નવી દિલ્હી: ઑક્ટોબર-નવેમ્બરમાં ટી 20 વર્લ્ડ કપ (T-20 WORLD CUP) યુએઇ (UAE) અને ઓમાન (OMAN)માં શિફ્ટ (SHIFT) થઈ રહ્યો છે. બીસીસીઆઇ (BCCI)એ આઇસીસી (ICC)ને આંતરિક રીતે કહી દીધું છે કે ભારતમાં કોરોનાની વિકટ (CORONA IN INDIA) સ્થિતિને લીધે તે એની તૈયારીમાં આગળ વધી શકે છે.
યુએઇ હંમેશા પહેલા બેક અપ ઑપ્શન તરીકે રહ્યું છે ત્યારે અબુધાબી, દુબઈ અને શારજાહ ઉપરાંત ચોથા સ્થળ તરીકે ઓમાનની રાજધાની મસ્કતનો ઉમેરો આ ટુર્નામેન્ટ માટે કરવામાં આવ્યો છે જેની શરૂઆત ઑક્ટોબરના છેલ્લા સપ્તાહમાં થશે. આઇસીસી બૉર્ડની ઘટનાઓથી વાકેફ એવા બૉર્ડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે હા, બીસીસીઆઇએ આઇસીસીની બૉર્ડ મીટિંગમાં વિધિવત રીતે ચાર સપ્તાહનો સમય માગ્યો છે પણ આંતરિક રીતે કહી દીધું છે કે તેઓ યજમાનીના હક્કો જાળવી રાખવા માગે છે અને ટુર્નામેન્ટ યુએઇ અને ઓમાનમાં યોજાય એ સામે કોઇ વાંધો નથી.
તેમણે કહ્યું કે 16 ટીમોની આ ટુર્નામેન્ટના ખાસ તો પ્રિલિમનરી રાઉન્ડ માટે મસ્કતની પસંદગી થઈ છે. જેનાથી યુએઇના ત્રણ મેદાનોને આઇપીએલની 31 મેચો બાદ તાજા થવા પૂરતો સમય મળી રહેશે. જો આઇપીએલ 10મી ઑક્ટોબર સુધીમાં પૂરી થઈ જાય તો વર્લ્ડ ટી-20નું યુએઇ ચરણ નવેમ્બરમાં શરૂ થઈ શકે. જેથી પીચોને વૈશ્વિક ઇવેન્ટ માટે તૈયાર થવા 3 સપ્તાહનો સમય મળી રહે. પહેલું સપ્તાહ ઓમાનમાં થઈ શકે. આઇસીસી બૉર્ડના મોટા ભાગના સભ્યોનું માનવું છે કે ભારત સમય લેવાની કોશીશ કરે છે કેમ કે એવા વખતે તે સ્થિતિની સમીક્ષા કરે છે જ્યાં ઓક્ટોબર-નવેમ્બરમાં શું સ્થિતિ હશે એ ભાખવું અઘરું છે.
પ્રેક્ટિકલી વિચારો તો ભારતમાં અત્યારે 1.20 લાખથી વધુ કેસો આવી રહ્યા છે. જે એપ્રિલના અંતના ત્રીજા ભાગના છે. પણ 28મી જૂને બેસીને એમ ન કહી શકાય કે હા, વર્લ્ડ કપ યોજીશું. જો ત્રીજી વેવ આવે તો? બીજો સવાલ એ કે જો બીસીસીઆઇ આઠ ટીમોની આઇપીએલ સપ્ટેમ્બરમાં ભારતમાં ફરી શરૂ ન કરી શકે તો એ એક મહિના પછી 16 ટીમોની ઇવેન્ટ દેશમાં કેવી રીતે યોજી શકે? સૌથી મોટો સવાલ એ કે કેટલા વિદેશી ખેલાડીઓ જો સ્થિતિ એકદમ ન સુધરે તો ટુર્નામેન્ટ માટે ભારત આવવાનું જોખમ લેવા તૈયાર થશે?