Dakshin Gujarat Main

બારડોલીના બમરોલી ગામે દીપડાએ વાછરડાનું મારણ કર્યું, એક ઇજાગ્રસ્ત

સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં બમરોલી ગામમાં દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું છે. જ્યારે એક વાછરડાને ઈજાગ્રસ્ત કર્યું છે. જે માટે વનવિભાગ સાવધ બની ગયો છે અને પાંજરું ગોઠવવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં દીપડા દેખાવા અને દીપડાના હુમલાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ત્યારે બારડોલી તાલુકાના બમરોલી ગામે દીપડાનો આતંક જોવા મળ્યો છે. રાત્રિના સમયે દીપડાએ કોઢારમાં બાંધેલા એક વાછરડાનું મારણ કર્યું હતું અને એક વાછરડાને ઈજાગ્રસ્ત કર્યું હતું.

બારડોલી તાલુકાના બમરોલી ગામે રાજપૂત ફળિયામાં રહેતા દિનેશસિંહ નટવરસિંહ બારસડિયા પશુપાલનનો વ્યવસાય કરે છે. અને સોમવારે વહેલી સવારે દીપડાએ તેમના કોઢારમાં બાંધેલા એક વાછરડાનું મારણ કર્યું હતું. જ્યારે એક વાછરડાને ઇજાગ્રસ્ત કર્યું હતું. જો કે, પરિવારના લોકો જાગી જતા દીપડો બંને વાછરડાને મૂકીને ભાગી ગયો હતો. બનાવ અંગે તેમણે બારડોલી વનવિભાગના આર.એફ.ઓ. સુધાબેનને જાણ કરતાં વનવિભાગનાં ફોરેસ્ટર મનીષાબેન પટેલ તેમજ ધર્મેન્દ્રસિંહ સોલંકી સહિતની ટીમ દ્વારા બમરોલી ગામે મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. બમરોલી ગામમાં મોટા ભાગના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જેથી કરી ચારો લેવા તેમજ ખેતીના કામથી ગ્રામજનોને ખેતરે જવું પડે છે. દીપડો દેખાવાની ઘટનાને લઇ હાલ આ ગ્રામજનો ભયના માહોલમાં જીવી રહ્યા છે.

Most Popular

To Top