સુરત: સ્મીમેરમાં ઇએનટી તબીબો (ENT DOCTORS) દ્વારા સામાન્ય દર્દીઓને જોવાનું બંધ કરી દેવામાં આવતાં દોડધામ થઇ ગઇ હતી. સોમવારે પ્રથમ દિવસે ઓપીડી (OPD) સ્મીમેર (SMIMMER)માં શરૂ કરવામાં આવી હતી. આ નિર્ણય પંદર દિવસ મોડો લેવામાં આવતાં સ્મીમેર સત્તાધીશોના નબળા વહીવટની પોલ ખુલ્લી પડી ગઇ છે.
પંદર દિવસ અગાઉ જ આ નિર્ણય લેવાયો હતો. ઇએનટીની સામાન્ય ઓપીડી બારોબાર બંધ કરી દેવાઈ હતી. દરમિયાન ઇએનટી તબીબો દ્વારા માત્ર મ્યુકરમાઇકોસિસ (MUCORMYCOSIS) ના કેસ જોવાનો નિર્ણય ઉપરી ઓથોરિટી (AUTHORITY)ને પૂછ્યા વગર લેવામાં આવ્યો હતો. આ મામલે બાદમાં વિવાદ થતાં સત્તાધીશો દ્વારા ઇએનટી ઓપીડી ફરીથી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન બપોર પછી તમામ તબીબો સામાન્ય ઇએનટીની ઓપીડી બંધ કરી ચાલ્યા જતાં સેંકડો દર્દીઓ અટવાયા હોવાની વિગત જાણવા મળી છે. સોમવારે સવારે અચાનક જ કોઇપણ સૂચના વગર સ્મીમેર હોસ્પિટલમાં ઓપીડી બંધ કરી દેવાતાં આરએમઓ સહિતના તબીબો દોડતા થઇ ગયા હતા. જો કે, આરએમઓની મધ્યસ્થી બાદ હાજર 10થી 12 જેટલા દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા. ઇએનટીના તબીબો દ્વારા સર્જરી મેડિસીન અને ડેન્ટલ સહિતની ઓપીડીમાં આવતા અને મ્યુકરમાઇકોસિસ શંકાસ્પદ દર્દીઓને પણ તપાસમાં નહીં લેવાનું વલણ અપનાવાયું હોવાની વિગત જાણવા મળી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સ્મીમેર હોસ્પિટલમાં સોમવારથી સામાન્ય દર્દીઓ માટે ઓપીડીઓ શરૂ કરવામાં આવી હતી. જેના કારણે દર્દીઓ પણ સોમવારે સવારે સારવાર માટે આવી પહોંચ્યા હતા. મ્યુકરમાઇકોસિસના રોગ વચ્ચે ઇએનટીના રૂટીન દર્દીઓ પણ સોમવારે સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે આવ્યા હતા. પરંતુ સ્મીમેર હોસ્પિટલના ઇએનટીના તબીબો ઓછા હોવાથી રૂટિન દર્દીઓ માટે ઇએનટીની ઓપીડી તબીબો દ્વારા બંધ કરી દેવાઈ હતી. પરંતુ દર્દીઓ વધુ આવતાં ઓપીડી બહાર લાઇનો લાગી હતી. જેના કારણે અન્ય મેડિકલ સ્ટાફ દોડતો થઇ ગયો હતો. આ અંગે આરએમઓ સુધી વાત પહોંચતાં આરએમઓ ઉચ્ચ અધિકારીઓને જાણ કરાતાં એક રેસિડન્ટ તબીબ રૂટિન દર્દીઓને ચકાસવા આવ્યા હતા. બપોર બાદ ઓપીડી ઇએનટીના જનરલ દર્દીઓ માટે સદંતર બંધ કરી દીધી હતી અને દર્દીઓને મસ્કતિ હોસ્પિટલના ભરોસે મોકલી આપ્યા હતા.
શું કહે છે સ્મીમેર સત્તાધીશો
મસ્કતિ હોસ્પિટલમાં જ્યાં સપ્તાહમાં બે તબીબ ત્રણ દિવસ આવે છે અને તે પણ અડધો કલાક આવે છે ત્યાં દર્દીઓને ભગવાનભરોસે છોડી દેવાયા છે. આ મામલે સુપરિન્ટેન્ડેન્ટ વંદનાબેને જણાવ્યું કે, વધુ ઇએનટી તબીબોને ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટથી લેવામાં આવશે. હાલમાં ઓછા તબીબો છે. તેથી તકલીફ પડી રહી છે.