ક્રિતી સેનોન કે ક્રિતી સનોન? નામ જ્યારે જાહેર બની જાય ત્યારે તે જેનું હોય તે ખૂલાસા કરવાને લાયક રહેતા નથી. ક્રિતી એવા ખૂલાસા કરતી પણ નથી અને પોતાના કામમાં બિઝી રહે છે. આમ પણ તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ચની દિકરી છે એટલે હિસાબો બરાબર જાણે છે. દિલ્હીમાં જન્મી છે અને ત્યાં જ ભણી ગણી છે એટલે રાજકારણમાં જવા જેટલી ચતુર ન હોય તો પણ ફિલ્મ જગતમાં આવ્યા પછી પોતાને કેમ સંભાળવું તે બાબતે ખાસ્સી ક્લિયર છે.
ક્રિતી ઘણુબધુ કરવા આવી છે, પણ ફિલ્મોનો મામલો એવો છે કે આ એકટ્રેસ ગણું કરી શકે તેમ છે. ક્રિતી આ બાબતે ભાગ્યશાળી કહેવાય. તેણે તેલુગુ ફિલ્મોથી આરંભ કરેલો પણ પછી હિન્દીમાં વધુ સારી રીતે જામી ગઈ. ટાઈગર શ્રોફ, સુશાંત સિંહ રાજપૂત, કાર્તિક આર્યન, આયુષ્યમાન ખુરાના સહિતના નવી પેઢીના સ્ટાર્સ સાથે ફિલ્મો મળી હોય તો ખરેખર જ કહી શકાય કે તે જામી છે. રાહિત શેટ્ટી, કરણ જોહર, સાજીદ નડિયાદવાલાની ફિલ્મો ય તેને મળતી રહી છે. ક્રિતી મલ્ટીસ્ટારર ફિલ્મોનો હિસ્સો બનવાથી ય ગભરાતી નથી.
મહત્વની વાત એ છે કે ફિલ્મ સફળ થાય તેવા ચાન્સ હોવા જોઈએ. તે પોતાને દિપીકા પાદુકોણ યા પ્રિયંકા ચોપરા કે આલિયા ભટ્ટ માનતી નથી. તેનો ભરોસો સારી ફિલ્મના સારા કામ પર હોય છે. એટલે જ તે ‘પાનીપત’ નો હિસ્સો બનેલી અને ઘણીવાર તે સારા વિષયવાળી ફિલ્મ હોય તો સ્પેશ્યલ અપિરયન્સ પૂરતી ય આવે છે. આ રીતે તે ‘સ્ત્રી’, ‘કલંક’ અને ‘અંગ્રેજી મિડીયમ’ માં ફક્ત એક ગીત પૂરતી આવી હતી. અત્યારની ફિલ્મોમાં આવો ટ્રેન્ડ ચાલે છે કે જાણીતી અભિનેત્રી એકાદ આઈટમ સોંગ માટે આવે. ઘણીવાર આવા ગીતો ફિલ્મના પ્રમોશનમાં મદદ કરે છે. ક્રિતીને એવા સોંગનો વાંધો નથી કારણકે તેને સારા એવા પૈસા મળી રહે છે.
અત્યારે ક્રિતી શું કરે છે એમ ન પૂછશો. ફિલ્મોના શૂટીંગ તો ધીમે ધીમે ચાલી રહ્યા છે પરંતુ તેનો અફસોસ નથી કારણકે તેની પાસે 5 -6 ફિલ્મો છે. દિનેશ વિજાન નામના નિર્માતાની તે ફેવરીટ છે. ‘રાબતા’, ‘લુકાછુપી’, ‘અર્જૂન પટિયાલા’, દિનેશ વિજાનની જ ફિલ્મો હતી અને હવે એજ વિજાનની ‘મિમી’ માં તે મુખ્ય ભૂમિકામાં આવી રહી છે. ફિલ્મ બનીને તૈયાર છે અને ફિલ્મનું સંગીત પણ એ.આર.રહેમાનનું છે. ‘મીમી’ ઘણા પ્રેક્ષકોને ઇમોશનલ બનાવી દેશે કારણ કે તેનો વિષય જ એવો છે. ક્રિતીની ‘હમ દો હમારે દો’ નામની તેની ફિલ્મ ઇિન્દરા ગાંધી કુટુંબ નિયોજન લાવેલા તે વિષયની લાગશે પણ છે જુદી.એ ફિલ્મ શૂટિંગ સ્તરે પૂરી થઇ ચુકી છે.
દિનેશ વિજાનને ક્રિતી સેનનમાં કદાચ સૌથી વધુ ભરોસો પડી ગયો છે. તે જ્યારે પણ નવી ફિલ્મ વિચારે કે સૌથી પહેલું ક્રિતીનું નામ વિચારે છે. હમણાં વરુણ ધવન સાથે ‘ભેડીયા’માં ક્રિતી જ કામ કરે છે જે વિજાનની ફિલ્મો તેને વધારે સફળ બનાવે છે. જોકે અત્યારે તે એક માયથોલોજીકલ ફિલ્મમાં કામ કરી છે જેનું નામ ‘આદિપુરુષ’ છે. અે ફિલ્મમાં પ્રભાસ આદિપુરુષ છે. ક્રિતી સીતા બની છે. સૈફ અલી ખાન લંકેશની ભૂમિકામાં છે.
મરાઠીમાં ‘લોકમાન્ય એક યુગ પુરુષ’નું દિગ્દર્શન કરનાર ઓમ રાઉત એ ફિલ્મનો દિગ્દર્શક છે. ઓમે જે ‘તાન્હાજી’નું ય દિગ્દર્શન કરેલું. ક્રિતી સેનન માટે આ મોટી ફિલ્મ છે અને હિન્દી ઉપરાંત તેલુગુમાંય બની રહી છે. ક્રિતી કહે છે કે 2022ની રાહ જુઓ હું બધાને ચોંકાવી દઇશ. ક્રિતી પર ભરોસો કરી શકો છો કારણ કે તે જાણે છે કે અત્યારે સ્પર્ધા જબરદસ્ત છે ત્યારે જરાક પણ ઓછી મહેનત લગાડી શકાય તેમ નથી. ક્રિતી લગાડે એવી ય નથી.