નવી દિલ્હી : માજી ભારતીય કેપ્ટન, દિગ્ગજ ઓપનર અને ગુજરાતમિત્રના કોલમિસ્ટ સુનિલ ગાવસ્કરનું માનવું છે કે સાઉધેમ્પ્ટનની ભીષણ ગરમીમાં ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમ રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન બંનેને રમાડી શકે છે. તેમણે કહ્યું હતું કે ભીષણ ગરમીને કારણે પીચ ધીમે ધીમે સુકાતી જવાને કારણે સ્પીનરોને મદદ મળશે.
ગાવસ્કર 18 જૂનથી શરૂ થનારી આ ટેસ્ટ માટેની કોમેન્ટરી પેનલમાં સામેલ છે અને હાલ સાઉધેમ્પ્ટનમાં જ છે.
તેમણે પીટીઆઇને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સાઉધેમ્પ્ટનમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી પડી રહી છે. આ સ્થિતિમાં પીચ સુકાયેલી રહેશે અને તેથી અશ્વિન અને જાડેજા બંને રમી શકે છે. તેમણે કહ્યું હતું કે તેમના સમાવેશથી માત્ર બોલિંગ જ નહીં પણ તેમની ઓલરાઉન્ડર તરીકેની કાબેલિયતથી ટીમ ઇન્ડિયામાં સંતુલન જોવા મળશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતીય ટીમને પ્રેક્ટિસ મેચ ન મળી હોવા છતાં તેમની તૈયારી મજબૂત છે. ભારતીય ખેલાડીઓએ પરસ્પર પ્રેક્ટિસ મેચ રમી છે. ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું સારું મિશ્રણ છે. મોટાભાગના ખેલાડીઓ ઇંગ્લેન્ડનો ઘણીવાર પ્રવાસ કરી ચુક્યા છે તેથી ત્યાંની સ્થિતિથી વાકેફ છે. ગાવસ્કરના મતે અશ્વિન આ પ્રવાસમાં પોતાના અનુભવના જોરે મહત્વની ભૂમિકા ભજવશે અને તમિલનાડુના આ સ્પીનરને બોલિંગ કરતો જોવાનો લહાવો એરાપલ્લી પ્રસન્ના કે હરભજન સિંહને બોલિંગ કરતાં જોવા જેવો જ છે.