Sports

8 વર્ષ પહેલા કરેલું ટ્વિટ ઇંગ્લેન્ડના ઝડપી બોલરને ભારી પડ્યું: ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સસ્પેન્ડ

લંડન : ઇંગ્લેન્ડના ઝડપી બોલર (England fast bowler) ઓલી રોબિન્સને (Ollie Robinson) આજથી 7-8 વર્ષ પહેલા કરેલું એક વિવાદી ટ્વિટ (tweet) તેના માટે મુસીબત બનીને સામે આવ્યું છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ તેના એ ટ્વિટ મામલે તેની સામે પગલા ભરીને ડિસિપ્લનરી ઇનક્વાયરીના પરિણામ સામે ન આવે ત્યાં સુધી તેને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સસ્પેન્ડ (suspend) કરી દીધો છે. ઓલી રોબિન્સને 2012-2013માં કરેલી એક ટ્વિટ પોસ્ટને પગલે આ પગલાં ભરવામાં આવ્યા છે.

ઇસીબીએ ભરેલા આ પગલાંને કારણે હવે તે ગુરૂવાર 10 જૂનથી એજબેસ્ટનમાં શરૂ થનારી ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પસંદગી માટે ઉપલબ્ધ નહીં રહે અને તે ઇંગ્લેન્ડનો કેમ્પ છોડીને તાત્કાલિક પોતાની કાઉન્ટીમાં પરત ફરશે. હકીકતમાં ઓલી રોબિન્સને 7-8 વર્ષ પહેલા રંગભેદ અને લિંગભેદ બાબતે એક વિવાદી ટીપ્પણી કરતું ટ્વિટ કર્યું હતું અને હાલમાં લોર્ડસમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વતી તેના ડેબ્યુની સાથે જ એ જૂનુ ટ્વિટ ફરી વાયરલ બન્યું હતું. એ ઉલ્લેખનીય છે કે તેણે પોતાના આ ટ્વિટ વાયરલ થયા પછી ઇંગ્લેન્ડ બોર્ડ પાસે માફી પણ માગી હતી.

રોબિન્સને કરેલા ટ્વિટમાં એશિયન, ગર્લ્સ અને મુસ્લિમો બાબતે વાંધાજનક શબ્દો
રોબિન્સને 2012-13માં જે ટ્વિટ કર્યા હતા તેમાં તેણે લખ્યું હતું કે ‘જો એશિયન લોકો આવી કોઇ સ્માઇલીનો ઉપયોગ કરે તો મને નવાઇ લાગશે.’ છોકરીઓ બાબતે તેણે ટ્વિટ કર્યું હતું કે ‘જે છોકરીઓ ગેમ રમે છે તેઓ જે ગેમ નથી રમતી એવી છોકરીઓ કરતાં વધુ સેક્સ કરતી અને પોતાની રિલેશનશિપથી વધુ ખુશ હોય છે’. જ્યારે મુસ્લિમો બાબતે તેણે ટ્વિટ કર્યું હતું કે મારો નવો મુસ્લિમ મિત્ર બોમ્બ છે.

ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડના ઝડપી બોલર ઓલી રોબિન્સનને 2012માં કરાયેલા એક વિવાદી ટ્વિટ બાબતે સસ્પેન્ડ કરી દેવા મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેને કરાયેલા આ સજાને સોશિયલ મીડિયાની હાલની જનરેશનના ભાવિ માટે એક મજબૂત સંકેત તરીકે જોવી જોઇએ. અશ્વિને ટ્વિટર પર લખ્યું હતું કે હું એ નકારાત્મક લાગણીઓને સમજી શકું છું જે ઓલી રોબિન્સને વર્ષો પહેલા વ્યક્ત કરી હતી, પણ તેની ટેસ્ટ કેરિયરની પ્રભાવક શરૂઆત પછી સસ્પેન્ડ કરવા બાબતે મને ખરેખર ખેદ છે. આ સસ્પેન્શન એ વાતનો મજબૂત સંકેત છે કે આ સોશિયલ મીડિયા જનરેશનનું ભાવિ શું છે.

રોબિન્સનને પસ્તાવો છે અને આપણે ક્રિકેટને વધુ સમાવેશી બનાવવાની જરૂર : જો રૂટ
લંડન, તા. 07 : ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે દેશની ક્રિકેટ પ્રણાલીમાં સમાવેશિતા પર ભાર મુકતા કહ્યું હતું કે ટીમના ડેબ્યુટન્ટ ઝડપી બોલર ઓલી રોબિન્સનના આઠ વર્ષ જૂના રંગભેદી અને લૈંગિક ટ્વિટ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે, પણ આ નવા ખેલાડીને ખરેખર એ બાબતે પસ્તાવો છે. રૂટે પહેલી ટેસ્ટ ડ્રો થયા પછી કહ્યું હતું કે મેદાન બહાર જે થયું તે કોઇ રીતે આપણી રમત માટે માન્ય નથી. તેણે ડ્રેસિંગ રૂમમાં આ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને મીડિયા સાથે પણ વાત કરીને પસ્તાવો વ્યક્ત કર્યો હતો. હું તેના એ ટ્વિટ પર વિશ્વાસ નથી કરી શકતો અને તેના પર કેવી પ્રતિક્રિયા આપું તે હું જાણતો નહોતો. પણ સૌથી મહત્વપૂર્ણ એ છે કે ઓલી ડ્રેસિંગ રૂમનો હિસ્સો છે અને અમારે તેનું સમર્થન કરવાનું છે.

Most Popular

To Top