સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસો ધીરે ધીરે ઘટી રહ્યા છે તેવા સમયે રાજ્ય સરકાર અને સુરત મનપા દ્વારા અનેક પ્રતિબંધો હળવા કરી દેવામાં આવ્યા છે. જેને લઇને જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે. પરંતુ હજી પણ સંપૂર્ણપણે શહેરને કોરોનાથી મુક્તિ મળી નથી. તેથી હજી પણ મનપા દ્વારા કેટલાક પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા છે. જેમાં ડુમસ બીચ, (Dumas Beach) સુવાલી બીચ પણ હજુ બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે રવિવારની રજા હોવાથી સુરતીઓ મોટી સંખ્યામાં ડુમસ, સુવાલી બીચ તરફ જવા નીકળ્યા હતા. પરંતુ પોલીસે તમામ સહેલાણીઓને પરત મોકલ્યા હતા અને બેરિકેટથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી નિરાશ થઈને પરત ફરતા સુરતીજનોએ ઓલપાડના ડભારી (Dabhari Beach) બીચ તરફ દોટ મૂકી હતી.
સુરતીઓ હરવા-ફરવાના શોખીન સ્વભાવના છે. તેથી જાહેર રજાના દિવસે ડુમસ બીચ અને સુવાલી બીચ ઉપર મોટી સંખ્યામાં પહોંચી જાય છે. મનપા દ્વારા હજી પણ દરિયાઈ બીચ પર જવા પ્રતિબંધ લગાવ્યા છે.
ખૂબ મોટી સંખ્યામાં સુરતીઓ તેમજ અન્ય શહેરના લોકો બીચ ઉપર મોજ-મસ્તી કરવા એકત્ર થતા હોય છે. જેને લઇને ફરી વખત કોરોના માથું ઊંચકે તેને ધ્યાનમાં રાખીને મનપા અને પોલીસ કમિશનર દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેવા સમયે કેટલાક દિવસોથી ઘરમાં પુરાયેલા સુરતીજનો રજાની મોજ-મસ્તી કરવા ઓલપાડના તેના ગામ નજીકના ડભારી બીચ પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે મોટી સંખ્યામાં સુરતીજનો ઉમટી પડ્યા હતા.
કોરોનાનું સંક્રમણ ભલે ઓછું થઇ ગયું છે પરંતુ જ્યાં જ્યાં ભીડ થશે ત્યાં ફરીથી સંક્રમણ વધવાની શક્યતા હોવાથી ડુમસ બીચ પર રવિવારે ફરવા જતાં લોકોને પોલીસ પરત મોકલી દે છે. જેના કારણે ડુમસરોડ પર કારનો જમેલો જોવા મળ્યો હતો.