ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સ એપ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સરકાર વચ્ચે કાનૂની લડાઈ ચાલી રહી છે. સરકાર દ્વારા ગયા ફેબ્રુઆરી મહિનામાં સોશિયલ મીડિયા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા હતા, પણ તેના અમલ માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. ત્રણ મહિના પૂરા થયા છે, પણ કોઈ વિદેશી કંપની દ્વારા નિયમોનો અમલ કરવામાં આવ્યો નથી. આ માટે ટ્વિટર સામે દિલ્હી હાઈ કોર્ટમાં કેસ પણ ફાઈલ કરવામાં આવ્યો છે.
સરકારના નવા નિયમો પ્રમાણે ભારતના નાગરિકો વ્હોટ્સ એપ પર જે સંદેશાઓ મોકલે છે તેનું ટ્રેકિંગ કરવાની સત્તા સરકારને આપવામાં આવી છે. તેને કારણે નાગરિકોના અંગત સંદેશાઓ પણ જાહેર થઈ શકે છે. વ્હોટ્સ એપ કંપનીએ આ નિયમો સામે દિલ્હી હાઈ કોર્ટમાં કેસ કર્યો છે. વ્હોટ્સ એપનું કહેવું છે કે સરકારના નિયમોને કારણે ભારતના નાગરિકોનો પ્રાઇવસીનો અધિકાર ઝૂંટવાઈ જશે. વિદેશી કંપનીને ભારતના નાગરિકોના અધિકારોની ચિંતા નથી પણ પોતાના ધંધાની ચિંતા છે. જો વ્હોટ્સ એપ પર મૂકવામાં આવતા સંદેશાઓ સરકાર વાંચી શકતી હોય અને તેને ટ્રેક પણ કરી શકતી હોય તો લોકો વ્હોટ્સ એપ વાપરવાનું જ બંધ કરી દેશે. નવાઈની વાત એ છે કે સરકારના નવા નિયમોને કારણે જે કરોડો લોકોને ફરક પડવાનો છે તેઓ તેનો વિરોધ જ કરી રહ્યા નથી.
આપણે જ્યારે પણ વ્હોટ્સ એપ ખોલીએ છીએ ત્યારે મેસેજ વાંચવા મળે છે કે “your messages are protected by end to end encryption.” તેનો અર્થ થાય છે કે તમારા સંદેશાઓ સાંકેતિક ભાષા વડે સુરક્ષિત કરવામાં આવે છે. જો કોઈ વચ્ચેથી આપણા સંદેશાઓ હેક કરે તો પણ તેને સાંકેતિક ભાષા જ વાંચવા મળે, જેને તે ઉકેલી શકે નહીં. વ્હોટ્સ એપની દલીલ છે કે જો તેણે બધા સંદેશા ટ્રેક કરવાના હોય તો તે સંદેશાઓ ખાનગી રહી શકશે જ નહીં. તાજેતરમાં કોરોનાનાં તથાકથિત બીજાં મોજાં દરમિયાન સોશિયલ મીડિયામાં સરકારની વિરુદ્ધના સંદેશાઓનો મારો ચાલ્યો હતો, જેને કારણે દેશમાં અને વિદેશોમાં પણ મોદી સરકારની છબી ખરડાઈ હતી.
ભાજપના મીડિયા સેલ દ્વારા નકારાત્મક સંદેશાઓને ખાળવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પણ તેને સફળતા મળી નહોતી. આ કારણે કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પર લગામ તાણવા ઉતાવળી બની છે. થોડા દિવસ પહેલાં વ્હોટ્સ એપ પર એવા મેસેજો વહેતા થયા હતા કે સરકાર હવે તમારા તમામ સંદેશાઓની ચકાસણી કરશે. જે સંદેશાઓ સરકારની વિરુદ્ધમાં હશે તેને રોકવામાં આવશે અને પોલિસ સ્ટેશનમાં તેની માહિતી આપી દેવામાં આવશે. આ સંદેશા ફેક સાબિત થયા હતા, પણ હકીકતમાં ભાજપના આઈટી સેલ દ્વારા તેને ફોરવર્ડ કરવામાં આવ્યા હતા. તેનું કારણ એ હતું કે સરકાર ખરેખર સોશિયલ મીડિયાને સેન્સર કરવા માગે છે.
ભારતમાં સરકારની ટીકા કરતા પત્રકારોને અને વિપક્ષી નેતાઓને ડર છે કે જો સોશિયલ મીડિયામાં તેમના દ્વારા વહેતા મૂકવામાં આવેલા સંદેશાઓ સરકાર વાંચી શકવાની હોય તો તેમની પ્રાઇવસી ઉપરાંત અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ ખતરામાં આવી જશે. ૨૦૧૭માં સુપ્રિમ કોર્ટ દ્વારા સીમાચિહ્નરૂપ ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં દરેક નાગરિકના પ્રાઈવસીના અધિકારને પણ મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો હતો. વ્હોટ્સ એપની દલીલ એવી છે કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમો મૂળભૂત અધિકારો પર તરાપ મારવા સમાન છે.
ભારતમાં વ્હોટ્સ એપના આશરે ૫૦ કરોડ ગ્રાહકો છે. તેમના દ્વારા રોજના અબજો સંદેશાઓ વહેતા મૂકવામાં આવે છે. સરકારની દલીલ છે કે તેના પૈકી કેટલાક સંદેશાઓ દેશવિરોધી ભાવનાઓ ભડકાવનારા હોય છે તો કેટલાક અશ્લીલ હોય છે. આ સંદેશાઓ સતત ફોરવર્ડ થતા કરોડો લોકો સુધી પહોંચી જાય છે. જો આ સંદેશાને ટ્રેક કરવા હોય તો વ્હોટ્સ એપ દ્વારા તમામ સંદેશાઓનો લોગ રાખવો પડે. વળી સંદેશાઓ વચ્ચેથી વાંચવા માટે તેનું એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન તોડવું પડે. સરકાર કહે છે કે સંદેશાને ટ્રેક કરવાનો મતલબ તેની સામગ્રી વાંચવી તેવો નથી થતો પણ તેને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે? તેને કોણે કોણે ફોરવર્ડ કર્યો છે? તે જાણવું તેવો થાય છે. તો પણ સંદેશાની સાંકેતિક ભાષા તોડવી જરૂરી બની જાય છે. જો સાંકેતિક ભાષા તોડવાનું શરૂ કરવામાં આવશે તો સંદેશો કોઈ પણ હેક કરી શકશે. વળી વ્હોટ્સ એપ કંપનીએ અબજો સંદેશાઓ અનિશ્ચિત કાળ સુધી સાચવી રાખવા પડશે. સરકાર કોઈ પણ માહિતી માગે તો તે આપવી પડશે.
ભારત સિવાય દુનિયાના ઘણા દેશો દ્વારા સોશિયલ મીડિયા પર અંકુશ લાવવાના કાયદાઓ ઘડવામાં આવ્યા છે. બ્રાઝિલની સંસદે ગયા જૂનમાં ફેક ન્યૂઝ પર નિયંત્રણ લાવવા માટે કાયદો ઘડ્યો હતો. આ કાયદા મુજબ વ્હોટ્સ એપ પર જે સંદેશાઓ વારંવાર ફોરવર્ડ થતા હોય તેનો સંપૂર્ણ રેકોર્ડ ત્રણ મહિના સુધી રાખવો પડે છે. સરકાર તે રેકોર્ડ માગે તો આપવો પડે છે. તેના વડે આ સંદેશો ક્યાંથી પેદા થયો? કોના કોના દ્વારા તેને ફોરવર્ડ કરવામાં આવ્યો? તેનો સરકારને ખ્યાલ આવે છે. ભારતના કાયદામાં ક્યા પ્રકારના સંદેશાઓ કેટલા સમય માટે સાચવી રાખવા? તેનો ફોડ પાડવામાં આવ્યો નથી. આ કારણે કંપનીને તમામ સંદેશા અનંત કાળ સુધી સાચવી રાખવાની ફરજ પડશે. જો સરકાર વાઇરલ મેસેજને જ ટ્રેક કરવાનો કાયદો કરે તો લોકો તેનો રસ્તો કાઢી શકે છે. જો વ્હોટ્સ એપના વપરાશકારો કોઈ મેસેજને વારંવાર કોપી પેસ્ટ કરે તો તે વાઇરલ ગણાતો નથી.
ભારત સરકાર જે રીતે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર નિયંત્રણ લાવવા માગે છે, તેમાં ચીનની નીતિની ગંધ આવ્યા વિના રહેતી નથી. ચીનમાં સોશિયલ મીડિયા સરકારનું ગુલામ છે. નાગરિકો દ્વારા સોશિયલ મીડિયામાં કોઈ પણ સંદેશા મૂકવામાં આવે તે સરકાર વાંચી શકે છે. સરકારની વિરુદ્ધમાં સંદેશાઓ વહેતા કરનારને જેલમાં પણ પૂરવામાં આવે છે. ચીનમાં માહિતી બાબતમાં ફાયરવોલ ઊભી કરવામાં આવી છે. ચીનની કોઈ માહિતી બહાર જઈ શકતી નથી અને બહારની કોઈ માહિતી ચીનના નાગરિકો સુધી પહોંચી શકતી નથી. સોશિયલ મીડિયા ઉપરાંત પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા પર પણ સામ્યવાદી સરકારનો અંકુશ છે. ૨૦૦૬માં ચીની સરકાર દ્વારા આ નીતિ અખત્યાર કરવામાં આવી તે પછી ફેસબુક, ટ્વિટર, ગૂગલ વગેરે ચીન છોડી ગયા હતા. ચીની સરકાર દ્વારા તેનું પોતાનું વીચેટ નામનું મેસેન્જર તૈયાર કરવામાં આવ્યું છે.
ફેસબુક, ગૂગલ, ટ્વિટર વગેરે કંપનીઓને ભારતમાં મોટું બજાર દેખાઈ ગયું છે. ફેસબુકે અને ગૂગલે તો જિયો સાથે ભાગીદારી પણ કરી છે. સોશિયલ મીડિયાની લોકપ્રિયતાનો ઉપયોગ કરીને તેઓ ઇ-કોમર્સમાં પણ ઝંપલાવવા માગે છે. ફેસબુક તો પોતાની ક્રિપ્ટોકરન્સી પણ લોન્ચ કરવા માગે છે. ગૂગલ દ્વારા પેમેન્ટ બેન્ક શરૂ કરવામાં આવી છે. જો ભારત સરકાર સોશિયલ મીડિયાને પોતાનું પાળીતું બનાવી દે તો લોકો તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દે, તેવું પણ બની શકે છે. ભારત સરકાર પોતાના કાયદાનો અમલ કરવાની બાબતમાં મક્કમ છે. ફેસબુકે અને ટ્વિટરે તો તેમાં સંમતિ પણ આપી દીધી છે. નવાઈ એ વાતની છે કે ભારતની જનતાને તેથી કોઈ ફરક પડતો જણાતો નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.