સુરત: (Surat) કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સુરતની કાપડ માર્કેટો (Textile Market) બંધ રહી હોવા છતાં કેટલીક ટેક્સટાઇલ ફર્મ દ્વારા વિદેશમાં જ્યાં બીજી લહેરમાં કોઇ વ્યાપક અસર વેક્સિનેશનને લીધે જોવા મળી ન હતી. તેવા દેશોમાં થ્રી-પીસ લહેંગા અને વેડિંગ સાડીનું મોટાપાયે વેચાણ કર્યું છે. ભારતમાં તહેવારો અને લગ્નસરાંની સિઝન નિષ્ફળ રહી હોવા છતાં બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ (Gujaraties) અને ભારતીય સમાજમાં મોટી સંખ્યામાં લગ્નો થયાં હતાં. આ લગ્ન માટે મધ્યથી ભારે કિંમતના લહેંગા અને સાડી એક્સપોર્ટ કરવામાં આવી હતી. કેટલાક પરિવારોએ ઇ-કોમર્સ કંપનીને ઓર્ડર આપી બલ્કમાં સાડી (Sari) અને થ્રી-પીસ લહેંગાના ઓર્ડર આપ્યા હતા. સુરત મર્કન્ટાઇલ એસોસિએશનના અગ્રણીએ જણાવ્યું હતું કે, જે દેશોમાં કોરોનાની સ્થિતિ હળવી થઇ હતી ત્યાં લગ્નસરાં માટે આ પ્રકારના કાપડની ડિમાન્ડ જોવા મળી હતી. એક્સપોર્ટર દ્વારા આ ઓર્ડરો પૂરા પાડવામાં આવ્યા હતા.
ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર પાંડેસરાની મિલની સાડી બેસ્ટ સેલર તરીકે ટ્રેન્ડમાં રહી
ટોચની કોર્પોરેટ ઇ-કોમર્સ કંપની દ્વારા સુરતના પાંડેસરાની એક મિલ સાથે જોડાણ કરી જુદા જુદા દેશોમાં સાડી વિતરણ કરવા માટે કરાર કરવામાં આવ્યો હતો. તેને લઇને પાંડેસરાની આ મિલની સાડી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર બેસ્ટ સેલર પ્રોડક્ટ તરીકે ત્રીજા ક્રમે રહી હતી. એટલે કે, છેલ્લા 3 મહિના દરમિયાન જે વસ્તુઓ સૌથી વધુ વેચાઇ તેમાં સુરતમાં બનેલી બ્રાન્ડેડ સાડી બેસ્ટ સેલર તરીકે જોવા મળી હતી. મોટા ભાગે વિદેશી ગ્રાહકો દ્વારા આ સાડીના ઓર્ડર લગ્નસરાંની સિઝન માટે ફ્લિપકાર્ટને આપવામાં આવ્યા હતા.
સચીન જીઆઇડીસીના ફાયર બ્રિગેડના બેડામાં વધુ બે આધુનિક ફાયર ટેન્ડર જોડવામાં આવ્યાં
સુરત: વિસ્તારની દૃષ્ટિએ રાજ્યની બીજા ક્રમાંકની સચિન જીઆઈડીસીમાં આગની ઘટનાઓ પર ત્વરિત અંકુશ મેળાવવા નોટિફાઈડ ઓથોરિટીને સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટી દ્વારા આધુનિક ફાયર ટેન્ડર્સ વસાવવા માંગ કરવામાં આવી હતી. તેના પગલે જીઆઇડીસીના ફાયર બ્રિગેડના બેડામાં વધુ બે આધુનિક ફાયર ટેન્ડર જોડવામાં આવ્યાં છે. સચિન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અગ્રણી મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, આજે 1.10 કરોડના ખર્ચે બે આધુનિક ફાયર ટેન્ડર જીઆઇડીસીને આપવામાં આવ્યાં છે. જીઆઇડીસીના ઉદ્યોગોની જરૂરિયાતને ધ્યાને રાખી એક મલ્ટિપલ યૂઝ ફાયર ટેન્ડર અને બીજું ફોર્મ છંટકાવ કરતું ફાયર ટેન્ડર ખરીદવામાં આવ્યું છે. જીઆઈડીસીમાં આ બે ફાયર ટેન્ડરના ઉમેરા સાથે કુલ ફાયર ટેન્ડર્સની સંખ્યા 5 થઈ છે. આગ તેમજ અન્ય કોઈ પણ અકસ્માતથી બચવા માટે નોટિફાઇડ એરિયા જીઆઇડીસી સચિન દ્વારા બે નવાં ફાયર વેહિકલનું મંગળવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં એક મલ્ટિપલ અને એક ફોમ ટેન્ડરનો સમાવેશ થાય છે. આવનારા સમયમાં આગ અને અકસ્માત સમયે આ નવા બે ફાયર વેહિકલ ફાયર વિભાગના ઉપયોગમાં આવશે. આકસ્મિક સંજોગોમાં સુરતની આસપાસના વિસ્તારોને પણ આગ અકસ્માત સમયે મદદરૂપ થવાશે.