સુરત : ‘મારૂં સાસરૂં છે, છૂટાછેડા માટે પચાસ લાખ હોય તો જ હું ઘર છોડીશ’ કહીને સાસુ (mother in law)ને બે ઝાપટ (slap) મારનારી વહૂ (daughter in law) સામે વરાછા પોલીસ (varachha police) દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમાં વહુ દ્વારા પોતાના પતિને વારંવાર બહાર ફરવાની જીદ કરવામાં આવતાં માથાભારે પરિણીતાને તેના પિતા મુંબઇ ખાતે ઘરે તેડાવી લીધી હતી. બાદમાં આ મામલે પરણિતાના ઘર દ્વારા પચાસ લાખ રૂપિયા છૂટાછેડાના માંગવામાં આવ્યા હતાં. સાસરીયા દ્વારા નાણાં આપવાનો ઈન્કાર કરવામાં આવતાં આજે સવારે વહુએ ઘરે આવીને સાસુ-સસરા અને અન્યોને ગંદી ગાળો આપીને સાસુને માર પણ માર્યો હતો.
ઘટના અંગે વરાછામાં મિનિબજાર પાસે આવેલી વિષ્ણુનગર સોસા.માં મકાન નં.50માં રહેતા કાંતાબેન કાળુભાઇ દૂધાતે જણાવ્યું હતું કે, તેમની વહુ શ્વેતા દ્વારા ગુરૂવારના રોજ સવારે સાડા સાત વાગ્યે આવીને ગાળ ગલોચ કરવામાં આવી હતી. આ મામલે કાંતાબેને જણાવ્યું હતું કે, તેમના 30 વર્ષિય દિકરા રોનકના 27 નવેમ્બર 2020ના રોજ શ્વેતા સાથે લગ્ન થયા હતા. રોનકના સસરા કિરણ લાઠીયા મોટા વરાછાની પ્રમુખ પાર્ક સોસા. ખાતે રહે છે. આ લગ્ન બે પરિવારના સંમતિ સાથે થયા હતા. લગ્ન થયા પછી તેમની વહૂ શ્વેતા રોનકને બહાર ફરવા લઇ જવા માટે વારંવાર કંકાસ કરતી હતી. આ મામલે બે વચ્ચે ઉગ્ર લડાઇ થઇ હતી.
ગત તા. 12 ફેબ્રુઆરીના રોજ તેઓ મુંબઇ ફરવા ગયા હતા. તે વખતે મુંબઇમાં હાજર રોનકના સસરા કિરણભાઇએ શ્વેતાને તેમની સાથે બોલાવી લીધી હતી. અને રોનકના પિતાને ફોન પર કાળુભાઇએ કહ્યું હતું કે, તેમની દિકરી શ્વેતાએ રોનકથી છૂટાછેડા લેવા માંગે છે. આ મામલે રોનકના પિતા કાળુભાઇએ સંમતિ આપી હતી. બાદમાં સમાજના આગેવાનો સાથે મીટિંગ થઈ હતી. તેમાં કિરણભાઇ દ્વારા પચાસ લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતાં.
આ નાણા આપવાના અશકય હોવાને કારણે છૂટાછેડા શકય બન્યા ન હતા. આજે સવારે શ્વેતાએ પોતે ઝેરી દવા પી લેશે અને દહેજના કેસમાં જેલ કરાવી દઇશની ધમકીઓ આપીને સોસાયટીમાં તોફાન મચાવ્યું હતું તથા કાંતાબેનને બે તમાચા મારી દીધા હતા. આ ઘટના બાદ રોનક ત્વરિત ઘરે આવી જતા તેણે પોલીસ બોલાવી હતી.