Columns

સફળ વ્યક્તિત્વ

એક દિવસ પ્રવચન બાદ સંત પાસે એક યુવાન આવ્યો. તેણે પૂછ્યું, ‘બાબા, તમે ખૂબ જ જ્ઞાની છો. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે જો જીવનમાં દરેક રીતે સફળ અને સમતોલ વ્યક્તિત્વ હાંસલ કરવું હોય તો વ્યક્તિએ શું કરવું જોઈએ?’ સંત બોલ્યા, ‘યુવાન, મારો રોજ સાંજનો નિયમ છે, રાત્રીના ભોજનમાં હું બે રોટલા અને દૂધ જ લઉં છું અને તે માટેનો બાજરો કે જુવાર જાતે ઘંટીમાં દળું છું.અત્યારે મારો લોટ દળવાનો સમય થયો છે માટે મારી સાથે ચાલ. રસોઈઘરમાં જઈને કામ કરતાં કરતાં વાત કરીએ. હું તારા પ્રશ્નનો જવાબ પણ ત્યાં આપીશ.’

સંત અને યુવાન રસોઈઘર તરફ ગયા.ત્યાં સંત એક ઘંટી પાસે પોતે દળવા બેઠા અને બીજી ઘંટી તરફ ઈશારો કરતાં યુવાનને ત્યાં બેસવા કહ્યું.યુવાન તરત બોલ્યો, ‘પણ મને દળતાં નથી આવડતું.’ સંત હસ્યા અને બોલ્યા, ‘કંઈ વાંધો નહિ, પ્રયત્ન કર અને મારું જોઇને શીખ. હું શીખવાડીશ.’ સંતે એક હાથમાં મુઠ્ઠીભર બાજરો લઈને ઘંટીમાં વચ્ચે નાખ્યો અને બીજા હાથે ઘંટી ફેરવવા લાગ્યા. યુવાનને પણ તેમ કરતાં શીખવાડ્યું.

યુવાન ધીમે ધીમે સંત કહે તેમ ઘંટી ફેરવવા લાગ્યો.થોડી વાર સંત યુવાનને દળવાનું શીખવતા રહ્યા અને પોતે પણ ઘંટી પર બાજરો દળતા રહ્યા.યુવાનની ધીરજ ખૂટવા લાગી કે મારા પ્રશ્નનો જવાબ સંત કયારે આપશે. સંત યુવાનના મનની વાત સમજી ગયા.તેઓ ઘંટી દળતાં દળતાં જ બોલ્યા, ‘યુવાન, ધ્યાનથી જો તો આ ઘંટીમાં એક પથ્થર સ્થિર છે અને બીજો પથ્થર ગતિમાન છે અને એટલે જ અનાજ દળાય છે અને લોટ બને છે.તેમ દરેક મનુષ્યમાં પણ બે પથ્થર છે. એક તન અને બીજું મન. આ બે પથ્થરમાંથી જો મન સ્થિર રહે અને તન ગતિમાન રહે તો જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. એક સફળ વ્યક્તિત્વનું સર્જન થાય છે. આ અતિ મહત્ત્વની બાબત છે પણ મોટા ભાગના મનુષ્ય ઉલટું કરે છે.

તન આળસ અને આરામમાં સ્થિર રહે છે અને મન લાલસા અને લોભ પાછળ ગતિમાન રહે છે એટલે સફળ સમતોલ વ્યક્તિત્વ સંભવ થતું નથી.સફળ થવા માટે મનુષ્યે તનથી મહેનત કરવી અને મનને કાબૂમાં રાખવું જરૂરી છે.સફળ સમતોલ વ્યક્તિત્વ માટે પોતાના દરેક કાર્ય જાતે કરી સ્વાવલંબી બનવું પણ જરૂરી છે અને પોતાને ન આવડતા કામની શરમ રાખ્યા વિના તેનો સ્વીકાર કરી લેવો અને તે શીખવું જરૂરી છે.સતત મહેનત … સતત શીખતા રહેવું …સ્વાવલંબી બનવું…સમયપાલન કરવું …અને મનમાં સમતા જાળવવી તો તમે એક સંપૂર્ણ સફળ વ્યક્તિત્વ હાંસલ કરી શકો છો.’ ગુરુજીએ પોતાના આચરણ અને ઘંટીના ઉદાહરણ દ્વારા યુવાનને સુંદર સમજ આપી.

 – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top