Columns

સર્જન- વિસર્જનનો મહિમા કરતી રેતી

આમ તો જમીન માત્ર ઠરેલ જવાળામુખીના લાવામાંથી બનેલા ગ્રેનાઈટ, બાસાલ્ટ જેવા અગ્નિકૃત ખડકો-જળકૃત કે સ્તરીય ખડકો જેવા કે રેતિયો પથ્થર, ચૂનાનો પથ્થર અને આરસ સ્લેટ જેવા રૂપાંતરિત ખડકોથી બનેલી છે. જેતે પ્રદેશની માટીનો આધાર પણ ત્યાંના ખડકો પર નિર્ભર. આપણે જેને માટી કહીએ છીએ તે પણ ચાર ઘટકોથી બનેલી – એ ઘટકોનું વર્ગીકરણ ઘટકના કદના આધારે થાય. ગ્રેવેલ એટલે કે કાંકરા, સેન્ડ એટલે કે રેતી, સીલ્ટ એટલે કાંપ અને કલે એટલે કે ચીકણી માટી.

જમીન પરની રેતી કરતાં દરિયાકાંઠાની રેતી જુદી. દરિયાકાંઠાની રેતીના બંધારણમાં મોટો ભાગ શંખ, છીપ, કોડીના નાના નાના કણોનો. નદીએ નદીની રેતી જુદી- એ નદી વિસ્તારની જમીન પર નિર્ભર. સૌરાષ્ટ્રની નદીઓની રેતી કાંકરિયાળ. દેશીભાષામાં વેકુર (રેતી) કહીએ તેવી. આમાં ભોગાવો બાકાત- તેની રેતી પ્રમાણમાં ઝીણી. નાનપણમાં ઉનાળાના મોટા વેકેશનમાં દાદાના ગામ-બરવાળા ઘેલાસા જતા ત્યારે ઘરના વાડાને બદલે નદીની ભેખડો કે આવળબાવળની ઓથે ખુલ્લામાં શૌચનો આનંદ લેતા. પાછા ફરતાં ડબલામાં નદીની વેકુર ભરી લાવી મોટા ફળિયાના એક ભાગમાં ઠાલવવાની. એમ કરતાં કરતાં ફળિયાનો એ ભાગ વેકુરનો ચોક બની ગયેલો. તેના બે લાભ એક તો ફળિયામાં ધૂળ ન ઊડે અને બીજું તેના પરથી ચાલો તો રેતીની જેમ પગમાં ન ચોંટે. યાદ આવ્યું કે સૌરાષ્ટ્રના ઝાંઝમેરના દરિયે પણ વિશિષ્ટ પ્રકારની વેકુર પથરાયેલી દેખાય. નદીની વેકુર આછા કાળા કાંકરાઓની જયારે ઝાંઝમેરના દરિયાની આ વેકુર સફેદ આછા પીળા, આછા ગુલાબી રંગની અને જારના દાણા જેવડી. એ વેકુરની બહુ માંગ. કોથળેકોથળા ભરાઈને જાય અને કોઇ બંગલા કે રિઝોર્ટના ગ્રાઉન્ડને શોભાવે.

આ કાંકરીને ગોપીઓએ અમર કરી દીધી-ખયાલ ઠુમરીની બંદિશમાં. ‘નંદન કાંકરિયા જી ન મારો’ કહીને, કૃષ્ણનો હેતુ ગોપીની મટકી ફોડવાનો. એ માટે કાંકરી જ બરોબર. પથ્થર હોય તો ગોપીને વાગે પણ ખરો. એટલે માત્ર કાંકરી. ‘મોગલે આઝમ’ના પેલા નૃત્યગીતમાં પણ ગોપી કહે છે ને ‘કંકરી મોહે મારી ગગરિયા ફોર ડારી.’ નાના પાયે થતાં છમકલાંને પણ આપણે કાંકરીચાળો જ કહીએ છીએ ને!

 રેતી શબ્દ કાને પડતાં જ મુઠ્ઠીમાંથી સરી જતી સાબરમતીની રેતીની યાદ આવે. સર સર સરકી જાય તે સમય તો ખરો જ પણ રેતી પણ એમ જ સરી જાય. યાદ આવે એક જમાનામાં વપરાતી રેત-ઘડિયાળ. કાચના બે ગોળાઓ અને વચ્ચે એક નાનું શું છિદ્ર. ઉપરના ગોળામાંથી ધીમે ધીમે રેતી નીચેના ગોળામાં પડે એક નિશ્ચિત સમય અવધિમાં. એવી કલાક, બે કલાક, છ કલાકની પણ રેતઘડિયાળ હશે? આ રેતની – સાબરમતીની રેતી એ વતનઝુરાપો વ્યક્ત કરતી આદિલ મન્સુરીની કવિતામાં અમદાવાદ નગરનું પ્રતીક બની જાય.

‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે

ફરી આ દૃશ્ય સ્મૃતિપટ પર મળે ન મળે.’

આ રેતીનું રમણીયરૂપ તે રાજસ્થાનના રણમાં રેતીના ઢુવાઓ પર પવનની રમતિયાળ આંગળીઓ જે લહેરિયાળી નમણી ભાત આલેખે તે. આપણે મન રેતી એટલે બાંધકામ માટેનું એક મટીરિયલ પણ બાળક માટે તો દરિયાનો આખો રેતાળ પટ એક ક્રીડાભૂમિ. રેત પર કશું ટકે નહીં. પળમાં પગલું પાડે ને પળમાં વિખેરે. દરિયાનો રેતાળ પટ જોઇને કાકાસાહેબ યાદ આવી જાય અને અચાનક જ કેમ જાણે કેમ યાદ આવી જાય વિલિયમ બ્લેકની કવિતાની પંકિત- અણુમાં વિભુ-વિરાટના દર્શન કરાવતી પંકિતઓ –

 ‘To see the world in a grain of a sand

and a heaven in a wild flower.’

દરિયાની રેતીમાં પડેલાં પગલાંઓ જોઇને પેલા જાપાનિઝ હાયકુ માસ્ટર શિકિનું હાયકુ યાદ આવી જાય.

વાસંતી દિવસ

પગલાંની એક દીર્ઘરેખા

રેતાળ કાંઠા પર

વસંતના ઠાઠ સાથે ભળ્યો સવારનો અને દરિયાનો ઠાઠ. કવિ તો નીકળી પડયા દરિયાકિનારે દૂરસુદૂર-એના એંધાણ મળે છે દૂર સુધી દેખાતાં પગલાંની છાપથી. બીજા બે ઇંગિત એ છે કે કવિ ફરવા નીકળી પડયા છે પણ પાછા નથી ફર્યા અને કવિ એકલા જ ગયા છે કારણ કે પગલાંની દીર્ઘરેખા એક જ છે.

પોરબંદરમાં બાલ્યકાળના ચાર વરસ પસાર થયાં અને દરિયો તો સાવ ઢૂંકડો. અમારી કોલોની અને દરિયા વચ્ચે માત્ર એક વાડી. રાતની નીરવ શાંતિમાં દરિયાનો અવાજ પથારી સુધી આવે. એ ચાર વરસમાં દરિયાકાંઠો અને તેની રેતી બહુ માણ્યાં છે. દરિયાના ભીના કાંઠે શંખલા, છીપલા વિણવાની, ભીની રેતમાં ચાલવા- દોડવાની મજા લીધી છે. નામ અમર કરવાની ઇચ્છાથી નહીં પણ નામને ભૂંસાતું જોવાની મજા લેવા માટે ભીની રેતીમાં નામ લખ્યું, નાનકડું મંદિર બનાવી ઉપર ફાટેલા પતંગની ધજા ખોડી, મંદિરની દીવાલ પર શંખ- છીપ જડયાં, માટીનો કિલ્લો બનાવ્યો અને થોડી વાર તેને જોઇને સંતોષ લીધો અને પછી ભરતીનું મોજું આગળ આવતાં બધું રેલાઈ ગયું તેનો પણ આનંદ લીધો. પુરીના દરિયાકાંઠે કે પોરબંદર ચોપાટીના દરિયામાં નથુભાઈ ગળચર કલાકોની મહેનત પછી જે રેતશિલ્પો બનાવે છે તેનું આયુષ્ય પણ કેટલું? કલાકોનું કે કદાચ બે-ચાર દિવસોનું. પછી દરિયો બધું સમતળ કરી જ નાખવાનો છે પણ થોડા કલાકો પણ એ રૂપ આકારિત થયું, પૃથ્વી પર રહ્યું તેનો પણ કેટલો આનંદ! આમ આ રેતી એ સર્જન સાથે વિસર્જનનો પણ મહિમા કરતાં આનંદ લેતાં શીખડાવે. આ રેતી ક્ષયિષ્ણુ અને વિષ્ણુને એકાકાર કરી દે.

Most Popular

To Top