National

ભરતીય અર્થતંત્રમાં 40 વર્ષનો સૌથી મોટો ઘટાડો

નવી દિલ્હી: ભારતનું અર્થતંત્ર (Indian economy) માર્ચ ૨૦૨૧માં પુરા થયેલા નાણાકીય વર્ષ (financial year)માં ૭.૩ ટકાના દરે સંકોચાયું હતું જે ધારણા કરતા ઓછા દરે સંકોચન છે, જ્યારે કે દેશમાં કોરોનાવાયરસ (corona virus)નો વિશ્વનો સૌથી ખરાબ રોગચાળો ફાટી નિકળ્યો તેના થોડા જ સમય પહેલા ચોથા ક્વાર્ટરમાં દેશના અર્થતંત્રના વિકાસ દરે વેગ પકડ્યો હતો.

એશિયાના ત્રીજા ક્રમના સૌથી મોટા (second highest of Asia) એવા આ અર્થતંત્રમાં નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ચોથા એટલે કે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં ૧.૬ ટકાનો દર નોંધાયો હતો, જે તેના અગાઉના ક્વાર્ટર કરતા ૦.પ ટકા વધારે હતો, જે ક્વાર્ટરમાં ભારતે અગાઉના છ મહિનામાં રોગચાળાથી સર્જાયેલ મંદીમાંથી ધીમે ધીમે બહાર આવવાનું શરૂ કર્યું હતું. આની અગાઉના નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ભારતનું અર્થતંત્ર ૩ ટકાના દરે વિકસ્યું હતું.

ભારતનું અર્થતંત્ર આમ તો ગયા વર્ષે રોગચાળો શરૂ થયો તેના પહેલાથી જ મંદીનો સામનો કરી રહ્યું હતું અને તેમાં રોગચાળાને અંકુશમાં લેવા માટે લાદવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના કારણે મોટા ભાગની આર્થિક પ્રવૃતિઓ અને વપરાશ ઘટી જતાં અર્થતંત્રને વધુ ફટકો પડ્યો હતો. અને એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ના નાણાકીય વર્ષ(નાણાકીય વર્ષ ૨૧)માં અર્થતંત્ર ૭.૩ ટકાના દરે સંકોચાયું હતું. ભારતીય અર્થતંત્ર એક આખા નાણાકીય વર્ષ દરમ્યાન સંકોચાયું હોય તેવી આ છેલ્લા ચાર દાયકામાં પ્રથમ ઘટના છે. આના પહેલા નાણાકીય વર્ષ ૧૯૭૯-૮૦માં ભારતનું અર્થતંત્ર પ.૨ ટકાના દરે સંકોચાયું હતું. ગત નાણાકીય વર્ષની અગાઉના એટલે કે ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં ભારતનું અર્થતંત્ર ૪ ટકાના દરે વિકસ્યું હતું. દેશનો જીડીપી નાણાકીય વર્ષ ૧૭માં ૮.૩ ટકાના દરે વધ્યો હતો અને તેના પછીના નાણાકીય વર્ષમાં આ વિકાસદર ઘટીને ૭ ટકા અને તેના પછી ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં આ દર ઘટીને ૬.૨ ટકા થઇ ગયો હતો.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(NSO) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ ભારતનો ખરેખરો જીડીપી નાણાકીય વર્ષ ૨૧(૨૦૨૦-૨૧)માં સંકોચાઇને રૂ. ૧૩૫ લાખ કરોડ થઇ ગયો હતો જે માર્ચ ૨૦૨૦ના અંતે રૂ. ૧૪૫ લાખ કરોડ હતો. રૂ. ૧૪૫ લાખ કરોડનું કદ ફરી પ્રાપ્ત કરવા માટે ભારતના અર્થતંત્રે હાલના ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષમાં ૧૦-૧૧ ટકાના દરે વિકસવું જરૂરી હતું પરંતુ ગયા મહિને કોવિડ-૧૯ના રોગચાળાનું બીજુ મોજું ફાટી નીકળતા અર્થતંત્રની વધેલી ગતિને ફરીથી બ્રેક લાગી ગઇ હતી.

કોરોનાને તો વર્ષ થયું, જીડીપી 5 વર્ષથી ઘટી રહી છે, 2019-20માં જીડીપી વૃદ્ધિ દર 4.2% હતો જે 11 વર્ષમાં સૌથી ઓછો હતો. કોરોના પહેલાથી ભારતીય અર્થતંત્ર નબળું પડી રહ્યું છે.

વર્ષ જીડીપી ગ્રોથ
2016-17 8.26%
2017-18 7.04%
2018-19 6.12%
2019-20 4.2%
2020-21 માઇનસ 7.3%

Most Popular

To Top