેપટોપ પર વધારે હોય છે. પણ સાથે ઘર પણ મેનેજ કરે છે. બાળકના સ્કૂલમાં પણ ઘ્યાન આપે. મારું કામ એવું છે કે હું ફ્રી હોવ તો આખો દિવસ ફ્રી હોય અને કામ હોય તો ફૂલ ડે બિઝી હોય. આથી બની શકે એટલી હું ઘરના કામોમાં મદદ કરું છુ. મારા છોકરાને મોર્નિંગમાં ઉઠાડવાથી લઈ તૈયાર કરવા સુધીનું કામ કરી આપું. બહારનું કામ હોય તો હું વાઈફને હેલ્પ કરું. કોઈવાર વાઈફને કામ માટે ટ્રાવેલિંગ કરવાનું થાય તો હું જ ઘર સંભાળતો હોય. કોઈવાર ટ્રાવેલિંગ કરતી હોય તો ઘણીવાર છોકરો જો ભણવામાં ઘ્યાન ના આપતો હોય તો મારે તેની મદદ લેવી પડે. કેમ કે લોકો શું બોલે એનાથી મને કોઈ ફર્ક નથી પડતો પણ મારો દીકરો શું વિચારે એ મારે જોવાનું હોય. હસબન્ડ અને વાઈફ ગાડીના બે પૈડાં છે, આજકાલ ખર્ચા વધી ગયા છે અને જો બંને કામ કરતાં હોય તો જ સારી રીતે જીવી શકીએ અને છોકરાને સારું ભવિષ્ય આપી શકીએ. કેમ કે હું માનું છું કે ઘર અને બાળકોની જ્વાબદારી એકલી સ્ત્રીની નથી હોતી. પતિ-પત્ની બંનેની જવાબદારી છે.

મારો દિકરો ભવિષ્યમાં મોટો એક્ટર બને તે અમારું સપનું છે : મંથન ચાવડા

મંથન ચાવડાનો દિકરો આરવ હાલ 3 વર્ષનો છે. તેમની પત્ની ડોક્ટર હોવાથી તે સવારે 9 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી ક્લિનીક પર હોય છે. તેમણે જણાવ્યું હતું કે હું એક બેંકમાં અકાઉન્ટન્ટની જોબ કરતો હતો. મારો દિકરો એક વર્ષનો થયો તો બધા તેને જોઈને કહેવા લાગ્યા કે તે ચાઈલ્ડ એક્ટર તરીકે ખૂબ સારું નામ કમાઈ શકશે, કેમ કે તે દેખાવમાં પણ ખૂબ ક્યૂટ છે. મેં મારી બેંકની જોબ મુકી દીધી અને અત્યારથી જ તેના કરિયર પર ફોકસ કરવાનું શરૂ કર્યું છે. હું આખો દિસ તેને સાચવું છું અને તેના ફોટોશૂટથી માંડીને વીડીયો અને ઈનસ્ટાગ્રામ રિલ્સ બનાવી અપલોડ કરું છું. હાલ તેના ઈનસ્ટાગ્રામ પર 10 હજાર કરતા વધારે ફોલોવર્સ છે અને સિરીયલ્સમાંથી કામની પણ ઓફર આવવા માંડી છે. અમારા બંનેનું સપનું છે કે તે મોટો એક્ટર બને આથી અમે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મારી પત્ની સવાર અને બપોરનું જમવાનું બનાવી જતી રહી છે. હું આરવને આખો દિવસ સાચવું છું અને સાંજે કુકીંગ પણ કરું છું. સોસાયટી શું કહે છે તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. હું બસ એક સારો પિતા સાબિત થવા માંગું છું.

Most Popular

To Top