Columns

મસ્તક ઝુકાવી નમન: ‘મારા ઘરે મારાં દાદી મને રોજ કહે છે કે ભગવાનને પગે લાગ..’

એક દિવસ એક સંત વિદેશ યાત્રાએ ગયા.ત્યાં મંદિરમાં તેમના પ્રવચન અને સત્સંગનો કાર્યક્રમ હતો.પ્રવચન બાદ બધા સંતે મળીને પોતાના મનની મૂંઝવણ રજૂ કરી જવાબ મેળવી રહ્યા હતા. એક યુવાન સંત પાસે ગયો અને અંગ્રેજી મિશ્રિત ભાષામાં સંતને પૂછવા લાગ્યો કે, ‘મારા ઘરે મારાં દાદી મને રોજ કહે છે કે ભગવાનને પગે લાગ..’ હું હાથ જોડી માથું નમાવું છું, પરંતુ તેઓ કહે છે આમ નહિ, ભગવાનના પગમાં માથું લગાવી નમન કર.મને સમજાતું નથી કે શું એમ માથું નમાવીને ભગવાનના પગમાં લગાવીએ તો જ નમન કર્યા કહેવાય.માત્ર હાથ જોડવાથી ન ચાલે.’

સંત હસ્યા અને બોલ્યા, ‘ભાઈ , જે કોઈ રીતે નમન કરો તે ચાલે અને ન કરો તો પણ ચાલે. પણ આપણી સંસ્કૃતિ અને પરંપરામાં દરેક રીત અને રિવાજ પાછળ કોઈ કારણ હોય છે તે જાણવું અને સમજવું જરૂરી છે.આપને ત્યાં આશીર્વાદ મેળવવા માટે શબ્દસમૂહ વપરાય છે કે ‘પગે લાગ’ એટલે કે ભગવાન કે વડીલના આશિષ લે.આપણે ભગવાનનાં ચરણોમાં મસ્તક નમાવી પ્રાર્થના કરીએ છીએ તેનું એક કારણ છે.’

યુવાને પૂછ્યું, ‘કયું કારણ?’ સંતે પ્રશ્ન કર્યો, ‘યુવાન તું મને કહે આપણા માથામાં શું છે?’ યુવાને કહ્યું, ‘માથમાં આપણું મગજ છે.’ સંત બોલ્યા, ‘બરાબર, અને આ મગજમાં આપણા વિચારોનું સર્જન થાય છે.આ મગજમાં જ આપણી સઘળી ચિંતાઓ રહેલી છે.આ મગજમાં જ આપણી માન્યતાઓ અને અવગુણો છે.આ મસ્તક જ અભિમાનનું પ્રતીક છે.એટલે જયારે આપણે ભગવાનનાં ચરણોમાં માથું નમાવીએ છીએ ત્યારે આપણને અનેક ફાયદા થાય છે.

મસ્તક નમાવવાથી અભિમાન દૂર થાય છે અને નમ્રતા જાગે છે.મસ્તક નમાવવાથી અને તેને ઈશ્વરનાં ચરણોમાં લગાડવાથી; પ્રભુચરણોનો સ્પર્શ થતાં આપણી માન્યતાઓ અને વિચારો પવિત્ર અને શુદ્ધ બને છે અને ભગવાનનાં ચરણોમાં માથું મૂકવાથી આપના મગજમાં રહેલી ચિંતાઓ બધી જ પ્રભુનાં ચરણોમાં પહોંચી જાય છે અને આપણે આપોઆપ આ ચિંતાના બોજમાંથી મુક્ત થઇ જઈએ છીએ.એટલે આપણા મગજને ચિંતાઓના બોજથી મુક્ત કરવા, સારા વિચારોથી પાવન કરવા અને મગજમાં રહેલી માન્યતાઓ દૂર કરવા અને અભિમાનથી દૂર રહેવા આપને રોજ પ્રભુચરણોમાં માથું નમાવવું જોઈએ.’ યુવાન સંતનો સુંદર જવાબ સાંભળી મસ્તક ઝૂકાવવાનું મહત્ત્વ સમજ્યો અને સંતનાં ચરણોમાં મસ્તક નમાવી, દાદીનાં ચરણોમાં અને ભગવાનનાં ચરણોમાં મસ્તક નમાવી વંદન કરવા આગળ વધી ગયો.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top