સુખસર: ગ્રામીણ વિસ્તારોની પ્રજાને ભૌતિક સુવિધાઓના વિકાસ માટે સરકાર દ્વારા વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.જેમાં કેટલીક જગ્યાએ જે-તે જવાબદારો દ્વારા નાણાંનો દુરુપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદો ઊઠે છે.જ્યારે કેટલીક જગ્યાએ કરવામાં આવતા ભૌગોલિક કામો પ્રત્યે સ્થાનિક ગ્રામીણ વિસ્તારોનો વિકાસ ન થાય તેમાં માનતા કેટલાક તત્વો દ્વારા વાંધા વિરોધ ઉઠાવવામાં આવતા હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવે છે.
જ્યારે હાલ ફતેપુરા તાલુકાના કાળીયા ગામે પંદર વર્ષ અગાઉ બનાવવામાં આવેલ જાહેર આર.સી.સી રસ્તાની કરવામાં આવેલ કામગીરીને જે.સી.બી મશીનથી ખોદાણ કરી રસ્તો બંધ કરી દેવામાં આવતા તેની તાલુકા કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.જો કે અહીંયાથી ન્યાય નહીં મળે તો તેની જિલ્લા થી લઈ રાજ્ય સરકાર સુધી રજૂઆત થનાર હોવાનું પણ જાણવા મળે છે. ફતેપુરા તાલુકાના કાળીયા ગામના તળાવ ફળિયા તરફ જતો આશરે અઢીસો મીટર જેટલો રસ્તો ગત પંદર વર્ષ અગાઉ આર.સી.સી કરવામાં આવેલ હતો જે રસ્તા ઉપરથી લોકો અવર-જવર કરતા હતા. અને આ રસ્તાથી તળાવ ફળિયાના સ્થાનિકો ઉપયોગ કરતા હતા.