રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) વિસ્તારમાં અગાઉ તાર-ફેન્સિંગ કામગીરી મામલે નર્મદા નિગમ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે બોલાચાલી થતી જ રહેતી હતી. જો કે, વિવાદ વધતાં સરકારે તાર-ફેન્સિંગની કામગીરી બંધ રાખી હતી. ત્યારે હવે ફરી પાછો એક વિવાદ સામે આવ્યો છે. નર્મદા નિગમના અધિકારીઓ કેવડિયા વિસ્તારની જમીનનો સરવે (Land survey) કરી રહ્યા હતા. દરમિયાન 15થી 20 જેટલા સ્થાનિક આદિવાસીઓના ટોળાએ કામગીરી બંધ કરાવવાનો પ્રયત્ન કરતાં એ ટોળાં વિરુદ્ધ પોલીસ (Police) ફરિયાદ નોંધાઈ છે.
નર્મદા નિગમના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના કેવડિયામાં પોતાની જમીનના સરવે નં.449માં સરવેની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે કેવડિયા ગામના રેવજી ઉક્કડ તડવી, પ્રવીણ રેવજી તડવી અને અંજનાબેન સુરેશ તડવી સહિત 15થી 20 જેટલા સ્થાનિક આદિવાસીઓના ટોળાએ ત્યાં આવી અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરી સરવે કામગીરી બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અંજનાબેન અને 60 વર્ષની એક વૃદ્ધ મહિલાએ અધિકારીઓ સામે અર્ધનગ્ન થઈ જઈ વિરોધ નોંધાવ્યો હતો. જો કે, કેવડિયા પોલીસ ટીમ સાથે મહિલા પોલીસ હાજર હોવાથી મામલો થાળે પડ્યો હતો. આ મામલે નર્મદા નિગમના અધિકારી યોગેશ રાજેન્દ્ર ચૌધરીએ ટોળાં વિરુદ્ધ કેવડિયા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી બાજુ અંજનાબેન તડવીએ સરદાર સરોવર નર્મદા નિગમના વહિવટીદાર નિકુંજ પરીખ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર રૂષિત ભટ્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મામલતદાર પાર્થ જયસ્વાલ, કેવડિયાના ડી.વાય.એસ.પી. વાણી દુધાત, કેવડિયા પી.આઈ પી.ટી.ચૌધરી, પી.એસ.આઈ. રાઠવા, જમાદાર ઉમેશ પરીખ, નાયબ કાર્યપાલક ઈજનેર યોગેશ ચૌધરી વિરુદ્ધ ગુજરાત રાજ્ય પોલીસ વડા, ગુજરાત માનવ અધિકાર પંચ અને મહિલા અયોગને આ ઘટના મામલે લેખિત ફરિયાદ કરી છે.
અંજના તડવીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર નિગમ અને નર્મદા પ્રોજેક્ટના નામે જમીન સંપાદિત કરી અમને, અમારા સસરાને કે એમના પિતાને કોઈ પણ આર્થિક સહાય કે વળતર કે પછી ખેતી માટે જમીન આપી નથી. અમારી આ જમીન સરદાર સરોવરથી 8 કિમી દૂર છે. આ જમીન ડૂબમાં જતી નથી કે સરદાર સરોવર નિગમે કબજામાં લીધી નથી. અમે અત્યાર સુધી આ જમીન પર ખેતી કરતા આવ્યા છે. અમારી જમીનમાં 50-60 પોલીસ ટોળાં સાથે ઘૂસી જઈ અમને જાતિવિષયક અપશબ્દો બોલી રકઝક કરી અમારી જમીનમાં ગેરકાયદે કબજો જમાવવાની કોશિશ કરી હતી.