Columns

પરીક્ષા અને પરિવારપ્રેમ

એક સમય હતો જ્યારે રાજ્યમાં-દેશમાં પરીક્ષાની સિઝન આવતી હતી. પણ કોરોનાકાળમાં પરીક્ષા રદ થવાની મોસમ ખીલી છે. દુષ્ટ સરકારવિરોધીઓ એવી દલીલો કરે છે કે જો ચૂંટણી યોજી શકાતી હોય તો પરીક્ષા કેમ નહીં? તે જાણવા છતાં અજાણ્યા બને છે કે પરીક્ષા નેતાઓના નહીં, વિદ્યાર્થીઓના ભવિષ્યનો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ આવતી કાલના નાગરિક છે અને તેમનું ભવિષ્ય અમસ્તું પણ જે છે તે જ રહેવાનું છે. તો એવા ભવિષ્ય માટે તેમનો વર્તમાન શા માટે બગાડવો? અને તેમનો વર્તમાન બગડવાનો ન હોય તો પણ, પરીક્ષા રદ કરવાના નિર્ણયથી નેતાઓનો વર્તમાન થોડો પણ સુધરવાની સંભાવના હોય તો તે તક કેમ ન લેવી? એક તરફ કોરોનાકાળમાં સરકાર સંવેદનશીલ નથી એવી ફરિયાદો કરવી અને બીજી તરફ સરકારના સંવેદનશીલ નિર્ણયો પર માછલાં ધોવાં, એ કેટલે અંશે યોગ્ય ગણાય?

કેટલાક ધર્મોમાં એક જ ઇશ્વરની બોલબાલા છે. એવા એકેશ્વરવાદની જેમ રાજનેતાઓ એકપરીક્ષાવાદમાં માનતા લાગે છે—ખાસ કરીને વર્તમાન શાસકો. તે ચૂંટણી સિવાય બીજી કોઈ પરીક્ષા આપવા માગતા નથી અને એ પરીક્ષામાં નંબર લાવવા માટે તે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. એવા ‘કંઈ પણ’માં પ્રજાનું થોડું ઘણું કલ્યાણ થાય—જેમ કે સામી ચૂંટણી હોય ત્યારે પેટ્રોલના ભાવ વધે નહીં—તો તેને, સીરિયલવાળા કહે છે તેમ, ‘કેવળ સંયોગ માનવો.’ તેમનો એવો કોઈ ઇરાદો હોતો નથી.

નેતાઓને  ભલે ચૂંટણી પરીક્ષા સૌથી કઠણ લાગે, ઘણા વિદ્યાર્થીઓ માટે અસલી પરીક્ષા ખરા અર્થમાં અભ્યાસક્રમ ઉપરાંત બીજી ઘણી બાબતોની કસોટી લેનારી બની રહે છે. એટલા માટે જ, સીસી ટીવી કૅમેરાના યુગ પહેલાંના યુગમાં પરીક્ષામાં ચોરી કરવા-કરાવવાની પ્રવૃત્તિ પૂર્ણ કળાએ ખીલેલી હતી. પરીક્ષા ઉપરવાળાની હોય કે નીચેવાળાની, તેમાં એક વાતનું સામ્ય છેઃ પોતાની પરીક્ષા દરેકે પોતે જ આપવી પડે છે.  ટેકનોલોજીનો બહુ વિકાસ થયો ન હતો, ત્યારે કેટલાક પરિશ્રમી સાહસિકો લક્ષ્મીની પ્રાપ્તિ જેવા આધ્યાત્મિક હેતુથી પ્રેરાઈને ડમી ઉમેદવાર તરીકે બીજાની પરીક્ષા પોતે આપવાનું સાહસ ખેડતા હતા. કાળક્રમે પરીક્ષા નિરીક્ષકોનાં માનસ સંકુચિત થતાં ગયાં અને આ પ્રકારના પરિશ્રમી સાહસની કદર કરવાની તેમની વૃત્તિ ઘટતી ગઇ એટલે, ‘ભોક્તા વિણ કલા નહીં’ એ ન્યાયે ડમી ઉમેદવારોની સંખ્યામાં પણ ઘટાડો થતો ગયો અને આખી પેટાસંસ્કૃતિ લુપ્ત થવાના આરે આવીને ઊભી રહી.

પરીક્ષામાં ચોરી કરવાની પરંપરાના આવા હાલહવાલ ન થાય, એના માટે પરીક્ષાર્થીઓ જેટલા જ તેમના વાલીઓ પણ ચિંતિત રહે છે. દરેક વર્ષે પરીક્ષાકેન્દ્રો પર સેંકડો વાલીઓ આ પરંપરાના રક્ષણ માટે ટોળાબંધ ઉમટે છે. તેમની લાગણીઓને કાબૂમાં રાખવા માટે પોલીસે ટીયરગેસ છોડવો પડે એવું પણ બને છે. જરા વિચારોઃ પોતાના સંતાનનું હિત અને સાંસ્કૃતિક પરંપરાનું રક્ષણ ઇચ્છવું, એ પણ જ્યાં ગુનો ગણાતો હોય, તે દેશ શી રીતે ઊંચો આવે?. પોલીસના અને બોર્ડના કડક અધિકારીઓ એટલું પણ નથી સમજતા કે બોર્ડમાં વધારે ટકા લાવીને કે પાસ થઇને છોકરાં કશો કાંદો કાઢવાનાં નથી. કોલેજોમાં એડમિશનના ધક્કા ખાતાં અથવા માર્કશીટ લઇને લાઇનમાં ઊભેલાં છોકરાંનો સીન એક વાર આ સ્ક્વોડવાળા અને બોર્ડવાળા જોઈ આવે તો એ લોકો વિદ્યાર્થીઓને સજાસ્વરૂપે પરીક્ષામાં થોડા સારા માર્કે પાસ કરી દે.

ચોર-પોલીસ આપણી રાષ્ટ્રીય રમત છે. દરેક ક્ષેત્રમાં લોકો પોતપોતાની રીતે એ રમતા હોય છે. લોકો નેતાઓ સાથે ચોરપોલીસ રમે છે, જેમાં એ નેતાઓને ચોર અને પોતાને પોલીસ સમજે છે. નેતાઓ અધિકારીઓ સાથે ચોરપોલીસ રમે છે, જેમાં નેતાઓ પોતે પોલીસ બનીને અધિકારીઓને ચોર ગણે છે. ઇન્કમટેક્સના અધિકારીઓથી માંડીને કચેરીના કારકુનો પ્રજા સાથે ચોરપોલીસ રમે છે, જેમાં તે પ્રજાને ચોર સમજીને પોતે પોલીસના રોલમાં રહે છે. બોર્ડની પરીક્ષા જેવી બાબતમાં પણ ચોરપોલીસની રમત ઘૂસી ગઈ છે. સ્ક્વોડવાળા પોલીસ બનીને તમામ વિદ્યાર્થીઓને ચોર તરીકે જુએ છે. ચોરી કરતા વિદ્યાર્થીઓના વાલી પોતે પોલીસ બનીને કડક અધિકારીઓને ગુનેગાર ઠેરવે છે.

બોર્ડની પરીક્ષા આપતાં ઘણા વિદ્યાર્થીઓના વાલીઓ પરીક્ષા દરમ્યાન નોકરીમાં રજા મૂકી દે છે. તેમનો આશય સંતાનને હૂંફ આપવાનો હોય છે. ઘણાં સંતાનોને અઘરાં પેપર નહીં, ફક્ત પેપર જોઇને જ ટાઢ ચડી જાય છે. તેમને હૂંફ આપવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે વાલીઓ પરીક્ષાકેન્દ્રો પર અનેક વૈકલ્પિક ગોઠવણો કરે છે અને સંતાન પ્રત્યેની ફરજ અદાયગીનો સંતોષ અથવા તે કેટલા પહોંચેલા છે તેનો વીર રસ અનુભવે છે. સંતાનો પ્રત્યે વાલીઓનું આવું સમર્પણ ધ્યાનમાં રાખતાં એવો વિચાર આવે છે કે સંતાનોની પરીક્ષા વખતે સરકારે કે સારી ખાનગી કંપનીઓએ પરીક્ષાર્થીના વાલીઓને  ખાસ હકરજાઓ આપવી જોઈએ. તેને પેટર્નીટી લીવની તરાહ પર ફૅમિલી ડ્યુટી લીવ જેવું કોઈ નામ આપી શકાય. આવી લીવ પર ઊતરેલા સરકારી કર્મચારીમાંથી કોઈ પરીક્ષાકેન્દ્ર પર પોલીસ સાથેની માથાકૂટમાં પકડાય, તો તેમને ઑન ડ્યુટી ગણીને જામીનની વ્યવસ્થા પણ સરકારે પોતાના માથે લેવી જોઈએ. અથવા આવા વાલીઓને નડતર  કરનાર પર સરકારી કામગીરીમાં દખલના આરોપસર કામ ચલાવવાનું ગોઠવી શકાય. આમ કરવાથી ઢીલાપોચા વાલીઓ પણ પોલીસની ચિંતા રાખ્યા વગર તેમના સંતાનપ્રેમની બિનધાસ્ત અભિવ્યક્તિ કરી શકશે અને પરિવારોની કૌટુંબિક ભાવના પ્રબળ બનતાં દેશ પણ મજબૂત બનશે..

Most Popular

To Top